OMG!દુબઈથી આટલી બધી વખત લોગ ઈન થયું હતું મહુઆ મોઇત્રાનું ‘સંસદીય એકાઉન્ટ ‘
નવી દિલ્હીઃ ‘કેશ ફોર ક્વેરી’ આરોપોનો સામનો કરી રહેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. મહુઆને આજે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થવાનું છે, પરંતુ તે પહેલા તેના સંસદ ખાતાને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના લોકસભા સાંસદ મહુઆ મોઈત્રાનું ‘સંસદીય ખાતું’ દુબઈથી 47 વખત એક્સેસ કરવામાં આવ્યું હતું. આ ખુલાસો લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ ટીએમસી નેતાની નિર્ધારિત રજૂઆત પહેલા થયો છે.
કેશ ફોર ક્વેરી વિવાદ ફાટી નીકળ્યા બાદ ટીએમસી સાંસદ મહુઆએ સ્વીકાર્યું હતું કે તેણે તેના સંસદીય ખાતાનો લોગ ઇન અને પાસ વર્ડ તેના નજીકના મિત્ર અને બિઝનેસમેન દર્શન હિરાનંદાની સાથે શેર કર્યો હતો. સૂત્રોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે મહુઆ મોઇત્રાએ સાંસદ તરીકે 14 વિદેશ યાત્રાઓ કરી હતી. આ વિદેશ યાત્રાઓ માટે સ્પીકરના કાર્યાલયને જરૂરી માહિતી આપવામાં આવી ન હતી.
સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદરાય દ્વારા સાંસદ મહુઆ સામે “કેશ ફોર ક્વેરી” ના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમના આરોપના આધારે, બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને અને પછી એથિક્સ પેનલને પત્ર લખીને કહ્યું કે TMC સાંસદ સામે પગલા લેવાની માગણી કરી હતી.
નિશિકાંત દુબેએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હિરાનંદાનીએ લોકસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૌતમ અદાણી સામે સવાલ ઉઠાવવા માટે મહુઆ મોઇત્રાને આર્થિક લાભ (રોકડ નાણા) આપ્યો હતો. જોકે, તેમના આક્ષેપને મહુઆએ સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો અને માત્ર નાની મોટી ગીફ્ટ લીધી હોવાનું સ્વીકાર્યું હતું.
નિશિકાંત દુબેએ મહુઆને તાત્કાલિક અસરથી ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી હતી. સ્પીકરને લખેલા તેમના પત્રમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું કે મહુઆ મોઇત્રાએ તાજેતરમાં સંસદમાં પૂછેલા 61 પ્રશ્નોમાંથી 50 અદાણી જૂથ સામેના આક્ષેપોના જ હતા.