જો કેજરીવાલની ધરપકડ થાય તો શું હશે AAPનો બેકઅપ પ્લાન?
આમ આદમી પાર્ટી એવું માની રહી છે કે ગુરૂવારે 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલ EDની પૂછપરછ માટે જો હાજર થાય તો તેમની ધરપકડ શક્ય છે. તો હવે સવાલ એ ઉભો થાય છે કે મુખ્યપ્રધાનના જેલનિવાસ દરમિયાન દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર કેવીરીતે ચાલશે? આપનો ફાઇનલ પ્લાન તો હજુ સામે નથી આવ્યો પરંતુ પાર્ટીની અંદર જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ જો સીએમ કેજરીવાલ જેલ હવાલે થાય તો પણ તેમનું મુખ્યપ્રધાન પદ જળવાઇ રહેશે. એવો કોઇ નિયમ નથી કે મુખ્યપ્રધાનની જો ધરપકડ થાય તો તેમનું સીએમ પદ જતું રહે.
જો કે દેશના ઇતિહાસમાં અત્યાર સુધી એવું નથી થયું કે મુખ્યપ્રધાનની ધરપકડ થાય પરંતુ જો એવું થાય તો ય દિલ્હીની સરકાર જેલમાંથી પણ ચલાવી શકાય છે. કેજરીવાલ સરકારમાં પ્રધાન અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા સૌરભ ભારદ્વાજને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબમાં કહ્યું હતું કે જો તમામ નેતાઓને આ રીતે જ જેલમાં નાખી દેવામાં આવે તો સ્વાભાવિક છે જેલમાંથી સરકાર ચલાવવી પડશે.
કેજરીવાલે પોતાની પાસે કોઇ વિભાગ રાખ્યો નથી. જો કે મુખ્યપ્રધાન તરીકે જે નિર્ણયો નિયમિતપણે લેવાના હોય છે અથવા પ્રધાનો અને અધિકારીઓ સાથે જે ચર્ચાવિચારણા કરવાની હોય છે, તે જેલમાં રહીને અરવિંદ કેજરીવાલ કેવી રીતે કરશે તે જોવાનું રહ્યું. જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થશે તો સરકાર અને પાર્ટીનો ઘણોખરો કાર્યભાર આતિશી અને સૌરભ ભારદ્વાજના ખભા પર આવી જશે.
આતિશી આ વખતે દિલ્હી સરકારમાં મોટાભાગના વિભાગ સંભાળી રહ્યા છે. આમ સરકાર ચલાવવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી શકે છે. આમ આદમી પાર્ટીનો સૌથી મોટો મહિલા ચહેરો આતિશી છે. તો સૌરભ ભારદ્વાજ પાસે સ્વાસ્થ્ય વિભાગ છે. શહેરી વિકાસ મંત્રાલય જેની હેઠળ દિલ્હી મહાનગરપાલિકા આવે છે તે ખાતું પણ તેમની પાસે છે. આ ઉપરાંત મીડિયા સાથે વાતચીતમાં પણ સૌરભ ભારદ્વાજ નિપુણ હોવાનું મનાય છે.