હવે કપૂર ખાનદાનની આ મહિલા કરશે OTT ડેબ્યૂ, નેટફ્લીક્સની વેબ સિરીઝમાં જોવા મળશે
કપૂર ખાનદાનની એક મહિલા આટલા વર્ષો બાદ પહેલીવાર કોઇ વેબસિરીઝમાં એક્ટિંગના શ્રીગણેશ કરવા જઇ રહી છે.. અમે વાત કરી રહ્યા છીએ રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરની.
ઋષિ અને નીતુ પોતે ભલે એક સમયના ટોચના હિરો હીરોઇન રહી ચુક્યા હોય પરંતુ કપૂર ખાનદાનની કોઇ પુત્રી કે પુત્રવધુ ફિલ્મોમાં કામ નહિ કરે તેવા રાજ કપૂરના આગ્રહને વશ થઇ તેમણે બોલીવુડની લાઇમલાઇટથી દૂર જ રાખી હતી.
જો કે કરિશ્માએ આ વાતનો વિરોધ કરી બોલીવુડમાં પોતાની કારકિર્દી ઘડી નાખી પરંતુ રિદ્ધિમા તેવી હિંમત કરી શકી નહિ. પછી સમય બદલાયો અને કરિશ્માને પગલે કરીના પણ બોલીવુડમાં આવી ગઇ અને તે પછી નીતુ સિંહે પણ થોડીઘણી ભૂમિકાઓ ભજવી. હવે રિદ્ધિમા કપૂર બોલીવુડની વેબ સિરીઝ ‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલીવુડ વાઇવ્ઝ’માં એક કેમિયો કરવાની છે. જો કે તે કોઇ ખાસ પાત્ર નથી ભજવવાની પણ રિદ્ધિમા કપૂર તરીકે જ તે વેબ સિરીઝમાં દેખાશે. આ શોનાં અન્ય પાત્રો નીલમ કોઠારી, મહિપ કપૂર, અનન્યા પાંડેની માતા ભાવના પાંડે અને સીમા સજદેહ દિલ્હી જાય છે અને ત્યાં તેમની મુલાકાત રિદ્ધિમા સાથે થાય છે તેવા દ્રશ્યો દર્શાવાશે. રિદ્ધિમાની સાથે નીતુ સિંહનો પણ તેમાં કેમિયો છે.
‘ફેબ્યુલસ લાઇવ્ઝ ઓફ બોલીવુડ વાઇવ્ઝ’ વેબ સિરીઝ બોલીવુડ હિરોની જીવનસંગિનીઓ કેવા સંજોગોમાંથી પસાર થાય છે, તેમના પતિનું સ્ટારડમ, મીડિયા એટેન્શન તેમના બાળકો અને પરિવારને કઇ રીતે અસર કરે છે તે દર્શાવે છે.