કાંદાની અછત: બે મહિના ભાવમાં ઘટાડો નહીં થાય
પુણે: કાંદાની નિકાસ પર ૪૦ ટકા ટૅક્સ અને ડુંગળીની લઘુતમ નિકાસ કિંમત ૮૦૦ ડોલર પ્રતિ ટન હોવા છતાં, ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ગુણવત્તાયુક્ત ડુંગળી માટે ખેડૂતોને ૫૫થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. નવેમ્બર અને ડિસેમ્બરના બે મહિનામાં ડુંગળીના ભાવમાં વધારો રહેવાની ધારણા છે.
જોકે, આ વર્ષે ખરીફ સીઝનમાં ડુંગળીનું વાવેતર ઓછું થયું હતું. વરસાદના કારણે ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ડુંગળીના પાકના નિષ્ણાત દિપક ચવ્હાણ અનુસાર જાન્યુઆરીમાં નવી ડુંગળી બજારમાં પ્રવેશ્યા પછી ભાવ ઓછા થાય એવી ધારણા છે.
ખેડૂતોને બજાર સમિતિઓમાંથી ગુણવત્તાના આધારે ૩૦થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. આ ડુંગળી છૂટક બજારમાં પહોંચે ત્યાં સુધીમાં ટ્રાન્સપોર્ટ, બજાર સમિતિના ટૅક્સ, જથ્થાબંધ અને છૂટક વેપારીઓના નફાને ધ્યાનમાં લેતા તે ૫૦થી ૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી જાય છે.