આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા આરક્ષણઃ બારશી તાલુકાના ચાર યુવકોએ ભર્યું આ પગલું

સોલાપુર: સોલાપુર જિલ્લામાં મરાઠા આરક્ષણ આંદોલનનો મુદ્દો હજુ વકરી રહ્યો છે ત્યારે બારશી તાલુકાના દેવગાંવ ખાતે મરાઠા આરક્ષણની માંગણી માટે ચાર લોકોએ ઝેર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોલાપુરના બનાવ મુદ્દે પોલીસ સૂત્રોએ ખુલાસો કર્યો છે કે પંઢરપુર તાલુકાના તારાપુર ખાતે માળી સમુદાયના કાર્યકરની આત્મહત્યા પાછળનું કારણ મરાઠા આરક્ષણની માંગ હતી. ચારેય જણની ઓળખ રણજિત ઋષિનાથ માંજરે (૨૯ વર્ષ), પ્રશાંત મોહન માંજરે (૨૮ વર્ષ), યોગેશ ભરત માંજરે (૪૦ વર્ષ) અને દીપક સુરેશ પાટીલ (૨૬ વર્ષ) તરીકે કરવામાં આવી છે. આ ચારેય મરાઠા આરક્ષણ આંદોલનમાં સક્રિય હોવાનો પોલીસે દાવો કર્યો હતો.

રાત્રે રણજિત માંજરેએ ઝેર પીધા બાદ તેની સ્થિતિ વધુ ખરાબ થતાં બાર્શીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રશાંત માંજરે, દીપક પાટીલ અને યોગેશ માંજરે તેની હાલત પૂછવા માટે હોસ્પિટલમાં ગયા હતા. મરાઠા આરક્ષણ આંદોલન માટે કોઇ પગલા ન લેવાતા હોવાને કારણે નારાજ થઈ તેમણે હોસ્પિટલ પરિસરમાં ઝેર ખાઈ લીધું. બાદમાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દરમિયાન મરાઠા અનામત આંદોલન મુદ્દે સરકાર સતત સંઘર્ષ કરી રહી છે, ત્યારે આજે સર્વપક્ષીય બેઠકના અહેવાલ વચ્ચે મહારાષ્ટ્રના એડિશનલ પોલીસ મહાનિર્દેશક સંજય સક્સેનાએ મરાઠા આરક્ષણ આંદોલન વખતે મોટા પાયે થયેલી હિંસા બાદ પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે બીડની મુલાકાત લીધી હતી. બીડ સિવાય પુણે સહિત અન્ય શહેરમાં હિંસા અને તોડફોડ મુદ્દે ગુના નોંધીને પોલીસ તંત્રએ આકરી કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button