લડકી ત્રણ ભાષામાં, ત્રણેયની હિરોઈન એક જ
૭૦ વર્ષ પહેલા ત્રણ ભાષામાં બનેલી સાઉથની ફિલ્મ કંપની એવીએમ પ્રોડક્શનની હિન્દી ફિલ્મથી કિશોર કુમારના કોમેડી કિરદારની શરૂઆત થઈ
હેન્રી શાસ્ત્રી
સાઉથની ફિલ્મો પરથી હિન્દીમાં બનેલી ફિલ્મોના દોરથી આજનો રસિક વર્ગ સુપેરે પરિચિત છે, વાકેફ છે. ‘સેલ્ફી’, ‘દ્રશ્યમ ૨’, ‘મિલી’, ‘શેહઝાદા’ એના તાજા ઉદાહરણ છે. જોકે, એક સમય એવો હતો કે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊલટી ગંગા વહેતી હતી. હિન્દી ફિલ્મોમાંથી સાઉથની ભાષામાં ફિલ્મો તૈયાર કરવામાં આવતી હતી. મદ્રાસ (આજનું ચેન્નઈ)માં સ્ટુડિયો હતા જેના દ્વારા વિશાળ ફલક પર ફિલ્મોનું નિર્માણ થતું હતું. જેમિની સ્ટુડિયો (એસ એસ વાસન), એવીએમ સ્ટુડિયો (એવી મયપ્પન), વિજયા વાહિની સ્ટુડિયો (બી એન રેડ્ડી, નાગી રેડ્ડી) અને પ્રસાદ સ્ટુડિયો (એલ વી પ્રસાદ) વગેરે ફિલ્મ નિર્માણ કંપનીઓએ સાઉથની ફિલ્મોથી શરૂઆત કરી હિન્દી ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. આજે આપણે ૭૦ વર્ષ પહેલા રિલીઝ થયેલી અને હિન્દીમાં બન્યા પછી સાઉથની બે ભાષામાં બનેલી હિન્દી ફિલ્મ ‘લડકી’ (૧૯૫૩)ની વાત કરવાના છીએ એ સાઉથની જાણીતી ફિલ્મ કંપની એવીએમ પ્રોડક્શનની પેશકશ હતી. આ ફિલ્મની કેટલીક મજેદાર વાતોનો લ્હાવો લઈએ.
વૈજયંતિમાલાનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ થયો ‘બહાર’ (૧૯૫૧) ફિલ્મથી. એ ફિલ્મનું નિર્માણ એવીએમ પ્રોડક્શનનું જ હતું. એ વી મયપ્પન દ્વારા નિર્મિત ‘બહાર’ મયપ્પનની જ તમિળ ફિલ્મ ‘વાઝકાઈ’ની રિમેક હતી અને આ તમિળ ફિલ્મમાં પણ વૈજયંતિમાલા જ હતી અને તેમની ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ પણ એ જ ફિલ્મથી થયો હતો. ‘લડકી’ના નિર્માતા – દિગ્દર્શક પણ ‘બહાર’ના હતા એ જ હતા. ૭૦ વર્ષ પહેલાની સામાજિક ચિત્રપટનું લેબલ ધરાવતી ‘લડકી’માં ફેમિનિઝમનો મુદ્દો હતો જે એ સમયે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતો હતો. એ સમયે વૈજયંતિજીની ઓળખ એક કાબેલ અભિનેત્રીની નહોતી બની એટલે ‘લડકી’માં તેઓ નૃત્યાંગના તરીકે વિશેષ નજરે પડે છે. એક ગીતમાં તો બે વૈજયંતિમાલા નજરે પડે છે, એક સ્ત્રી વેશમાં અને બીજી પુરુષ વેશમાં. બંને પાસે નૃત્ય કરાવવામાં આવ્યું છે.
નિર્માતા અને દિગ્દર્શકએ તેમના અભિનય કરતા નૃત્ય કલા પર વધુ મદાર બાંધ્યો હશે. ફિલ્મની કથા બે સખી (વૈજયંતિમાલા અને અંજલિ દેવી) ફરતે આકાર લે છે. અલબત્ત બે હિરોઈન છે એટલે બે હીરો પણ છે: ભારત ભૂષણ અને કિશોર કુમાર. આ ફિલ્મનું શૂટિંગ હિન્દીની સાથે સાથે તમિળ (પેન) અને તેલુગુ (સંઘમ) ભાષામાં પણ કરવામાં આવ્યું હતું. મજાની વાત એ છે કે ત્રણેય ફિલ્મની હિરોઈન વૈજયંતિમાલા અને એની સખીના રોલમાં અંજલિ દેવી જ હતાં. બે મુખ્ય અભિનેત્રીએ મૂળ ફિલ્મ અને બે રિમેકમાં એક જ પાત્ર ભજવ્યાં હોય એવું અન્ય ઉદાહરણ મળવું મુશ્કેલ છે. ભારત ભૂષણ અને કિશોર કુમારને બદલે તમિળ ફિલ્મમાં જેમિની ગણેશન (હિન્દી ફિલ્મોની સદાબહાર અભિનેત્રી રેખાના પિતાશ્રી) અને એસ. બાલાચંદર હતા જ્યારે તેલુગુ ફિલ્મમાં એન. ટી. રામારાવ અને એસ. બાલાચંદર હતા. અહીં પણ એક અભિનેતાની બચત. જોકે, ત્યારબાદ એવીએમની કોઈ હિન્દી ફિલ્મમાં વૈજયંતિજી નજરે ન પડ્યાં.
આ ફિલ્મ કિશોર કુમારની કારકિર્દીમાં વળાંક લાવનાર ગણાય છે. સઆદત હસન મન્ટોની વાર્તા પરથી બનેલી ‘શિકારી’ (૧૯૪૬)માં પહેલી વાર અભિનય કરનારા કિશોર કુમારને આપણે ૧૯૫૦ના દાયકામાં અફલાતૂન કોમેડી કરતા જોયા એનો પાયો ‘લડકી’માં નખાયો એમ માનવામાં આવે છે.
આ ફિલ્મમાં ‘કિસ્મત કી બાત હૈ, માલિક કે હાથ હૈ, જીવન કા સાથ હૈ શાદી, શાદી શાદી’ કિશોરકુમારે જ ગાયેલા અને તેમના પર જ ફિલ્માવાયેલા ગીતમાં કિશોર કુમાર જે પ્રકારની કોમેડી માટે જાણીતા બન્યા એનું ટ્રેલર જોવા મળે છે. ‘નૌકરી’ ‘બાપ રે બાપ’ વગેરે ફિલ્મો પછી ત્રણ ફિલ્મો એવી આવી જેણે ગાયક કિશોર કુમારની સાથે સાથે વિનોદી નટ કિશોર કુમારને પણ પ્રસ્થાપિત કરી દીધા. એ ત્રણ ફિલ્મ હતી ‘આશા’ (૧૯૫૭ – ઇના મીના ડીકા ગીત લોકો આજે પણ યાદ કરે છે), ‘ચલતી કા નામ ગાડી’ (૧૯૫૮ – દે દે મેરા પાંચ રૂપૈયા બારહ આના અને એક લડકી ભીગી ભાગી સી) અને ‘હાફ ટિકટ’ (ચીલ ચીલ ચિલ્લા કે). આ ત્રણ ફિલ્મ અને એના પછી આવેલી ‘પ્યાર કિયે જા’, ‘દો દૂની ચાર’, ‘સાધુ ઔર શૈતાન’ અને ‘પડોસન’થી કોમિક એક્ટર તરીકે કિશોર કુમારે અનેરી ઊંચાઈ હાંસલ કરી લીધી હતી. ફિલ્મના સંગીતકાર તરીકે ધનીરામ – આર સુદર્શનમના નામ છે. કિશોર કુમારનું
સોલો ‘શાદી શાદી શાદી’ સુપરહિટ સાબિત થયું હતું. આ ગીત કિશોરદા પાસે અફાટ રેન્જ છે એની સાબિતી આપવા પૂરતું હતું. આ
ઉપરાંત ગીતા દત્તના સ્વરમાં શાસ્ત્રીય રાગમાં સ્વરબદ્ધ થયેલું ‘બાટ ચલત નઈ ચુનરી રંગ ડારી’ને પણ એ સમયે સિને રસિકોએ આવકાર આપ્યો હતો.