આમચી મુંબઈ
શાહરુખ ખાનના જન્મદિને ફૅન્સના મોબાઈલ ચોરાયા
મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનને જન્મદિનની શુભેચ્છા આપવા તેના મન્નત બંગલો બહાર એકઠા થયેલા ફૅન્સના ૧૬ મોબાઈલ ફોન ચોરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.શાહરુખ ખાનને જન્મદિનની શુભેચ્છા આપવા દર વર્ષે હજારો ફૅન્સ બાન્દ્રાના મન્નત બંગલો બહાર એકઠા થાય છે. આ વર્ષે પણ મુંબઈ સહિત પુણે, કોલ્હાપુર, સાંગલી, નાંદેડ અને અન્ય શહેરોમાંથી શાહરુખના ફૅન્સ બુધવારની રાતે બાન્દ્રા પહોંચ્યા હતા. મુંબઈમાં રહેતા અરબાઝ વાહીદ ખાનની ફરિયાદને આધારે બાન્દ્રા પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ભારે ભીડ જામી હતી. ભીડમાં અનેક લોકોના મોબાઈલ ફોન ચોરાયા હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં પોલીસને ૧૬ મોબાઈલ ફોન ચોરાયાની ફરિયાદ મળી હતી. પોલીસ ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે તપાસ કરી રહી છે.