એકસ્ટ્રા અફેર

નેતાઓના ફોન હેકનું કમઠાણ, ગમારપણાનો નમૂનો

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

આપણે ત્યાં વિપક્ષી નેતાઓના ફોન ટેપનો મામલો પાછો ગાજ્યો છે અને સંખ્યાબંધ વિપક્ષી નેતાઓએ ભારત સરકાર પોતાના આઈફોન હેક કરીને જાસૂસી કરાવી રહી હોવાનો દાવો કર્યો છે. હમણાં કેશ ફોર ક્વેરી કાંડના કારણે ચર્ચામાં આવેલાં તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રા ઉપરાંત કૉંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશિ થરુર, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)નાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, કૉંગ્રેસના પવન ખેડા, અસદુદ્દીન ઓવૈસી અને આમ આદમી પાર્ટીના સાસંદ રાઘવ ચઢ્ઢા સહિતના ઘણા વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે, પોતે એપલ કંપનીના આઈફોન વાપરે છે અને તેમના ફોનને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી એપલ કંપનીએ પોતે જ ઈ-મેલ દ્વારા મોકલી છે.

વિપક્ષો આ મુદ્દે સરકાર પર તૂટી પડ્યા છે ત્યારે સરકાર આ વાતને જૂઠ્ઠાણું ગણાવી રહી છે. સરકારનું કહેવું છે કે, વિપક્ષી નેતાઓ પાસે કોઈ મુદ્દો નથી એટલે પાણીમાંથી પોરા કાઢીને આવી વાતો ઊભી કરે છે. ભાજપ પણ આ વાતમાં કૂદી પડ્યો છે ને રાબેતા મુજબ ભાજપના નેતાઓ મોં-માથા વિનાની વાતો ને આક્ષેપોમાં લાગેલા છે.

આપણા નેતાઓમાં બેઝિક સેન્સનો અભાવ છે તેનો આ વિવાદ એક વધુ પુરાવો છે પણ તેની વાત કરતાં પહેલાં વિપક્ષી નેતાઓને શું મેસેજ મળ્યો છે તેની વાત કરવી જરૂરી છે. મહુઆ મોઇત્રા સહિતના નેતાઓએ કરેલા દાવા પ્રમાણે તેમને તેમના ફોન ઉત્પાદક એટલે કે એપલ તરફથી ચેતવણી અપાઈ છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તમારા આઈફોનને નિશાન બનાવી રહ્યા હોઈ શકે છે.
મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું છે કે, એપલ તરફથી એક ટેક્સ્ટ અને ઈ-મેલ મળ્યો છે કે જેમાં મને ચેતવણી આપવામાં આવી છે કે, સરકાર મારો ફોન અને ઈ-મેલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રિયંકા ચતુર્વેદીએ પણ તેમને મળેલો મેસેજ મૂક્યો છે ને તેમાં પણ એ જ વાત કરી છે કે, સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ તમારા આઈફોનને નિશાન બનાવી રહ્યા છે.

વિપક્ષી નેતાઓએ તેમને મળેલા મેસેજ જાહેરમાં મૂક્યા છે એ જોતાં વિપક્ષો સાવ ગપગોળા ચલાવી રહ્યા છે એવું ના કહી શકાય પણ આ મુદ્દાને સીધો સરકાર સાથે પણ ના જોડી શકાય. સામે કેન્દ્ર સરકાર પણ વિપક્ષી નેતાઓ સાથે કોઈ મસ્તી કરી રહ્યું છે એવો સાવ ઉડાઉ જવાબ આપી રહી છે એ આઘાતજનક છે. આ મુદ્દો સંવેદનશીલ છે ને તેની તપાસ કરવાની જરૂર છે ત્યારે ભાજપ અને વિપક્ષો બંને બકવાસ વાતો કરી રહ્યા છે એ જોઈને આઘાત લાગે છે.

વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાના પ્રયત્ન નથી જ થયા એવી ભાજપના નેતાઓની વાત હાસ્યાસ્પદ છે કેમ કે તપાસ વિના એવું કઈ રીતે કહી શકાય? સામે ભારત સરકારે જ આ હેકીંગ કરાવ્યું છે એવો આક્ષેપ પણ તપાસ વિના કઈ રીતે કરી શકાય? વિપક્ષી નેતાઓને જે મેસેજ મળ્યો તેમાં સ્ટેટ સ્પોન્સર્ડ એટેકર્સ એવું સ્પષ્ટ લખ્યું છે. ટેકનિકલી સ્ટેટ એટલે સરકાર થાય પણ સરકારમાં ઘણું બધું આવતું હોય છે. સરકારી વિભાગો, એજન્સીઓ વગેરે ઘણું બધું સરકારનો ભાગ છે. આ પૈકી કોઈ પણ વિપક્ષી નેતાઓના ફોન હેક કરવાના પ્રયત્ન કરી રહ્યું હોય એવું બને ને એ માટે સીધું સરકાર પર દોષારોપણ ના કરી શકાય.

ભારતમાં ભ્રષ્ટાચારનો પ્રભાવ બધે છે ને સરકારને ખબર પણ ના પડે એ રીતે સરકારી એજન્સીઓ કે વિભાગો પાસેથી કામ કરાવી લેવું એ મોટી વાત નથી. પૈસા વેરો એટલે આ દેશમાં બધું શક્ય છે.

આ સંજોગોમાં કોઈ બિઝનેસમેન કે જેનાં બીજાં કોઈ હિતો હોય એવી વ્યક્તિ, કંપની વગેરે કોઈ પણ સરકારને જાણ કર્યા વિના સીધો અધિકારીઓ કે બીજા લોકોને સાધીને આ ખેલ કરાવી શકે.

જેની પાસે પૈસો છે ને પૈસો ખર્ચવાની જીગર પણ છે એ આ દેશમાં ગમે તે કરાવી શકે છે એ જોતાં દરેક મુદ્દે સીધું સરકાર પર દોષારોપણ ના કરાય. સામે વિપક્ષી નેતાઓ કહે એ ખોટું જ હોય ને અમે તો દૂધે ધોયેલા છીએ એવો દાવો પણ ના કરાય. સરકારો ફોન ટેપ પણ કરાવે છે, જાસૂસી પણ કરાવે છે ને હેકિંગ પણ કરાવે છે એ જોતાં કોઈ ચોખ્ખા હોવાનો દાવો ના કરી શકે.

આ સંવેદનશીલ મુદ્દો છે ને તેની તપાસ કરાવવી જરૂરી છે. કમનસીબે એક સંવેદનશીલ મુદ્દાને રાજકીય રંગ આપીને ભાજપ અને વિપક્ષો બંને બાલિશ વર્તન કરી રહ્યા છે. બલ્કે એમ કહી શકાય કે સાવ ગમારની જેમ વર્તી રહ્યા છે. જે સાંભળીને હસવું આવે એવી વાતો કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર વતી પિયૂષ ગોયલે તો વળી હાસ્યાસ્પદ વાત કરી કે, કોઈ વિપક્ષી નેતાઓ સાથે મસ્તી કરી રહ્યું હોય એવું લાગે છે. બાકી સરકારને આ વાતો સાથે કોઈ લેવાદેવા નથી. વિપક્ષી નેતાઓ સત્તાવાર રીતે ફરિયાદ કરશે તો સરકાર તેની તપાસ કરશે. ગોયલે તો એવી હાસ્યાસ્પદ વાત પણ કરી કે, વિપક્ષી નેતાઓના અત્યારે ખરાબ દિવસો ચાલી રહ્યા છે તેથી તેમને દરેક વાતમાં ષડયંત્ર દેખાય છે.

ગોયલની ફાલતું વાતોની સરખામણીમાં કેન્દ્રીય આઈટી પ્રધાન રાજીવ ચંદ્રશેખર થોડીક સેન્સિટિવ વાત કરી છે. ચંદ્રશેખરે એપલ સામે ત્રણ સવાલ મૂકીને કહ્યું છે કે, આ મુદ્દે એપલને જ સ્પષ્ટતા કરવા દેવી જોઈએ. આ નોટિફિકેશનનો અર્થ શું થાય છે, એપલ દાવો કરે છે એમ પોતે અત્યંત સિક્યોર છે કે નહીં તેની સ્પષ્ટતા એપલે જ કરવી જોઈએ. ચંદ્રશેખરે તો એવો દાવો પણ કર્યો કે, ૫૦ કરતાં વધારે દેશોમાં લોકોને આવાં નોટિફિકેશન મળ્યાં છે તેનો અર્થ શો તે પણ સ્પષ્ટતા કરવી જોઈએ.

આ વાત બરાબર છે ને આશા રાખીએ કે, એપલ જવાબ આપે. એપલ જવાબ ન આપે તો સરકાર તેને જવાબ આપવાની ફરજ પાડે કેમ કે સવાલ દેશની સરકારની વિશ્ર્વસનિયતાનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button