લાડકી

સ્ક્રિન પર થતું સ્ક્રોલિંગ સંબંધોનાં સમીકરણો બદલી તો નથી રહ્યું ને?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

અત્યારે વિશ્ર્વ આખું એક રોગથી પીડાઈ રહ્યું છે. એક એવો વૈશ્ર્વિક રોગ જેનો ભોગ આપણે સૌ બની રહ્યાં છીએ. વળી પાછું આપણે એ રોગ વિશે સભાન પણ છીએ છતાં એમાંથી મુક્ત નથી થઈ શકતાં. અને એ રોગનું નામ છે ‘મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો અતિરેક’.

જે વસ્તુ માણસજાત માટે વરદાન બનીને આવી એ જ વસ્તુની અવળી બાજુ માણસજાતની આસપાસ ભરડો લઈ રહી છે. આપણે બધા એનાથી એટલા વીંટળાઈ ગયા છીએ કે ઈચ્છવા છતાં એમાંથી મુક્ત નથી થઈ શકતા. મોબાઈલ અને સોશ્યલ મીડિયાએ માનવજીવનના તમામ પાસાઓ પર પ્રહાર કર્યો છે. એમાંથી સંબંધો પણ બાકાત રહી શક્યા નથી. મોબાઈલના વ્યાપક ઉપયોગના લીધે વ્યક્તિ એટલો તો રઘવાયો થઈ જાય કે મેસેજના રીપ્લાય થોડા મોડા આવે તો જાણે એનું બીપી લો થવા માંડે. અરે ’તે મારો મેસેજ જોયો છતાંય જવાબ કેમ ન આપ્યો?’, ‘રિંગ પૂરી થઈ ગયા પછી પણ તારો કોલબેક કેમ ન આવ્યો?’, ’તું જાણીજોઈને મને ઇગ્નોર કેમ કરે છે?’, ’ગ્રીન લાઈટ ચાલુ હતી અને બ્લુ ટિક થઈ ગઈ હતી તોય તે મને જવાબ આપવો યોગ્ય ન સમજ્યો?’ આવા પ્રકારના સામાન્ય પ્રશ્ર્નો બે વ્યક્તિ વચ્ચેના રિલેશન પર હાવી થઈ રહ્યા છે. સાલું સંબંધો ગ્રીન લાઈટ કે બ્લુ ટિક પર નિર્ભર રહેવા લાગશે એવું તો કોઈએ વિચાર્યું જ નહીં હોય.

એક સમય હતો જ્યારે વ્યક્તિ એના સગા સંબંધીઓને પત્ર લખતી. અને પછી દિવસો સુધી રિટર્ન લેટરની રાહ જોતી. જવાબ મળ્યા બાદ ફરી લેટર લખતી વખતે જવાબની રાહમાં ગાળેલો સમય અને પ્રિયજનનો વિરહ પણ ઠલવાતો. અહીં ન તો કોઈ અધીરાઈ હતી કે નહોતું ઉછાછળાપણું. હતી તો માત્ર ધીરજ અને અનહદ યાદો… જ્યારે પત્રમાંના અક્ષરો વંચાતા હોય ત્યારે એમાં રહેલ ભાવો વાંચનાર વ્યક્તિના હૈયામાં વસંતોત્સવ લાવી આપતાં. વળતો જવાબ લખતી વેળાએ એ લાગણીના ફુવારાની છોળો ઊડતી. કેટલી આતુરતા હતી જોવાતી રાહમાં, પણ ક્યાંય અધીરાઈ નહોતી. જ્યારે હવે તો હાથવગું સાધન આવી જતાં જાણે ધીરજ નામનું તત્ત્વ જ વ્યક્તિના જીવનમાંથી ગાયબ થઈ ગયું હોય એવું લાગે.

એમાંય મોબાઈલમાં ઉપલબ્ધ વિવિધ સોશ્યલ મીડિયા એપ્સથી વ્યક્તિ ગણતરીની સેક્ધડમાં જ અન્ય વ્યક્તિના ટચમાં આવી જાય છે. સવારે ઉઠતાંની સાથે જ બનતી ઘટનાઓ ગમતાં પાત્રને કહેવા માટે સોશ્યલ મીડિયા અને વિવિધ મેસેજિંગ એપ્સ અવેલેબલ છે. પાર્ટનર દ્વારા જો મેસેજ થોડા સમય માટે જોવામાં ન આવ્યો હોય કે જોઈને રીપ્લાય ન આપ્યો હોય તો સામા વ્યક્તિની હાલત અત્યંત ખરાબ થઈ જતી હોય છે. વારંવાર એ પોતાના ફોનમાં એ જ જોયા કરે છે કે પેલી વ્યક્તિએ તેનો મેસેજ હજુ સુધી જોયો કેમ નહીં અથવા તો જોઈને રીપ્લાય કેમ ન આપ્યો. આમ કરતાં જતા એ માણસ પોતાના અતિ મહત્વના કામને પ્રાયોરિટી આપવાના બદલે ફાલતુ મેસેજના રીપ્લાય પર ફોકસ કરે છે. રીપ્લાય ન આવવાના કારણો પોતાની જાતે જ મનમાં વિચાર્યા કરે છે. ત્યાંથીય ન અટકતાં સામા પાત્રની પરિસ્થિતિ જાણ્યા વગર નજીવી બાબતમાં ઝગડાઓ કરી બ્રેકઅપ કરી નાખે છે. વળી પાછું ફીલિંગ સેડના સ્ટેટસ ગામ આખાને દેખાડીને પોતે કેટલું મહાન કામ કર્યું છે એની સાબિતી આપે છે.

ખરેખર જે ટેકનોલોજી માણસજાતની બુદ્ધિમતાનું પ્રમાણ બનીને ઊભરી છે એના જ લીરેલીરા ઉડાડવા આપણે તૈયાર થઈ ગયાં હોય એવું લાગે છે. જેના ઉપયોગ થકી સમાજને કશુંક સારું આપવાના સપના જોવાના બદલે એના વ્યસનમાં એવા તે સપડાઈ રહ્યાં છીએ કે એક સમયે એમાંથી મુક્ત થવાના વર્ગો જોઈન કરવા પડશે. સ્ક્રીન ટાઈમ જે વ્યક્તિનો ઓછો હશે એ વ્યક્તિને જાહેર કાર્યક્રમોમાં સન્માનિત કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર હોવા છતાંય પોતાની ઈચ્છા મુજબ વાપરી શકનાર વ્યક્તિની એ ક્રેડિટ ગણાતી હશે. અહીં સૌથી ઓછો સમય વિતાવનારની માનસિક હાલત સ્થિર હોવાનું માનવામાં આવતું હશે. મોબાઈલથી દિવસો સુધી દૂર રહેનાર વ્યક્તિ કાંઈ પણ કરી શકે છે એવું સ્વીકારતું હશે. જોકે મોબાઈલ અને સોશ્યલ મીડિયાના વળગણથી દૂર રહેવા માટેના સેમિનાર અને લેકચર્સનું આયોજન થવા જ માંડ્યું છે. સાથોસાથ ઓનલાઈન ગેમ્સનું એડીક્શન પણ ભવિષ્યમાં અતિ ઘાતક નીવડશે એ પાક્કું. એના પર અલગથી લખી શકાય.
સતત વ્યસ્તતા અને ટેકનોલોજી વચ્ચે આપણે એટલા બધા ઘેરાઈ ગયા છીએ કે મનોરંજનના માધ્યમ તરીકે એનો ઉપયોગ કરવા લાગ્યા છીએ. ટચ સ્ક્રીન પર ફરતી આંગળીઓની એટલી તો લત લાગી ગયેલી છે કે એના વગર જાત સાવ પાંગળી લાગે છે.

જિંદગીના અસલી પડકારો અને સર્જનાત્મકતાથી સમૂળગા ભાગીએ છીએ. નવીનતા, સંવેદનશીલતાથી જાણે મુખ ફેરવી રહ્યાં હોય એવું લાગે છે. કારણ કે વધુ પડતું મનોરંજન જીવન જીવવા જેવું નહીં, પણ કંટાળાજનક બનાવી દે છે આ માનવું જ રહ્યું. મનોરંજનના
નામે એડીક્શનથી માણસ પાંગળો બની રહ્યો છે. મોબાઈલમાં ચાર્જ ખતમ થવાથી કે ડેટાપેક પૂરું થઈ જવાના ડરથી રીતસરના હેબતાઈ જવાવાળા પણ પડ્યા છે. વધુ પડતાં મૂવીઝ, વેબસિરીઝ, ગેમ્સ, રિલ્સ, સોશ્યલ મીડિયા પર સ્ક્રોલિંગ કે અન્ય મનોરંજનના સ્વરૂપોનો અતિરેક એક સમય પછી આપણા મનને ઉદાસીનતા, અણગમો, થકાવટ, હતાશા, નિરાશા કે અન્ય માનસિક રોગનો શિકાર બનાવે છે. વધુ પડતા સુખની કામના મસમોટા દુ:ખ તરફ ધકેલે છે.

હા, મોબાઈલ કે સોશ્યલ મીડિયાનો યોગ્ય ઉપયોગ જીવનમાં જ્ઞાન, બુદ્ધિમતાની સાથોસાથ દેશ દુનિયામાં બનતી ઘટનાઓની માહિતીથી વાકેફ કરે છે. પરંતુ એની આદત ન હોય ત્યાં સુધી, આપણો એના પર ક્ધટ્રોલ હોય ત્યાં સુધી. બાકી તો મોબાઈલ કે સોશ્યલ મીડિયામાંથી મળતાં આનંદ કરતાં ક્યાંય વધુ સુધી આ દુનિયા વિસ્તરેલી છે. કચકડાની ફ્રેમમાંથી બહાર આવીને પ્રિયજન સાથે સમય પસાર કરવો જોઈએ. ઉગતો સૂરજ અને ઢળતી સાંજનો નજારો ચાર આંખોના અઢળક મેગા પિક્સેલ કેમેરામાં કેદ કરી લેવો જોઈએ. જે આંગળીઓ સોશ્યલ મીડિયા પર સ્ક્રોલિંગ કરે છે એ જ આંગળીઓ પુસ્તકોનાં પાનાં પર ફરવી જોઈએ. મનોરંજનના નામે ઓનલાઈન ગેમ્સના બદલે આઉટડોર ગેમ્સ થકી આનંદ મેળવવો જોઈએ. ગમતી વ્યક્તિ સાથે ચાની ચૂસકી લેતાં લેતાં ગપ્પા મારવા જોઈએ. ઘરની વડીલ વ્યક્તિ સાથે ભૂતકાળને વાગોળીને એનો આનંદ લેવો જોઈએ. બાળક સાથે બાળક બનીને બાળપણને માણવું જોઈએ. પ્રિયજનનો હાથ પકડીને ખુલ્લા પગે નિર્જન રસ્તે ચાલવાનો આનંદ ઉઠાવવો જોઈએ. દરિયાની ભીની રેતીનો સ્પર્શ, ઝાડના સૂકા પાંદડાનો અવાજ, પવનની લહેરખીની કર્ણપ્રિય ધૂન, મંદિરમાં થતી સંધ્યા આરતી, સમી સાંજે શાળાએથી પાછા ફરતાં બાળકોનો શોરબકોર વગેરે અનેક ઓપશન્સ થકી અઢળક આનંદ મેળવી શકાય એમ છે. તો ચાલો, મોબાઈલ અને સોશ્યલ મીડિયાના વળગણમાંથી જાતને આઝાદ કરીને એનું ઇન્વેસ્ટમેન્ટ પ્રિયજન કે પછી ગમતાં સંબંધોમાં કરીએ. બ્લુ ટિક કે ગ્રીન લાઇટની ઝંઝટમાંથી મુક્ત થઈ પ્રકૃતિગત સ્વભાવ તરફ પાછા ફરીને આ જીવતરને વધુ બહેતર બનાવીએ…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?