લાડકી

લાખથી વધુ પ્રસૂતિ કરાવનાર મધ્યપ્રદેશની પ્રથમ મહિલા ડોક્ટર પદ્મશ્રી ડો. ભક્તિ યાદવ

કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક

ઇન્દોરની વાત આવે એટલે મહારાણી અહિલ્યાબાઇ હોળકર પણ યાદ આવ્યા વિના ન રહે. હોળકર વંશની આ મહારાણીએ એકલે હાથે જીવન અને રાજ્યની અનેક લડાઈઓ લડી અને જીતી બતાવીને ઇતિહાસમાં અમર સ્થાન મેળવ્યું છે. આ જ ઇન્દોરમાં એક અન્ય મહિલા પણ છે જેનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. તે મહિલા છે, પદ્મશ્રી (હવે સ્વર્ગીય) ડો ભક્તિ યાદવ.

ડો. ભક્તિ યાદવ વ્યવસાયે તબીબ તો હતાં જ, તેમના જમાનામાં ઇન્દોરના પ્રથમ મહિલા ડોક્ટર તરીકેનું બહુમાન પણ તેમના નામે છે. તેમના તબીબ બનવા સુધીની સફર પણ બહુ રસપ્રદ છે. આઝાદી પહેલાના એ કાળમાં સ્ત્રી શિક્ષણની જ્યોત તો ઝળહળી હતી, પણ હજી બધાં જ ઘરોમાં સ્ત્રી શિક્ષણને એટલું મહત્વ નહોતું મળતું જેટલું મળવું જોઈતું હતું.એવા સમયમાં ૩ એપ્રિલ ૧૯૨૬ના રોજ ઉજ્જૈન નજીક મહિદપુરમાં ભક્તિ યાદવનો જન્મ થયો હતો. તેમનો પરિવાર ખ્યાતનામ ગણાતો હતો. તે જમાનામાં છોકરી બે-ચાર ચોપડી ભણે એટલે ભયોભયો થઇ જાય. ત્યારે નાનકડી ભક્તિએ પિતા પાસે હૃદયની વાત કરતા આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી. સુધારાવાદી વિચારધારા ધરાવતા પિતાએ તેમને નજીકના ગરોઠ શહેરમાં મોકલી દીધા જ્યાં તેમણે સાતમા ધોરણ સુધી શિક્ષણ મેળવ્યું. આ પછી ભક્તિજીના પિતા ઈન્દોર આવ્યા અને તેમને અહિલ્યા આશ્રમ શાળામાં પ્રવેશ અપાવ્યો. તે સમયે, ઇન્દોરમાં તે એકમાત્ર ક્ધયા શાળા હતી જેમાં હોસ્ટેલની સુવિધા હતી. અહીંથી ૧૧મું પૂરું કર્યા પછી, તેમણે ૧૯૪૮માં હોળકર સાયન્સ કોલેજ, ઇન્દોરમાં પ્રવેશ લીધો અને બી.એસસી .ના પ્રથમ વર્ષમાં કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું. મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજ ખાતે એમબીબીએસ કોર્સ ઉપલબ્ધ હતો હતો. તેમણે ધોરણ ૧૧ માં સારા પરિણામના આધારે પ્રવેશ મળ્યો હતો. એમબીબીએસ માટે પસંદ થયેલા કુલ ૪૦ વિદ્યાર્થીઓમાંથી ૩૯ છોકરાઓ હતા અને ભક્તિ એકમાત્ર છોકરી હતી. જીવનમાં “પ્રથમ” બનવાની જાણે આદત હોય તેટલા પ્રથમ એમના નામે છે. ભક્તિ એમજીએમ મેડિકલ કોલેજની એમબીબીએસની પ્રથમ બેચની પ્રથમ મહિલા વિદ્યાર્થીની હતા. તે મધ્ય ભારતની પ્રથમ એમબીબીએસ ડોક્ટર પણ હતા. ભક્તિ ૧૯૫૨માં એમબીબીએસ ડોક્ટર બન્યા. તે પછી ભક્તિએ મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજમાંથી એમએસ કર્યું.

ડોક્ટર બન્યા બાદ તેમણે ઈન્દોરની સરકારી હોસ્પિટલ મહારાજા યશવંતરાવ હોસ્પિટલમાં સરકારી નોકરી કરી. બાદમાં તેમણે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં, તેમણે ઈન્દોરમાં ભંડારી મિલમાં નંદલાલ ભંડારી મેટરનિટી હોમ નામની હોસ્પિટલ ખોલી અને ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કર્યું. ભંડારી હોસ્પિટલ ૧૯૭૮માં બંધ થઈ ગઈ હતી. બાદમાં તેમણે પોતાના ઘરે વાત્સલ્ય નામનું નર્સિંગ હોમ શરૂ કર્યું. શરૂઆતથી જ તેમણે પોતાના કાર્યને વ્યવસાય નહીં, પણ સેવાનું માધ્યમ ગણીને જ કાર્ય કર્યું હતું જે આજીવન ચાલતું રહ્યું. તેમને બાળપણમાં જેમ તેમના પિતાનો સાથ અને સહકાર પ્રાપ્ત થયો હતો તેમ યુવાનીમાં તેમને તેમના શ્વસુર ગૃહે પણ ભરપૂર સાથ-સહકાર મળ્યો. તેમના પતિ પણ સેવાભાવી વૃત્તિના તબીબ હતાં. ૧૯૫૭ માં, તેમણે તેમના સહાધ્યાયી ડો. ચંદ્રસિંહ યાદવ સાથે લગ્ન કર્યા. ડો. યાદવને શહેરોની મોટી સરકારી હોસ્પિટલોમાં નોકરીના કોલ આવ્યા હતા, પરંતુ તેમણે ઈન્દોરના મિલ વિસ્તારમાં આવેલી બીમા હોસ્પિટલ પસંદ કરી. તેઓ આખી જિંદગી આ હોસ્પિટલમાં કામ કરીને દર્દીઓની સેવા કરતા રહ્યા.

તેઓ ઈન્દોરમાં મઝદૂર ડોક્ટર તરીકે જાણીતા હતા. ડો. ભક્તિની સેવાની સુગંધ ખુબ પ્રસરી અને તેમની નામના પણ ખુબ થઈ. તેઓ સ્ત્રી રોગ નિષ્ણાત તરીકે ખ્યાતિ પામ્યા હતા અને સ્ત્રીઓ પ્રસુતિ કરાવવા તેમની પાસે જ આવવાનું પસંદ કરતી હતી. સંપન્ન પરિવાર પાસેથી પણ તેઓ માત્ર નજીવી ફી લેતા અને ગરીબોનો ઈલાજ તો તદ્દન મફત કરતા, જે પ્રવૃત્તિ મૃત્યુ પર્યન્ત નિરંતર ચાલુ રહી.

એ સમય પણ ભારે કપરો હતો. દેશને નવી-નવી આઝાદી મળી હતી. આધુનિક શોધખોળો અને જ્ઞાન હજી ભારતના નાગરિક સુધી પહોંચ્યું નહોતું. ઘર, વીજળી, પાણી જેવી જીવન જરૂરિયાતની ચીજોના પણ ફાંફા હોય ત્યાં આધુનિક હોસ્પિટલોની તો કલ્પના ક્યાંથી આવે? એ જમાનામાં આજની જેમ સાધનો અને વીજળી નહોતી. ઘણી વખત એવી સ્થિતિ સર્જાઈ જતી હતી કે તેમને વીજળી વગર ડિલિવરી કરાવવી પડી હતી. આવી સ્થિતિમાં, મીણબત્તીઓ અને ફાનસનો આશરો લઈને પણ તેમણે કામ સુપેરે પાર પાડ્યા હતાં. ૬૦ કરતા વધુ વર્ષોની તેમની તબીબી કારકિર્દીમાં તેમણે એક લાખથી વધુ તો પ્રસૂતિઓ કરાવ્યાનો રેકોર્ડ છે! આનો અર્થ એ કે વર્ષ દીઠ ૧૬૦૦થી વધુ પ્રસૂતિઓ. એટલેકે સરાસરી એક દિવસની ચાર થી પાંચ પ્રસૂતિઓ થાય. આ કંઈ નાનીસૂની વાત નથી!
તેમના આ સેવાયજ્ઞની સરકારે મોડેમોડે પણ કદર કરી. તેમને વર્ષ ૨૦૧૭ માં પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર હતી ૯૦ વર્ષ. વૃદ્ધાવસ્થાને કારણે, ડોક્ટર તે કાર્યક્રમમાં હાજર રહી શક્યા નહોતા, તેથી નિયમ મુજબ, ઇન્દોરના કલેકટરે તેમના ઘરે મુલાકાત લીધી હતી અને તેમને એવોર્ડ અર્પણ કર્યો હતો. તેમની અંતિમ ઈચ્છા હતી કે તેઓ અંતિમ શ્ર્વાસ સુધી કામ કરે. તેથી જ તે બીમાર હોવા છતાં દર્દીઓની સંભાળ રાખતા હતા.

પદ્મ એવોર્ડ મળ્યા બાદ ભક્તિ યાદવે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “નાનપણથી જ મારું એક જ સપનું હતું કે હું ડોક્ટર બનીશ.એ જમાનામાં છોકરીઓને ભણવાની પણ છૂટ નહોતી, પણ મેં હાર માની નહીં. ૧૯૪૮ થી ૧૯૫૧ ની બેચમાં હું એકમાત્ર છોકરી હતી જેણે મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. ડોક્ટર બન્યા પછી ૬૮ વર્ષ સુધી હજારો લોકોની સારવાર કરી, ઘણા આશીર્વાદ મેળવ્યા. હું મરું ત્યાં સુધી લોકોની મફત સારવાર કરવા માંગુ છું. એવોર્ડ મળ્યાની ખુશી છે, પરંતુ આ ખુશી ત્યારે વધુ વધશે જ્યારે પહેલાની જેમ દર્દીઓ ડોક્ટર પર ભગવાનની જેટલો વિશ્ર્વાસ કરવા લાગશે. આ માટે ડોક્ટરોએ સારવાર દરમિયાન દર્દી સાથે આવો સંબંધ બાંધવો પડશે.”

તેમના પતિ ડો.ચંદ્રસિંહ યાદવનું ૨૦૧૪ માં ૮૯ વર્ષની વયે અવસાન થયું હતું. ડો. ભક્તિ વર્ષ ૨૦૧૧થી જ ઓસ્ટીયોપોરોસીસ નામની ખતરનાક બિમારીથી પીડિત હતા, જેના કારણે તેનું વજન ઘટીને સાવ ૨૮ કિલો જેટલું થઇ ગયું હતું. તેમ છતાં તેમણે પોતાના કાર્યમાં તસુભાર પણ ઘટાડો કર્યો નહોતો. તેઓ અંતિમ ક્ષણો સુધી દર્દીઓની સેવા કરતા રહ્યા. પદ્મશ્રી મળ્યાના થોડા સમય બાદ જ, તેમણે ૧૪ ઓગસ્ટ ૨૦૧૭ ના રોજ ૯૧ વર્ષ ની ઉંમરે ઈન્દોરમાં પોતાના ઘરે અંતિમ શ્ર્વાસ લીધા હતા. જૈફ વયે પણ ડોક્ટર તરીકેનું કાર્ય ચાલુ રાખ્યું હોવાથી તેમને લોકો સ્નેહથી ’ડોક્ટર દાદી’ કહીને બોલાવતા હતા. તેમના સ્વર્ગવાસ પછી સ્વયં નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમએ લખ્યું હતું, “મધ્યપ્રદેશની પ્રથમ મહિલા ડોક્ટર ભક્તિ યાદવનું આ દુનિયામાંથી વિદાય દુ:ખદ છે. મારી સંવેદના તેમના પરિવાર સાથે છે. તેમનું કાર્ય આપણા બધા માટે પ્રેરણારૂપ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button