અમદાવાદ રિવરફ્રન્ટના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં: તંત્રની ઘોર બેદરકારી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સહિત અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ રિવરફ્રન્ટ પર આપઘાત સ્થળે મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત બાદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં ૨૪ કલાકમાં ત્રણ હત્યાના બનાવ બન્યા હતા. રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં પણ આત્મહત્યા છે. સ્મિત ગોહિલ અને અન્ય એક આરોપીએ વિરમગામમાં હત્યા કરી હતી. પકડાઈ જવાના ડરે તેણે અહીંયા આવીને આપઘાત કર્યો હતો. આ ઉપરાંત શાહપુર અને વટવા મર્ડર કેસ ડિટેકટ થઈ ગયા છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે વધુમાં જણાવ્યું હતું કે, ગુના ૨-૫ ટકા વધે કે ઘટે એમાં બહુ ફેર પડવાનો નથી. મહત્ત્વની વાત એ છે કે, ગુનો બન્યા બાદ નોંધાય અને શોધાય પણ ઝડપી છે. હત્યારા વિરમગામ યુવકને લઇ જઇ ગોળી મારી હત્યા કરી તો વાહન ચેકિંગમાં કેમ ન પકડાય તે મામલે તેમણે જણાવ્યું કે, વાહન ચેકિંગ બાબતે અગાઉ અનેક આક્ષેપ થયા છે, દરેક વાહનને ચેક નહીં કરી શકાય. પહેલા ૧૦ મહિનામાં અમદાવાદમાં ૯૭ ગુના નોંધાયા જે તમામ શોધાયા છે. અમદાવાદમાં ગુનાખોરી કાબૂ હેઠળ હોવાનું તેમણે દાવો કર્યો હતો.
અમદાવાદના ૨૨ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમ નથી તે અંગે કમિશનરે જણાવ્યું હતું કે, કોર્પોરેશન સાથે આ અંગે પ્રયાસ ચાલુ છે અને ઝડપથી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે. પોલીસ ચોકી બનાવવા માટેની પણ પ્રક્રિયા ચાલુ છે. ટેક્નિકલ મેઇન્ટેનન્સના કારણે અમુક કેમેરા બંધ છે, જેને ચાલુ કરાવવાની કામગીરી ચાલુ છે.