કરવા ચોથના દિવસે પત્નીએ જ આપ્યું પતિને એવું ‘સરપ્રાઈઝ’ કે…
આજે દેશભરમાં સુહાગણ મહિલાઓ ઉપવાસ કરીને પતિની લાંબી ઉંમરની કામના કરે છે, પરંતુ આજે આપણે અહીં એક એવી ઘટના વિશે વાત કરીશું કે જેમાં કરવા ચોથના દિવસે જ પત્નીએ પતિને સરપ્રાઈઝ આપ્યું હતું અને આ સરપ્રાઈઝને કારણે મહિલાનો પતિ આઘાતમાં સરી પડ્યો હતો. આવો જોઈએ શું છે આખો કિસ્સો-
ઘટના ઉત્તર પ્રદેશના મેરઠની છે. અહીં એક પત્ની કરવા ચોથના દિવસે તેના જીજા એટલે નણદોઈ સાથે ભાગી ગઈ હતી અને પતિ બિચારો જોતો જ રહી ગયો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે પરિણીતાને તેના નણદોઈ સાથે જ પ્રેમ સંબંધ હતો અને પતિ આ વાતથી અજાણ હતો અને બંને જણે આજના જ દિવસે ભાગી જવાની યોજના બનાવી હતી.
આ વિચિત્ર કિસ્સો મેરઠના જાનીપુર વિસ્તારનો છે અને પીડિત પતિનું એવું કહેવું છે કે તે કરવા ચોથ પર પત્ની માટે શોપિંગ કરવા ગયો હતો, પરંતુ કરવા ચોથની ઉજવણી કરતાં પહેલાં જ એની પત્ની એના જીજાજી એટલે કે બનેવી સાથે ભાગી ગઈ હતી અને પોતાના 16 મહિનાના બાળકને પણ સાથે લઈ ગઈ હતી.
અશોક નામના આ વ્યક્તિએ કોઈ પણ હિસાબે પોતાની પત્નીને પાછી લાવી આપવા માટે વિનંતી કરી છે. એસએસપી ઓફિસ ખાતે ફરિયાદ કરવા પહોંચેલા અશોકે જણાવ્યું હતું કે હું પણ મારી પત્ની સાથે કરવાચોથનો ઉપવાસ કરતો હતો. પત્ની બનેવી સાથે ભાગી જવાને કારણે હું ખૂબ જ દુઃખી છું.
એટલું જ નહીં અશોકે પોતાના જીજાજી રાહુલ સામે એવો આક્ષેપ પણ કર્યો છે તે રાહુલે જ મારી પત્નીને ફોસલાવી અને લલચાવી છે. મારી બહેન પણ એના પતિની આ હરકતથી દુઃખી અને પરેશાન છે.
અશોકના લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા છે અને તેણે સ્વપ્નેય નહોતું વિચાર્યું કે તેની પત્ની આ રીતે તેને છોડીને જીજા સાથે ભાગી જશે. આ બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે તેઓ મહિલા અને પીડિતાના સાળાને શોધી રહ્યા છે. મળતાની સાથે જ સામસામે બેસીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અશોકે એવું પણ જણાવ્યું હતું કે રાહુલ એક રીઢો બદમાશ અને લબાદ માણસ છે. બે વર્ષ પહેલાં તે આ જ રીતે એક વિદ્યાર્થિની સાથે ભાગી ગયો હતો. અશોકને એ વાતનો ડર પણ સતાવી રહ્યો છે કે રાહુલ એના 16 મહિનાના બાળકની હત્યા પણ કરી શકે છે.
આ પહેલી વખત નથી કે આવી વિચિત્ર લવસ્ટોરી આપણી સામે આવી હોય. આ પહેલાં પણ સાસુ-જમાઈ સાથે, વેવાઈ-વેવાણ સાથે ભાગી ગયા હોવાના સમાચાર પણ આપણે વાંચ્યા છે અને એનો અંત પણ આપણે જોયો જ છે. જોઈએ હવે નણદોઈ-ભાભીની આ લવ સ્ટોરીનો શું અંત આવે છે.