નેશનલ

આજે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે ટકરાશે ભારત

જીતીને સેમિફાઇનલમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે ટીમ ઇન્ડિયા

મુંબઇ: વર્લ્ડ કપ ૨૦૨૩ની ૩૩મી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ ભારતીય સમય અનુસાર, બપોરે બે વાગ્યે શરૂ થશે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે જ્યારે શ્રીલંકાની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાની અણી પર છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી તમામ છ મેચ જીતી છે. ટીમના બોલર અને બેટ્સમેન સારા ફોર્મમાં છે.

ભારતીય ટીમ આ મેચ જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરવા માગશે. જ્યારે શ્રીલંકાની ટીમ હારી જશે તો તે લગભગ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે.

મુંબઈમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે ૨૫માંથી ૧૩માં જીત મેળવી છે. આ મેદાન પર સૌથી મોટો સ્કોર કરવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે છે. દક્ષિણ આફ્રિકાએ ૨૦૧૫માં ભારત સામે ૪૩૮ રન કર્યા હતા. જ્યારે સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ બંગલાદેશના નામે છે જેણે ૧૧૫ રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ વાનખેડે ખાતે ૨૦ મેચ રમી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાએ ૧૧ મેચ જીતી છે અને ૯ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમે તેની છેલ્લી મેચ ઑસ્ટ્રેલિયા સામે માર્ચ ૨૦૨૩માં વાનખેડે ખાતે રમી હતી અને ટીમ ઈન્ડિયાએ આ મેચ પાંચ વિકેટથી જીતી હતી.

જો શ્રીલંકાની ટીમની વાત કરીએ તો ટીમે વાનખેડેમાં પાંચ મેચ રમી છે જેમાં ટીમ બેમાં જીત મેળવવામાં સફળ રહી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે.

કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગમાં શુભમન ગીલનું સ્થાન લગભગ નક્કી છે. રોહિત શર્મા શાનદાર ફોર્મમાં છે જ્યારે શુભમન ગિલ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી. બેટ્સમેન વિરાટ કોહલીનું ત્રીજા નંબર પર આવવું નિશ્ર્ચિત છે. કોહલીએ ત્રીજા નંબર પર રહેલી ભારતીય ટીમ માટે ઘણી મોટી મેચો જીતી છે. તેણે વર્તમાન વર્લ્ડ કપની છ મેચમાં ૩૫૪ રન કર્યા છે.

શ્રેયસ ઐય્યરને ચોથા નંબર પર તક મળી શકે છે. વર્લ્ડ કપમાં ઐય્યરે અત્યાર સુધી શોર્ટ બોલમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વિકેટકીપરની જવાબદારી કે.એલ. રાહુલને સોંપવામાં આવી શકે છે. રાહુલને જ્યારે પણ તક મળી છે ત્યારે તેણે પોતાના પ્રદર્શનથી ભારતીય ટીમને મેચમાં જીત અપાવી છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ આ મેચ માટે ઉપલબ્ધ નથી તેથી સૂર્યકુમાર યાદવને તક મળી શકે છે.

ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી પાસે સારા પ્રદર્શનની આશા રહેશે. શમીએ છેલ્લી બે મેચમાં નવ વિકેટ ઝડપી છે. ત્રીજા ફાસ્ટ બોલર તરીકે મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. સ્પિન વિભાગની જવાબદારી રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવને સોંપવામાં આવી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button