I.N.D.I.A અલાયન્સનો વડા પ્રધાનપદનો ચહેરો કોણઃ જાણો મલ્લિકાર્જૂને શું કહ્યું
દિલ્હી: લોકસભાની ચૂંટણીને છ મહિના જેટલો જ સમય બચ્યો છે. હાલમાં તમામ રાજકીય પક્ષો પાંચ રાજ્યોની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે, પરંતુ તે બાદ લોકસભાની ચૂંટણીની તૈયારી માટે સમય ઓછો છે તે સૌ કોઈ જાણે છે. ત્યારે છત્તીસગઢ ચૂંટણી પ્રચાર માટે આવેલા કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ લોકસભાની ચૂંટણીની વાત કરીને નાખી અને ખાસ કરીને ઈન્ડિયા અલાઈન્સના વડા પ્રધાનપદના ચહેરાની વાત કરી નાખી, જેને લઈને આંતરિક વિવાદ પણ થઈ રહ્યો છે. ખડગેએ જણાવ્યું કે વડા પ્રધાનપદનો ચહેરો લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ તમામ પક્ષ સાથે મળી નક્કી કરશે.
અગાઉ આ મામલે કૉંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે પોસ્ટર વૉર શરૂ થઈ હતી જેમાં રાહુલ ગાંધી અને અખિલેશ યાદવના ફોટાઓ સાથે બેનર લગાડવામાં આવ્યા હતા અને બન્નેને વડા પ્રધાનપદના ચહેરા દર્શાવવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બુધવારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં રાજ્યના સુકમા જિલ્લામાં ચૂંટણી રેલી કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. છત્તીસગઢ ચૂંટણી અંગે ખડગેએ કહ્યું કે ભાજપ જે ઈચ્છે તે કહેવા દો, અમે 75થી વધુ સીટો જીતીશું, તેનાથી ઓછી નહીં.
ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પૂરા કરવામાં આવશે. કોંગ્રેસે એરપોર્ટ અને ફેક્ટરીઓ બનાવી, ભાજપે અમીરોને વેચી દીધી. તેમણે કહ્યું કે અમે સાથે મળીને આ દેશને ઘણી મહેનતથી બનાવ્યો છે. દેશની મિલકત વેચનાર માણસ દેશના હીત વિશે વિચારતો નથી.