લાડકી

કેરોલિના રીપર પ્રકરણ-૪૬

આવી ક્રૂર અને વિકૃત મજાક આકાશ અને મોનાએ શા માટે કરી?

પ્રફુલ શાહ

વગર વરસાદે બત્રા પર વીજળી ત્રાટકી. તેઓ વમળમાં સપડાઈને ઊંડે ને ઊંડે ખેંચાવા માંડ્યા

કિરણ હવે આકાશની સચ્ચાઈ પૂરેપૂરી જાણી ચુકી હતી. મોના વિશેય ખપ પૂરતી ખબર હતી. એના માટે ફોટામાં કંઈ નવું નહોતું, પરંતુ આ ફોટા બહાર આવે તો પપ્પા-મમ્મી જેવા સાસુ-સસરા ખૂબ દુ:ખી થાય. એમના પર આફતનો પહાડ તૂટી પડે. કદાચ મમતાના લગ્ન પર પણ અસર થાય. ના, ના આવું ન થવા દેવાય. તો શું બ્લેકમેઈલનો ભોગ બનવાનું? કોઈ સંજોગોમાં નહિ. કંઈક રસ્તો કાઢવો પડશે, કાઢીને જ રહીશ.

ફરી ફોટા જોતી વખતે તેનું ધ્યાન મોના પર ગયું. આ સાથે જ તેને મોનાનો ભાઈ વિકાસ અને પતિ ગૌરવ પુરોહિત યાદ આવ્યા. તેણે વિકાસને મેસેજ કર્યો. ‘અર્જન્ટ બે કલાક પછી કૉફી સ્ટૉરમાં મળીએ. ગૌરવ પુરોહિતને પણ સાથે લાવજો? પછી કિરણ વિચારવા માંડી કે આગળનો વ્યૂહ કેવો રાખવો જોઈએ.

કંટાળો આવતા કિરણ રૂમાલ કાઢવા પર્સમાં હાથ નાખ્યો. આકાશની ડાયરીને સ્પર્શ થતાં તેણે મોઢું બગાડ્યું. પછી કુતૂહલવશ ડાયરી બહાર કાઢીને બોલી કે જુઓ તમારા લીધે કેવી એક પછી એક મુસીબત આવે છે. ડાયરીનું વાળેલું પાનું ખોલીને એ વાંચવા લાગી.

“ગઈ કાલનો કિસ્સો લખતી વખતે હજીય હસવું આવે છે. મોનાનું દિમાગ પણ ગજબનાક છે. એના પતિ ગૌરવનો ફોન આવ્યો, તો નાક પર આંગળી મૂકીને આકાશને ચુપ રહેવાનો ઈશારો કર્યો. પછી મોબાઈલ ફોન સ્પીકર પર મૂકીને બોલી, ‘હલ્લો ડાર્લિંગ કેમ છો તું?’

“હું મજામાં મોના. તું કેમ છે?

“સાચું કહું તો મજામાં નથી?

“કેમ? કામમાં કંઈ તકલીફ?

“ના, તારી બહુ યાદ આવે છે.

“ઓહો… અહોભાગ્ય મારા, તું આવ એટલે કંઈક અફલાતૂન કરીએ.

“વાઉ… શું કરીશ બોલ તું?

“સરસ, હોટલમાં ડ્રિન્ક એન્ડ ડિનર. પછી ફિલ્મ અને આઈસક્રીમ. ત્યાર બાદ લોંગ ડ્રાઈવ. તું કહે તો શોપિંગ પણ કરીએ આટલું ચાલશે મેડમ?

“તું બધું બુક કરાવી રાખ કાલ માટે. કંઈ લોચો ન પડે એ તારી જવાબદારી.

“યસ ડાર્લિંગ. લવ યુ અ લોટ.

જવાબ આપ્યા વગર મોનાએ ફોન કરી નાખ્યો પછી એ ખડખડાટ હસી પડી. હું એને જોઈ રહ્યો. “આપણે આજે મુંબઈ જવું છે.

“ના રે ના. એ તો એની સાથે બે ઘડી ગમ્મત. ભલે અત્યારે ખુશ થાય, કાલે તો મારો ફોન જ નહિ લાગે. આકાશ તું હવે કિરણને ફોન કર. એકાદ વધુ પ્રેન્ક થઈ જાય.

ખરું કહું તો મને ગમ્યું નહિ પણ મોનાનો મૂડ બગાડવાનો ડર લાગ્યો. મેં પણ કિરણનો નંબર લગાવીને ફોન સ્પીકર મોડ પર મૂકી દીધો. કદાચ કિરણને આશ્ર્ચર્ય અને આનંદ પણ થયો હશે.

‘હલ્લો આકાશ’ આ શબ્દોમાંનો ઉમળકો કહેતો હતો કે હું સાવ સાચો હતો. મેં વાત મીઠાશથી શરૂ કરી. “હાઉ આર યુ કિરણ. આ બધી દોડધામમાં તારી સાથે રહેવાતું જ નથી. ખૂબ દુ:ખ થાય છે.

તને દિલથી સૉરી કહેવું છે.

“સૉરી કહેવાની જરૂર નથી. ક્યારેક વેપાર-ધંધાની વ્યસ્તતામાં આવું થાય.

‘એક કામ કર કિરણ. આપણે ઘણો સમય સાથે વિતાવીએ એવો કાર્યક્રમ ઘડી રાખ. ઘરથી દૂર બે દિવસ બન્ને એકલાં અને એકમેકની સાથે ક્યાં જવું, શું કરવું, શું ખાવું, શું પહેરવું કે ન પહેરવું એ બધુ તારે નક્કી કરવાનું.’

‘શું તમે ય સાવ…’

‘હા, ઈચ્છા તારી, રાજ તારું. તું રાણી અને હું ગુલામ. તું કહીશ એટલું જ કરીશ. બરાબર, પરમ દવિસ સવારે નીકળીશું તું બધી તૈયારી અને વ્યવસ્થા કરી રાખ.’

ફોન કટ કર્યા બાદ હું અને મોના એકમેકને જોઈ રહ્યાં. ન જાણે કેમ અમને બન્નેને ખૂબ હસવું આવ્યું. લગભગ અટ્ટહાસ્ય કરતા અમે એકમેકને વળગી પડ્યાં.

કિરણને યાદ આવ્યું કે આ ફોન બાદ ત્રણ દિવસ સુધી ન આકાશ ઘરે આવ્યો કે ન તેણે પોતાનો ફોન ઉપાડ્યો. ઘરે પાછા ફર્યા બાદ આ જ સુધી તેણે એ વાતનો ક્યારેય ઉલ્લેખ સુધ્ધાં નહોતો કર્યા.
એને ન સમજાયું કે આવી ક્રૂર અને વિકૃત મજાક બન્નેએ શા માટે કરી? અને એમાં હસવું આવે એ કેવી ભયંકર માંદી માનસિકતા કહેવાય?


અંતે વૃંદા સ્વામી ફોન કરીને એકલી જ એટીએસના પરમવીર બત્રાની ઑફિસમાં પહોંચી ગઈ. બત્રાને ગમ્યું કે વૃંદા પોતાને મળવા આવી, એ પણ સલાહ લેવા અને પાછી એકલી આવી. છેલ્લી બાબત વધુ ગમી. બત્રા ખુશ થઈ ગયા કે કુદરતે જ વૃંદાએ મારા સુધી મોકલી એમાં એનો ચોક્કસ કંઈક ઈશારો લાગે છે. વૉશરૂમમાં જઈને તેમણે મોઢું ધોયું. એકદમ બરાબર ગોઠવાયેલા વાળને વધુ બરાબર કર્યા. ગજવામાંથી પોકેટ સ્પ્રે કાઢીને યુનિફોર્મ પર છાંટ્યું.

પછી બત્રાનું મનમાં કામમાં ન લાગ્યું. વૃંદા આવી ત્યારે જ એને નિરાંત થઈ. આઉટ ઑફ વે જઈને તે વૃંદાને આવકારવા ઊભા થઈને સામેથી કેબિનના દરવાજા સુધી ગયા. વૃંદા બેઠી એ પછી જ તેઓ બેઠા. પછી બત્રાએ હાથ જોડ્યા.

“જી ઉસ દિન કી બેવકૂફી કે લિએ વેરી સોરી. આપકો ક્યાં પસંદ હય વહ જાને બગૈર હી મૈને કૉફી ઔર તીકી સેવપુરી મંગવા લી. આજ બતાઈએ કિ આપ ક્યાં લેગી?

“કુછ નહિ સર.

“દેખો જી. મૈં માનુંગા કિ આપને મુઝે માફ નહિ કિયા.

વૃંદાને કંઈ ખાવું-પીવું નહોતું. મન જ નહોતું. પણ આ માણસ નહિ માને એવું લાગતા બોલવું પડ્યું, “સર, સેન્ડવીચ ઔર ચા ચલેગી. પછી બત્રાએ સેન્ડવીચમાં પ્યોર બટર ઉપરાંત શું-શું નાખવું અને ચાને કેવી રીતે સ્વાદિષ્ટ બનાવવી એની સૂચના સાથે પ્યુનને રવાના કર્યો. વૃંદા જોતી જ રહી બત્રાને. એને થયું કે આ માણસ ચંદ્રા માટે સાવ ખોટો નહોતો.

ત્યારે પરમવીર બત્રા મનોમન ખયાલી પુલાવ રાંધતા હતા. વૃંદા મળવા આવી, સામેથી ફોન કરીને અને પાછી એકલી. જરૂર કંઈક વાત તો લાગે છે. મોકો મળે તો આજે દિલ ખોલી જ નાખવું. હવે લાંબા મૌનનો અર્થ નથી.

વૃંદાએ ખોંખારો ખાધો એટલે બત્રા વિચાર તંદ્રામાંથી જાગ્યા “અરે હા વૃંદાજી. બોલિએ મૈં આપકી ક્યાં સેવા કર સકતા હું?

“સર, સેવા કેવી રીતે કરાવી શકું આપની પાસે? પર્સનલ કામ છે એટલે વિનંતી કરવા આવી છું.

“આપ સિર્ફ ઓર્ડર કરીએ જી.

“સર, ગોડબોલે સાહબ હૈ ના…

બત્રાને થયું કે આ ગોડબોલે વચ્ચે આવી ગયો. ક્યાંક આને હેરાન કરતો હશે તો? સારું થયું મેં મારી લાગણી એની સામે વ્યક્ત ન કરી. પછી વૃંદા પર ધ્યાન જતા બોલ્યા, “હા, હા આગે બતાઈયે જી.

“ગોડબોલે સરની કસ્ટડીમાં કોઈ પિંટ્યાનું ઝેરથી મોત થયું.

“હા જી, મુઝે પતા હય

“એના માટે પ્રસાદ રાવ પર શક, માત્ર શક છે.

“હા જી, હા જી. વો ફરાર હય, ગાયબ હય.

“સર, કદાચ પ્રસાદને કિડનેપ કરાયો હોય, ક્યાંક પૂરી રખાયો હોય કે કદાચ એનો જીવ પણ જોખમમાં હોય.

ગોડબોલે સર તો એને ગુનેગાર માની બેઠા છે, જે સાચું ન પણ હોય.

“પણ ગોડબોલે સમજદાર છે, અનુભવી છે અને નોન-કરણ છે.

“સાચી વાત પણ પ્રસાદરાવ મારો બોયફ્રેન્ડ છે અને…

વગર ચોમાસે, વગર વરસાદે બત્રાના હૃદય પર વીજળી ત્રાટકી. સમજાયું નહિ કે શું બોલવું. ત્યાં વૃંદા આગળ બોલી, “… અને કદાચ ગોડબોલે સરને મારા માટે લાગણી છે…

બત્રાને લાગ્યું કે પોતે વમળમાં સપડાઈને ઊંડે ને ઊંડે ખેંચાવા માંડ્યા. હવે બચવાની શક્યતા ન રહી ને જીવવાની ઈચ્છા ય ન બચી. એમનું મગજ એકદમ સુન્ન પડી ગયું.

“સર, સર… આપ ગોડબોલે સરને સમજાવી શકો? બીજી કોઈ રીતે પ્રસાદને બચાવી શકો?

બત્રાને થયું કે આ બધું સાંભળવા, કરવા અને જોવા માટે ઉપરવાળાએ મારી લાઈફમાં ચંદ્રાની જોડિયા બહેન વૃંદાને મોકલી?

એ સમયે વૃંદા બોલી રહી હતી, “જો પ્રસાદ ગુનેગાર હોય તો એને સજા થવી જ જોઈએ. પણ નિર્દોષ હોય તો ન્યાય આપવાની પણ આપણી ફરજ ખરી…

વૃંદા બોલતી રહી પણ બત્રાને કંઈ સમજાતું નહોતું. ત્યાં જ પરમવીર બત્રાની મમ્મીએ ફરી પુત્રવધૂ માટે ઉઘરાણી કરવા મોબાઈલ ફોનની ઘંડટી વગાડી.


કૉફી શૉપમાં વિકાસ અને ગૌરવ ભાટિયા આવીને બેઠા કે તરત કિરણે પ્રવેશ કર્યો. કિરણે વિકાસને સૂચના આપી કે વેઈટર ડિસ્ટર્બ ન કરે એટલે ત્રણ કૉફીના ઓર્ડર આપી દો. પછી તેણે એક કવર વિકાસ સામે મૂક્યું. વિકાસ કવર ખોલીને અંદરના ફોટા જોવા માંડ્યો. એને ગુસ્સો આવ્યો, “ત… તમે જાસૂસી કરાવી?

“એ બધું પછી. પહેલા ગૌરવભાઈને કવર આપો. ગૌરવ ફોટા જોઈને આકુળવ્યાકુળ થઈ ગયો. “આ શું બકવાસ છે બધો? આ… આ ઓરિજીનલ ફોટા છે કે કૉમ્પ્યુટરની કમાલ?
“રીલેક્સ ગૌરવભાઈ. આ મારા પતિ અને તમારી પત્નીના સાવ સાચુકલા ફોટા છે.

“પણ પણ કિરણબહેન…

“જુઓ ગૌરવભાઈ કડવી છે પણ વાસ્તવિકતા છે. સ્વીકાર્યા વગર છૂટકો નથી.

“નો, મોનાનો સ્વભાવ ભલે ગમે તેવો હોય પણ એ આવું ન કરી શકે. ગૌરવ એકદમ ગળગળો થઈ ગયો.

“ગૌરવભાઈ મારી માનસિક સ્થિતિ પણ તમારા જેવી છે. મારા પર વિશ્ર્વાસ ન હોય અને આ ફોટા સાચા ન લાગતા હોય તો વિકાસને પૂછી જુઓ.

“હા જીજાજી. આ એકદમ સાચું છે. મોનાને…

“વ્હોટ? તને આ બધી ખબર હતી?

“હા, પણ બન્ને મુરુડ બૉમ્બ બ્લાસ્ટમાં માર્યા ગયા પછી ખબર પડી.

“ઓહ માય ગૉડ.

“આ આફત ઓછી હોય એમ કોઈક આ ફોટા મોકલીને મને બ્લેકમેઈલ કરવા માગે છે. કદાચ તમને પણ…

ત્યાં જ ઘરેથી મમ્મી શારદાબહેનનો ગૌરવને ફોન આવ્યો, એક કવર આપી ગયું છે કોઈક. ઉપર તારું નામ અને કોન્ફિડેન્શિયલ લખેલું છે. (ક્રમશ:)


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button