દિલ્હીમાં પ્રદૂષણે મૂકી માઝા, સરકારે લીધો આ નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હીમાં વધતા પ્રદૂષણ મુદ્દે દિલ્હી સરકારે રાજ્યની તમામ પ્રાઈમરી સરકારી અને ખાનગી સ્કૂલ બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યા પછી દિલ્હી-એનસીઆરમાં ઈમર્જન્સી સર્વિસીસ, સરકારી નિર્માણ કાર્યો અને અન્ય મહત્ત્વના કામકાજના નિર્માણ કાર્યો સિવાય તમામ પ્રકારના બાંધકામ અને ડેમોલિશનની પ્રક્રિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ પ્રશાસને જણાવ્યું હતું.
દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, એવું દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં પ્રદૂષણમાં વધારો થયો છે, જેમાં ફોગનું પ્રમાણ વધ્યું છે. આજે પણ દિવસભર ધુમ્મસ સાથે ફોગનું પ્રમાણ વિશેષ રહ્યું હતું. આ બાબતને ધ્યાનમાં રાખીને સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાયુ પ્રદૂષણને કારણે બાળકો અને વરિષ્ઠ નાગરિકોના આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે, તેથી તકેદારીના ભાગરુપે પ્રશાસન દ્વારા પગલું ભર્યું છે.
દિલ્હીમાં એર ક્વોલિટીનું સ્વરુપ ગંભીર શ્રેણીમાં પહોંચ્યા પછી ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન અથવા જીઆરએપીને લાગુ પાડવામાં આવ્યું છે. આ નિયમ હેઠળ રાષ્ટ્રીય રાજધાનીમાં બિન-જરૂરી બાંધકામ પ્રવૃત્તિઓ અને ડીઝલ ટ્રકના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની સૂચનાઓ આપવામાં આવી હતી.