પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા કોઈ પગલાં ન લેવા બદલ સરકારને ફટકાર
હાઇ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને લગાવી ફટકાર પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા કોઈ પગલાં નથી લીધા

મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે પ્રદૂષણ અંગે જાગૃતિ લાવવા કોઈ પગલાં ન લેવા બદલ સરકારને ફટકાર લગાવી છે. બોમ્બે હાઈકોર્ટે મુંબઇમાં ખરાબ હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
કોર્ટે કહ્યું કે મુંબઈની હવા સતત પ્રદૂષિત થઈ રહી છે. મુંબઈનો કોઈ ભાગ એવો નથી કે જ્યાં હવા સારી હોય. મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દિવસેને દિવસે ઘટી રહ્યો છે. આ બાબત ગંભીર છે. તેથી, કોર્ટે કહ્યું છે કે અમે આ મામલામાં અમારી પોતાની રીતે સંજ્ઞાન લઈ રહ્યા છીએ.
મુંબઈના પ્રદૂષણને લઈને હાઈકોર્ટમાં ત્રણ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીઓમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વધતા પ્રદૂષણને કારણે શ્વાસની તકલીફ થઈ રહી છે. ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ આરિફ ડૉક્ટરની બેંચ સમક્ષ તમામ અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, બેન્ચે કહ્યું કે તમામ સંબંધિત સત્તાવાળાઓએ જણાવવું જોઈએ કે પ્રદૂષણના મુદ્દે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે અને વર્તમાન કાયદા અનુસાર શું પગલાં લેવા જોઈએ.
બગડતી હવાની ગુણવત્તા પર ચિંતા વ્યક્ત કરતા, બોમ્બે હાઈકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે શું કેન્દ્ર અને રાજ્ય સરકારો તેમજ BMC મ્યુનિસિપલ કોર્પોરેશન તેના માટે ગંભીર છે. કોર્ટે એ પણ પૂછ્યું કે આ મામલે શું પગલાં લેવામાં આવી રહ્યા છે.
હાઈકોર્ટે પ્રદૂષણને રોકવા માટે તાત્કાલીક લેવાયેલા પગલાં અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 6 નવેમ્બરે થશે. આ સમયે હાઇકોર્ટ પ્રદુષણ અટકાવવા અંગે મહત્વના નિર્દેશો આપી શકે છે.