નેશનલ

ટ્યૂશન ટીચર, બૉયફ્રેન્ડ અને લવ ટ્રાયેંગલઃ આ કારણો હતા કાનપુરના કુશાગ્રની હત્યાના

કાનપુર: કાનપુરમાં થયેલા એક 16 વર્ષીય કિશોરના અપહરણે સનસની મચાવી હતી ત્યારે હવે તેની હત્યાના સમાચારે સૌને શોકમાં ડૂબાડી દીધા છે તો વળી હત્યા પાછળનું કારણ કોઈને ગળે ઉતરતું નથી.

દસમા ધોરણમાં ભણતો કાનપુરનો કુશાગ્ર કનોડિયા રોજની જેમ ટ્યૂશન માટે નીકળ્યો હતો, પણ મોડી રાત થઈ હોવા છતાં ઘરે ન આવ્યો. પરિવારવાળા પરેશાન હતા અને શોધખોળ કરતા હતા ત્યારે પરિવારના બંગલા બહારનો ચોકીદાર એક ચીઠ્ઠી લઈને આવ્યો. આ ચીઠ્ઠીએ બધાના હોશ ઉડાવી દીધા. ચીઠ્ઠીમાં કુશાગ્રના અપહરણ કર્યાની અને રૂ. 30 લાખની ખંડણી આપવાની વાત કરી હતી.

આ સાથે તેમાં અમુક એવી માહિતી પણ હતી જેનાથી એમ લાગતું હતું કે અપહરણ કરનાર કોઈ જાણભેદુ છે. પરિવારે પોલીસને જાણ તો કરી પણ પોતે પણ છાનભીન કરી ત્યારે ચોકીદાર દ્વારા ખબર પડી કે જે બે છોકરા આ ચીઠ્ઠી દેવા આવ્યા હતા તે રચિતા મેડમની સ્કૂટી પર આવ્યા હતા. રચિતાએ ઘણા વર્ષો સુધી કુશાગ્ર અને તેના નાના ભાઈને ટ્યૂશન આપ્યું હતું. પોલીસે રચિતાનો સંપર્ક કર્યો ત્યારે તેણે આ સ્કૂડી તેના બોયફ્રેન્ડ પ્રભાતના નામે હોવાનું અને કુશાગ્રના અપહરણ મામલે કોઈ ખબર ન હોવાનું જણાવ્યું.

પોલીસે રચિતા અને પ્રભાતની પૂછપરછ પણ કરી. જોકે એક વાત પોલીસને હેરાન કરતી હતી કે ખંડણી માંગનારે આપેલી ચીટ્ઠીમાં અલ્લાહુ અકબર લખ્યું હતું તે ખંડણીખોર મુસ્લિમ હોવા તરફ ઈશારો કરતું હતું. પણ આ બધા વચ્ચે પોલીસને એક કડી મળી. પોલીસને પ્રભાતના ઘર બહારના સીસીટીવી ફૂટેજ મળ્યા જેમાં તે ઘટનાની સાંજે કુશાગ્ર અને બીજા એક છોકરા સાથે પોતાના ઘરમાં જઈ રહ્યો હતો, પરંતુ તે બાદ ઘરની બહાર તે બન્ને આવ્યા અને કુશાગ્ર બહાર નીકળતો દેખાયો નહીં. હવે પોલીસ માટે કામ અઘરું ન હતું. તેમણે રચિતા અને પ્રભાતની કડક પૂછતાછ કરી અને બન્ને ભાંગી પડ્યા અને સ્વીકાર્યું કે તેમણેજ કુશાગ્રનું અપહરણ કર્યું છે.

જોકે આ પૂછપરછ વખતે જે વાત બહાર આવી તે કનોડિયા પરિવાર માટે વજ્રઘાત સમાન હતી. બન્નેએ જણાવ્યું કે તેઓ કુશાગ્રની હત્યા કરી ચૂક્યા છે. ખંડણી તો હત્યા બાદ માગી હતી. ત્યારે હત્યા કરવાનું કારણ શું તે સવાલ ઘેરાતો હતો. તેના જવાબમાં રચિતાનું કહેવાનું હતું કે કુશાગ્ર તેના તરફ આકર્ષિત હતો અને તેને મળવા આવતો હતો. તે વાત પ્રભાતને મંજૂર ન હતી આથી ઈર્ષામાં તેણે મિત્ર શિવા સાથે મળી આ પ્લાન બનાવ્યો. સાથે એ પણ જાણવા મળ્યું કે બન્ને લગ્ન કરવા માગતા હતા અને તેથી પૈસાની જરૂર પણ હતી આથી પછીથી ખંડણી માગવાનું નક્કી કર્યું.

જોકે કુશાગ્રનો પરિવાર રચિતાની વાતથી સહમત નથી. કુશાગ્ર રચિતાને પસંદ કરતો હતો તે વાત તેમને ગળે ઉતરતી નથી. કુશાગ્ર કાનપુરના કપડાના મોટા વેપારી મનીષ કનોડિયાનો મોટો પુત્ર હતો. શહેરના સમૃદ્ધ પરિવારે આ રીતે પુત્ર ખોયો હોવાના સમાચારે કાનપુરમાં સનસનાટી ફેલાવી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button