લાડકી

તરૂણાવસ્થાએ અઘરો સ્વીકાર

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

આજે સવારે મોર્નિંગ વૉકમાં મળી ગયેલી સુરભીએ સ્નેહાને અમિતાની જે વાતો કરી એ પરથી સ્નેહાના દિમાગમાં એક વાત સ્પષ્ટ થઈ ચુકી હતી કે અમિતા નામની એ સફળ સ્ત્રીએ નિત્યાને દત્તક લઈને સમાજના એ દરેક વ્યક્તિ માટે આંખ ઉઘાડનારું કાર્ય કરી બતાવ્યું હતું જેઓ સ્ત્રીઓના બાહ્ય દેખાવ કે જાહેર અભિગમ પરથી તેના વ્યક્તિત્વને માપી લેવાની ચેષ્ટા કરતા આવ્યા છે. પણ શું જેના માટે આ કર્યું છે તે નિત્યાને આની કોઈ કદર છે ખરી!!? સ્નેહાએ સતત ચાલવાના કારણે ચહેરા પર વળી ગયેલા પરસેવાને સાફ કરતાં પૂછ્યું.

“જો સ્નેહા નિત્યાને કદર છે કે નહી એની આપણને એટલા માટે ખબર નથી કારણ કે આપણે નિત્યા સાથે ક્યારેય વાત કરેલી નથી. હું તને જે વાત કરું છું એ મેં અમિતાના મોંઢે સાંભળેલી છે અને એક જ બાજુનો અભિપ્રાય ધ્યાને લઈ હજુ ઊગીને ઊભી થઈ રહેલી નિત્યા વિષે કોઈ ટિપ્પણી કરી શકાય નહીં. પણ હા, મને અમિતાની વાતો પરથી જે લાગી રહ્યું છે એનું મુખ્ય કારણ તને કહું પછી આપણે છુટ્ટા પડીએ. સુરભીએ કાંડા પરની ફિટનેસ વોચ તરફ નજર નાખતાં કહ્યું.

જ્યારે અમિતાનો સુરજ મધ્યાહને તપે છે ત્યારે તેણીએ પંદરેક વર્ષની યુવા દીકરી દત્તક લીધી એટલા માટે નહીં કે તેણીને પોતાનું કોઈ સંતાન નહોતુ એટલા માટે પણ નહીં કે તેણીના જીવનમાં કંઈ ખૂટતું હતું, પરંતુ માત્ર એ આશયથી કે નિત્યા જેવી ચેસની રમતમાં પાવરધી હોંશિયાર છોકરીને જો સરખુ ગાઈડન્સ મળે તો એ બહુ આગળ પહોંચી જાય. બસ, અમિતાની આજ ભાવનાએ નિત્યાનું નસીબ પલટી નાખ્યું. ખરેખર તો નિત્યાએ અમિતાનો ઉપકાર માનવો ઘટે, પણ એનાથી ઊલટું, તેણી અમિતા કે તેના પરિવાર સાથે બહુ હળતી ભળતી નહી. પોતાના મનની વાતો વધુ પડતી શેર પણ કરતી નહી.

કારણ શું..?? નિત્યાને અમિતાની કદર નથી એવું પણ સાફવ નથી પણ પોતાની મા ભલે એ ગમે તેટલી ખરાબ છે પણ એના વિશે કોઈ ઘસાતું બોલે એ નિત્યાને ગમતું નથી, ખાસ કરીને તરુણાવસ્થાએ બાળકો ખરા-ખોટાનો, સારા-નરસાનો ભેદ સમજી શકતા નથી એને પોતાનું સારું શેમાં રહેલું છે એ બહુ ધ્યાનમાં આવતું હોતું નથી.

તરુણાવસ્થાએ ઉદ્ભવતા અંત:સ્ત્રાવોની ઘટમાળ વચ્ચે નિત્યા એવી ગૂંચવાયેલી હતી કે જન્મ આપનારી માં કરતા અમિતાએ પાલકમાં તરીકેની જે ફરજ બજાવવાની શરૂ કરેલી હતી તેને પણ અપનાવવામાં તેણીને તકલીફ પડી રહી છે કદાચ.

હશે ચાલો આજે તો ખૂબ મોડું થઈ ગયું છે અને આ નિત્યાની વાતો કરવામાં સુરભી તે મને વિહાની વાત ભુલાવી દીધી પણ તું મને એમ કહે કે વિહાની તો હું માં છું. સગીમાં છું ને, મેં મારા ઉદરથી એને જન્મ આપ્યો છે અને જન્મથી જ વિહા તો મારી જીંદગી છે તેમ છતાં આ ઉંમરે તે મારી સાથે આવું વર્તન શા માટે કરે અથવા તો તું પૌલોમીને જો ને એ જે કરે છે ડીમ્પી સાથે એવું તો હું એક માં તરીકે વિચારી પણ ના શકું.

સુરભીએ એક લાંબો નિ:સાસો નાખ્યો,” સ્નેહા હવે અત્યારે તો તારી કે મારી બેમાંથી એક પણ પાસે સમજવાનો કે સમજાવવાનો સમય નથી પણ સાંજે કોફી પર મળીએ ત્યાં સુધી બહુ વિચારતી નહી અને વિહાને વ્હાલ કરજે., કહી સુરભી ફટાફટ ઘર તરફ ચાલી નીકળી.

પણ વિહાના વિચારો એમ સ્નેહાનો પીછો છોડે એમ હતા નહીં કારણ કે, સ્નેહા ગમે તેમ પણ એક ચિંતાતુર, દીકરીનું ભલું વિચારનારી સમજદાર મા હતી. હા થોડું સુરભી કરતાં ઓછું એક્સપોઝર મળેલું પણ એની ભાવનાઓ ક્યારેય ખોટી નહોતી ને એટલેજ ઘરે ગયા પછી પણ સુરભીનું વાક્ય એના મગજમાં ફર્યા કર્યું કે “તું બહુ વિચારતી નહીં..

જેમ તેમ કરીને સ્નેહાની સાંજ પડી તો ખરી પણ સુરભીને આજે સ્નેહા કરતા અમિતા અને નિત્યાની વાતમાં વધારે રસ હોય એમ જેવી સ્નેહા તેના ઘેર પહોંચી કે સુરભી બોલી ઉઠી, “હાય, સ્નેહા આજે સારું થયું તે અમિતાની વાત યાદ કરાવી મેં નિત્યાને કાઉન્સેલિંગ માટે બોલાવી જ લીધેલી હતી. તને ખબર છે શું તકલીફ નડી રહી છે નિત્યાને?? તેને લાગે છે કે તેણી આ બધા જ કરતાં અલગ છે, તેના પેરેન્ટ્સ સાચા મા-બાપ નથી, તેનું જે જીવન છે એ સાચું જીવન જ નથી એવું એને અનુભવાય રહ્યું છે. નિત્યાને જો આમાંથી બહાર કાઢવી હોય તો સાથે બેસી નાનામાં નાની વસ્તુ માટે કોન્ફીડન્સ આપવો પડશે અને આના માટે અમિતા સિવાય બીજું કોઈ જ કશું જ કરી શકશે નહીં એટલે સ્નેહા મેં અત્યારે જ અમિતાને ઘરે મળવા બોલાવી છે તું પણ બેસજે તને પણ ખ્યાલ આવશે કે ટીનએજર્સના મનમાં આ ઉમરે શું ચાલી રહ્યું હોય શકે.

સારુ, સ્નેહાને થયું કે ચાલો એ બહાને અમિતા અને નિત્યા વચ્ચે શું ચાલી રહ્યું છે તે જાણવા તો મળશે! થોડી વાર આડાઅવળા ગપાટા માર્યા ત્યાં તો અમિતાની એન્ટ્રી પડી અમિતા ખૂબ ઠસ્સાદાર, આકર્ષક સ્ત્રી હતી. ત્રણે જણાની ગોષ્ઠી જામી એટલે શરૂઆત અમિતાએ જ કરી, ” સુરભી બોલ તું નિત્યાને આજે સવારે મળી તો તને શું લાગ્યું? શા માટે છોકરી આવી રીતે ગુમસૂમ રહે છે? શા માટે અમારી સાથે ખુશ નથી? હળતીમળતી નથી??

અમિતા, એમાં એવું છે કહીને સુરભીએ પોતાની વાત શરુ કરી, નિત્યા એક એવા કુટુંબમાંથી આવી છે કે જેમાં એને ક્યારેય પ્રેમ નથી મળ્યો, ક્યારેય કોઈ મદદ નથી મળી, ક્યારેયપણ વિચારો વ્યક્ત કરવાની છૂટ નથી મળી. પિતા તો હતા જ નહીં અને માતાની નરમગરમ તબિયતના કારણે હંમેશા બધાના ધુત્કાર વચ્ચે મોટી થયેલી નિત્યાને પ્રેમ શું છે એ જ અત્યારે સમજમાં નથી આવતું. બીજું ક્લાસમાં પણ એને સતત એ જ ડર રહ્યા કરે છે કે દરેક વ્યક્તિ એના કુટુંબ વિશે પૂછશે, એની મા વિશે પૂછશે, અને અમિતા શા માટે તેણીને સાથે રાખે છે એ પ્રશ્નો પૂછશે કે જેના જવાબો એની પાસે નથી. પણ હા, હું તને ચોક્કસ એમ કહીશ કે જો નિત્યાને પોતાની કરીને રાખવી હોય તો એની સાથે સંવાદ સાધતા શીખવું જોઈએ. એની અંદર જે લાગણીઓની ઉથલપાથલ મચેલી છે એ અત્યારે વધારે ખરાબ એટલા માટે છે કારણ કે તરુણાવસ્થાના લીધે અંત:સ્ત્રાવોનો પણ બદલાવ આવી રહ્યો છે એને સમજીને તું જો થોડી ધીરજ રાખીશ એને સપોર્ટ વધારે કરીશ, એને વધારે માર્ગદર્શન આપીશ તો નિત્યા આજે છે એના કરતાં ઘણી ઊંચાઈએ પહોંચી શકે એમ છે જે આશયથી તેને દત્તક લીધેલી છે એ આશય નિત્યા ચોક્કસથી પૂરો કરી શકે એમ છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button