ભારત લંકાદહન કરીને વર્લ્ડકપની સૅમિફાઇનલમાં
મુંબઈમાં ૩૦૨ રનથી વિજય: શ્રીલંકાનો ૫૫ રનમાં વીંટો વળી ગયો
વિજયનો મજબૂત પાયો: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ગુરુવારે વિશ્ર્વ કપની મેચમાં ૯૨ રન કરનારો શુભમન ગિલ અને ૮૮ રન કરનારો વિરાટ કોહલી. શ્રેયસ ઐયરે ૮૨ રન કર્યા હતા. ભારતે પચાસ ઓવરમાં આઠ વિકેટે ૩૫૭ રન કર્યા હતા. (પીટીઆઇ)
મુંબઇ: વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૩મી મેચમાં ભારતે શ્રીલંકાને ૩૦૨ રનથી કચડ્યું હતું. ભારતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સતત સાતમી મેચ જીતી અને સૅમિફાઈનલમાં સ્થાન મેળવનારી પ્રથમ ટીમ બની ગઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૩૫૭ રન કર્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ ફક્ત ૫૫ રનમાં જ સમેટાઈ ગઈ હતી.
૩૫૮ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકા ૧૯.૪ ઓવરમાં ૫૫ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શમીએ ૧૮ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજને ત્રણ વિકેટ મળી હતી, જ્યારે બુમરાહ અને જાડેજાને એક સફળતા મળી હતી. આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ભારત ટોપ પર પહોંચી ગયું છે.
શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ પાંચ વિકેટ ઝડપી હતી. કસુન રાજિતાએ સૌથી વધુ ૧૪ રન કર્યા હતા. તેના સિવાય મહિષ તીક્ષ્ણા અને એન્જેલો મેથ્યુઝે ૧૨-૧૨ રન કર્યા હતા. શ્રીલંકાના પાંચ બેટ્સમેન શૂન્યના સ્કોર પર આઉટ થયા હતા, જ્યારે આઠ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા ન હતા.
બુમરાહે શ્રીલંકાની ઇનિંગ્સના પહેલા જ બોલ પર પથુમ નિશંકાને આઉટ કર્યો હતો. આ પછી દિમુથ કરુણારત્ને મોહમ્મદ સિરાજનો શિકાર બન્યો હતો. કરુણારત્ને પણ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો, જ્યારે ત્રીજો શ્રીલંકન ખેલાડી આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર બે રન હતો. આ પછી કુસલ મેન્ડિસ આઉટ થયો હતો. એટલે કે ૩ રનમાં શ્રીલંકાના ૪ બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા હતા. ચરિથ અસલંકા ૨૪ બોલમાં ૧ રન બનાવીને આઉટ થયો હતો. ચરિથ અસલંકાને મોહમ્મદ શમીએ આઉટ કર્યો હતો. તેના પછીના
બોલ પર મોહમ્મદ શમીએ દુશાન હેમંથાની વિકેટ ઝડપી હતી.
અગાઉ ભારતે પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટના નુકસાન પર ૩૫૭ રન કર્યા હતા. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ૫૦ ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને ૩૫૭ રન કર્યા હતા. શુભમન ગિલે સૌથી વધુ ૯૨ રનની ઇનિંગ રમી હતી. જ્યારે વિરાટ કોહલીએ ૮૮ રન અને શ્રેયસ ઐય્યરે ૮૨ રન કર્યા હતા. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે દુષ્મંથા ચમીરાને એક સફળતા મળી હતી.
ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા ચાર રન કરી બોલ્ડ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી અને શુભમન ગિલે શાનદાર ઇનિંગ રમી ટીમની સ્થિતિ મજબૂત કરી હતી. વિરાટ કોહલી અને શુભમન ગિલ બીજી વિકેટ માટે વચ્ચે ૧૮૯ રનની ભાગીદારી થઈ હતી. દિલશાન મદુશંકાએ શુભમન ગિલને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. આ પછી વિરાટ કોહલી પણ પેવેલિયન પરત ફર્યો હતો.
કોહલીએ ૯૪ બોલમાં ૮૮ રન કર્યા હતા. જ્યારે શુભમન ગિલે ૯૨ બોલમાં ૯૨ રનની ઇનિંગ રમી હતી. શ્રેયસ ઐય્યરે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી હતી. ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટ્સમેન કે.એલ. રાહુલ ૧૯ બોલમાં ૨૧ રન કરી આઉટ થયો હતો. આ સાથે જ સૂર્યકુમાર યાદવ પણ વહેલો પેવેલિયન પરત ફર્યો હતો. શ્રેયસે ૫૬ બોલમાં ૮૨ રનની તોફાની ઇનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા ૨૪ બોલમાં ૩૫ રન કરી પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવે નવ બોલમાં ૧૨ રન કર્યા હતા.
મોહમ્મદ શમી અને કોહલીએ વિક્રમ તોડ્યા
મુંબઇ: અહીંના વાનખેડેમાં રમાયેલી વર્લ્ડકપની મેચમાં ભારતનો શ્રીલંકા સામે ૩૦૨ રનથી વિજય થયો હતો. આ મેચમાં ભારતીય બોલરોનો તરખાટ જોવા મળ્યો હતો. મોહમ્મદ શમીએ શ્રીલંકા સામેની વર્લ્ડ કપ મેચમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે ભૂતપૂર્વ અનુભવી બોલર ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો હતો. ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપના ઇતિહાસમાં ૪૫ વિકેટ ઝડપી વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તેણે ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો હતો. ઝહીરખાન અને શ્રીનાથના નામે વર્લ્ડકપમાં ૪૪ વિકેટ હતી. મોહમ્મદ શમીએ ફક્ત ૧૪ મેચમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. જ્યારે ઝહીર ખાને ૨૩ મેચમાં અને જવાગલ શ્રીનાથે ૩૪ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારતના ૩૫૭ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૧૯.૪ ઓવરમાં માત્ર ૫૫ રન પર જ ઓલઆઉટ થઇ ગઇ હતી. આ હાર સાથે જ શ્રીલંકા સૅમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. શ્રીલંકા તરફથી કસુન રાજિથાએ ૧૪ રન, એન્જેલો મેથ્યુઝે ૧૨ રન અને મહિષ તિક્ષ્ણાએ ૧૨ રન કર્યા હતા. શ્રીલંકાની ટીમના પાંચ બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ પાંચ અને મોહમ્મદ સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ અને જાડેજાને એક એક વિકેટ મળી હતી.
મુંબઇ: વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ યથાવત્ છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી શ્રીલંકા સામેની મેચમાં કોહલી ૮૮ રન કરી આઉટ થયો હતો. આ સાથે સચિન તેંડુલકરનો એક રેકોર્ડ વિરાટ કોહલીએ તોડ્યો હતો.
વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરનો ખાસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ એક કેલેન્ડર વર્ષમાં આઠમી વખત ૧,૦૦૦ વન-ડે રનનો આંકડો પાર કર્યો હતો. આ સિવાય તેણે વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ ૫૦ કરતાં વધુ રન કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.
કોહલી પહેલા એક કેલેન્ડર વર્ષમાં ૧,૦૦૦ વન-ડે રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેણે એક કેલેન્ડર વર્ષમાં સાત વખત ૧,૦૦૦ વન-ડે રનનો આંકડો પાર કર્યો હતો. પરંતુ હવે કિંગ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરને હરાવીને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ કેલેન્ડર વર્ષમાં કોહલીએ આઠમી વખત ૧૦૦૦ વન-ડે રનનો આંકડો પાર કર્યો હતો. આ યાદીમાં કોહલી પ્રથમ નંબરે આવી ગયો છે અને દિગ્ગજ તેંડુલકર બીજા સ્થાને સરકી ગયો છે. આ યાદીમાં ત્રીજું સ્થાન શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ કુમાર સંગાકારાનું છે, જેમણે કેલેન્ડર વર્ષમાં કુલ ૭ વખત ૧,૦૦૦ વન-ડે રનનો આંકડો પાર કર્યો હતો.
કોહલી શ્રીલંકા સામે અડધી સદી ફટકાર્યા બાદ વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૩માં સૌથી વધુ પાંચ વખત ૫૦ પ્લસ રન કરનાર ખેલાડી બની ગયો છે. ૨૦૨૩ ટૂર્નામેન્ટમાં તેના પાંચમી વખત ૫૦ પ્લસ સ્કોર હતો. કોહલી વન-ડે વર્લ્ડ કપના ઈતિહાસમાં નોન-ઓપનર તરીકે સૌથી વધુ ૫૦થી વધુનો સ્કોર ધરાવતો બેટ્સમેન બની ગયો છે. વન-ડે વર્લ્ડ કપમાં કોહલીનો આ એકંદરે ૧૩મો ૫૦થી વધુનો સ્કોર હતો.