હવે કૉંગ્રેસ આલાકમાન્ડ કસી રહ્યા છે અશોક ગહેલોત પર લગામ
ચૂંટણી પહેલા રાજસ્થાનનું રાજકારણ ગરમાતું જાય છે. મુખ્ય પ્રધાન અશોક ગહેલોતનું રાજસ્થાન કૉંગ્રેસ પર એકચક્રી શાસન હોવાનું કહેવાતું હતું, પરંતુ તાજેતરમાં થયેલી બેઠક બાદ લાગી રહ્યું છે કે હવે તેમની મનમાની પર કૉંગ્રેસ આલાકમાન્ડે લગામ લગાવી છે.
કોંગ્રેસની બેઠકમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત પાસેથી જવાબો માંગવામાં આવ્યા છે. કદાચ આ પહેલીવાર છે જ્યારે રાહુલ ગાંધીએ અશોક ગેહલોતને જાણે ઘેર્યા છે. અને ખૂબ જ કડક સ્વરમાં સ્પષ્ટ કર્યું છે કે જે પણ થઈ રહ્યું છે તે થઈ ગયું છે, ભવિષ્યમાં પહેલાની જેમ મનસ્વી રીતે કામ કરવાનું વલણ ચલાવી લેવામાં નહીં આવે.
રાજસ્થાન કોંગ્રેસની ચોથી યાદીને અંતિમ સ્વરૂપ આપતી વખતે તેમના કેટલાક સૂચનો સ્વીકારવામાં આવ્યા છે, પરંતુ તેમની ઘણી ભલામણોને મંજૂર કરવામાં આવી નથી. બસેરીથી વિદાય લેતા ધારાસભ્ય ખિલાડી લાલ બૈરવાની ટિકિટ રદ કરવી એ તેનું એક ઉદાહરણ છે. સચિન પાયલોટને ટેકો આપતા કોઈપણ ધારાસભ્યની ટિકિટ રદ્દ થાય તો અશોક ગેહલોતની વાત સ્વીકારવા સમાન માનવામાં આવે, તેથી બૈરવાની ટિકિટ કાપવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા જ અશોક ગહેલોતે ગાંધી પરિવારની જાણે દરકાર કરવાનું બંધ કરી દીધું હતું. અશોક ગહેલોતનો અસલી રંગ ત્યારે સામે આવ્યો જ્યારે સચિન પાયલટે બળવો કર્યો અને પોતાના સમર્થક ધારાસભ્યો સાથે હોટલ પહોંચ્યા.
મીડિયા રિપોર્ટ્નું માનીએ તો ગહેલોત એક સમયે ગાંધી પરિવારની એટલી નજીક હતા કે પાયલટને મળવા દેતા ન હતા. પ્રિયંકા ગાંધીની પહેલ પર રાહુલ ગાંધી મળવા માટે સંમત થયા. સચિન પાયલોટ સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમની માંગણીઓ અંગે એક કમિટી પણ બનાવવામાં આવી હતી. જે બાદ અશોક ગહેલોત થોડા ઠંડા પડ્યા, પણ જાણે ગાંધી પરિવારથી દૂર થઈ ગયા. ઘણા મહિનાઓ સુધી, અજય માકન ગાંધી પરિવારનો સંદેશો પહોંચાડવા માટે ફોન કરતા રહ્યા, પરંતુ તેમણે કોલ રિસીવ કર્યો ન હોવાના અહેવાલો પણ છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પહેલા રાજસ્થાનમાં જ્યારે હાઈકમાન્ડ દ્વારા નેતૃત્વ બદલવાનો પ્રયાસ થયો ત્યારે અશોક ગેહલોતની રમત સૌએ જોઈ – અને હવે વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે ટિકિટોની વહેંચણીમાં મનસ્વી રીતે કામ કરવાનું શરૂ કર્યું.
દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અશોક ગહેલોત સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના સમર્થકોને ટિકિટ અપાવવાની જીદને કારણે રાહુલ ગાંધી પહેલેથી જ તેમનાથી નારાજ હોવાનું કહેવાય છે.
અગાઉ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ ગુસ્સામાં કહ્યું હતું કે કેવી રીતે અશોક ગહેલોતે તેમના પુત્ર વૈભવને ટિકિટ અપાવવા માટે તેમના પર સતત દબાણ રાખ્યું હતું. રાહુલ ગાંધી પોતાની જાતને રોકી શક્યા નહોતા અને અશોક ગહેલોતને ટિકિટ વિતરણમાં રહેલી ખામીઓ અંગે સવાલ કર્યા હતા. જ્યારે અશોક ગહેલોતને તેમની જૂની વાતો યાદ કરાવીને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો, ત્યારે તેમણે તેમની સરકારને તેની કટોકટીમાં સમર્થન આપવા માટે અપીલ કરવાનું શરૂ કર્યું – પરંતુ હવે આવી બાબતોની ગાંધી પરિવાર પર કોઈ અસર થઈ રહી નથી, તેમ જણાઈ આવે છે.
રાહુલ ગાંધી પણ સારી રીતે સમજી ગયા છે કે કેવી રીતે અશોક ગેહલોત સચિન પાયલટને બાજુ પર રાખીને રાજસ્થાન કોંગ્રેસ પર એકહથ્થુ શાસન ચલાવી રહ્યા છે. હાલમાં ટિકિટ વહેંચણી મુદ્દે ગહેલોતની જે ભલામણો નકારાઈ છે જે જોતા ગહેલોત પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.