વાદ પ્રતિવાદ

ખુદા ખાલિક, ખુદા માલિક, ખુદા કા હુકમ, તુ ક્યસા?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

સૃષ્ટિના શ્રેષ્ઠ સર્જકનું સર્વ-શ્રેષ્ઠ સર્જન ઈન્સાન જાત છે. માનવ જીવનમાં ત્રણ પરિસ્થિતિ એવી છે, જેમાં સપડાઈ જવાથી માનવીનું જીવન તબાહ વ બરબાદ થઈ જાય છે:
૧-હતાશા,
૨- દુ:ખ જેના થકી તે દિલગીર બની જતો હોય છે અને
૩- ડર (બ્હીક). આ ભયના ચક્રવ્યુમાં ફસાઈ જવાથી ઈન્સાન અવાચક બની શ્ર્વાસ પણ લઈ શકતો હોતો નથી. આવી પરિસ્થિતિમાં નબળા મન-હૃદયના માનવીઓ ઘણી વખત આપઘાત પણ કરી બેસતા હોય છે.

ઉપરોક્ત ત્રણે પરિસ્થિતિમાં સર્જનહારે તેના (અલ્લાહ) પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી પોતે દાખવેલા માર્ગ પર ચાલી, તેના આદેશોનું ચીવટાઈથી પાલન કરવાના ઉપદેશ આપેલા છે. પવિત્ર કુરાન ફરમાવે છે કે – ‘લા તકનતુ મીર રહમતીલ્લાહ.’ અર્થાત ‘મારી રહેમત (કૃપા)થી કદી માયુસ (નિરાશ)ન થાવ!’ સર્જનહાર પોતાના તાબેદાર અને આજ્ઞાંકિત બંદાઓને પોતાની રહમત પર વિશ્ર્વાસ રાખી આશાવાદી બનાવે છે.

ઈન્સાનના જીવનમાં બીજી અગત્યની બાબત ‘ગમ’ (દુ:ખ) છે. ગમને અરબીમાં ‘હુઝન’ કહે છે. સગા-સ્નેહીઓનું અવસાન થઈ જાય અથવા તેમનાથી વિખૂટા પડવાનો સમય આવે, માલ-મિલ્કત લૂંટાઈ જાય અથવા આગ લાગવાથી ભસ્મીભૂત થઈ જાય, વેપાર-વણજનું દેવાળું નીકળી જાય ત્યારે માનવી ચિંતા-દુ:ખ અથવા ગમથી ઘેરાઈ જાય છે. તેને શેષજીવન અંધકારમય જણાય છે. આવા સંજોગોમાં કુરાને પાકનું આ ફરમાન નિરાશામાં આશાનો-ઉમિદનો ઉદય કરનાર બની રહેવા પામે છે: ‘લા તહઝન ઈન્નલ્લાહા મઅના.’ અર્થાત: ગમ ન ખાવ, નિ:સંદેહ અલ્લાહ તમારી સાથે જ છે.’ એ નવીન આશા અને ઉત્સાહ માનવ હૃદયમાં સંચાર કરે છે. તેથી ત્રણ મુદ્દા તારવી શકાય છે. ૧-રબ્બુલ આલમીન આપણી સાથે જ છે, એટલે તે આપણી રક્ષા કરનારો છે અને દરેક પ્રકારે રક્ષણ આપનારો છે. ૨- જ્યારે તે આપણો રક્ષક છે, તો કોઈ પણ તાકાત આપણને કોઈપણ જાતની હાનિ પહોંચાડી શકવા અસમર્થ છે અને ૩- સાચા મોમિનને ચિંતા કરવાનું, ગમ કરવાનું કે મનમાં દુ:ખી થવાનું કશું જ કારણ નથી. સાચો મુસલમાન તો એજ છે કે જેને એ વાતની પાકી શ્રદ્ધા હોવી જોઈએ કે સૃષ્ટિનો સર્જનહાર, સમસ્ત કાએનાત (વિશ્ર્વ)નો માલિક હરપળ-હરઘડી અને પ્રત્યેક પળે આપણી સાથે જ છે. જ્યાં સુધી અલ્લાહતઆલા તેને નુકસાન પહોંચાડવા ઈચ્છે નહીં, ત્યાં સુધી કોઈપણ તેને નુકસાન પહોંચાડી શકતો નથી. કદાચ તેને નુકસાન પહોંચે તો પણ તેણે સમજી લેવું જોઈએ કે સ્વયં સર્જકની મરજી-ઈચ્છા તે મુજબ હતી. જ્યારે આવું નુકસાન થાય અને માલિકની મરજી હોવાને લીધે પહોંચેલ છે, તો પછી એ આવશ્યક થઈ જાય છે કે તેણે ‘રાઝી બ રઝાએ ઈલાહી’ – અલ્લાહની જેવી ઈચ્છા છે- એ પ્રમાણે સહમત થઈ એની મરજીને શિરોમાન્ય કરવી જોઈએ.

જીવ માત્રનો પાલનહાર ‘સુરએ તૌબહ’માં ફરમાવે છે કે – ‘આપણા પર કોઈ આફત પડી શકતી નથી, પરંતુ અલ્લાહે આપણા માટે જે નક્કી કરેલ હોય, કારણ કે એજ આપણો માલિક અને મૌલા છે અને તેના પર જ આપણે ભરોસો (વિશ્ર્વાસ) રાખવો જોઈએ.’ કલામે પાકની બીજી આયતો જેવી કે ‘સુરએ હદીદ’માં ફરમાવવામાં આવેલ છે કે – ‘કોઈ મુસીબત ન તો જગતમાં આવે છે કે ન તો તમારા જીવનમાં તમને સાંપડે છે, પરંતુ તેનો ઉલ્લેખ લૌહે મહફુઝમાં લખાયેલ છે.’ અર્થાત કે તમામ આપત્તિઓ પછી તે આંતરિક હોય કે બાહ્ય તે બધી જ ભાગ્યમાં લખી લેવાયેલ હોય છે. તે પૂર્વે કે અમો તેને અસ્તિત્વમાં લાવીએ, આ હકીકતથી અમેન તમને જાણકાર કર્યા, તે એટલા માટે કે કોઈ વસ્તુ તમારી પાસેથી જતી રહે તો તેના માટે કોઈ જાતનો ગમ ન કરો અને જે વસ્તુ પ્રાપ્ત થાય તેથી તમે ઈતરાઈ ન જાવ, કારણકે અલ્લાહતઆલાને ઈતરાઈ જનારા (ઘમંડ-અભિમાન કરનારો) પસંદ નથી.

જાણીતા ઉર્દૂ કવિ અને માજી સેશન્સ જજ મરહૂમ અકબર અલાહાબાદીનો એક મશ્હૂર શે’ર છે કે:-
રઝાએ હક્ક પર રાઝી રહે,
યે હર્ફે આરઝૂ ક્યસા?
ખુદા ખાલિક, ખુદા માલિક,
ખુદા કા હુકમ, તું ક્યસા?
-દુ:ખની પરિસ્થિતિમાં દુ:ખી થવું, રંજ કરવો, ગમ કરવો અને નિરાશ થવું એ સાબિત કરે છે કે આપણે અલ્લાહને આ સૃષ્ટિના માલિક, વ્યવસ્થાપક અને કાર્યસાધક લેખતા નથી. ખરી વાત તો એ છે કે, આ જગત અને તેમાં જે કંઈ ઉત્પન્ન કરવામાં આવ્યું છે, તે બધું જ અલ્લાહ તરફથી જ પયદા કરવામાં આવ્યું છે. અલ્લાહ દરેક વસ્તુનો માલિક છે તે જેને ચાહે છે, તેને જન્મ આપે છે અને જેને ઈચ્છે તેને મૃત્યુ આપે છે. આમાં માનવીનું કંઈ ચાલે તેમ નથી અને એટલે જ આપત્તિ વેળા, દુ:ખ આવે ત્યારે અને દરેક કપરા સંજોગોમાં ધીરજ ધરી, દરેક વસ્તુ સૃષ્ટિના સર્જનહારને સોંપી દેવી એજ સાચા મુસલમાન મોમિનની શાન છે.

ખૌફ, ડર માનવીને નિર્માલ્ય બનાવી દેતું હોઈ, પરિસ્થિતિ એ નિર્માણ પામી છે કે માનવી માનવીથી ડરી રહ્યો છે, જ્યારે કે બૂરાં કર્મોનો ડર માત્ર અલ્લાહનો જ રાખવો જોઈએ કે સારા કૃત્યનો બદલો રબુલ આલમીન આપતો હોઈ, પાલનહાર ઈશ્ર્વર-અલ્લાહ આપતો હોઈ, પછી ડર, ભય-હતાશા, નિરાશા, માયુસી, બેબસી કેમ?
બોધ:
આંબા વાવીએ તો આંબા ઊગે,
બાવળ વાવીએ તો આંબા કદી ઊગે જ નહીં. કાંટા ઊગે…
નેકી તમારી સાથે જ ચાલશે અને
સાથે આજ એકવાત, એક બાબત રહેશે.

નોંધ: હેડિંગમાં આપેલ શબ્દ ‘ખાલિદ’નો અર્થ થાય છે-
પૈદા કરનાર, રોજી આપનાર અલ્લાહી
-કબીર સી. લાલાણી
સાપ્તાહિક સંદેશ:
મુસલમાનો માટે જરૂરી છે કે ત્રણ પ્રકારના ભાઈચારાથી પોતાને વેગળા (દૂર) રાખે: ૧- બેહયા (નિર્લજ્જ),
૨- મૂર્ખ (બેવકૂફ) અને ૩- જુઠું બોલનાર. -હદીસ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button