ઇસ્લામાબાદઃ પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં લોકો પાકિસ્તાન છોડી અફઘાન બોર્ડર તરફ રવાના થયા છે. આ અફઘાની લોકો છે, જેઓ પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અફઘાન લોકો મોટી સંખ્યામાં બસો અને ટ્રકમાં અફઘાન બોર્ડર તરફ આગળ વધી રહ્યા છે.
ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને દેશ છોડવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા નિર્ધારીત સમય મર્યાદા આપવામાં આવી હતી, જે સમાપ્ત થઇ રહી હોવાથી અફઘાની નાગરિકો પોતાને દેશ પરત ફરી રહ્યા છે.
પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે જેઓ નહીં જાય તેમને દેશનિકાલ કરવામાં આવશે. ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને હાંકી કાઢવાની ઝુંબેશને યુએન એજન્સીઓ, અધિકાર જૂથો અને અફઘાનિસ્તાનમાં તાલિબાનની આગેવાની હેઠળના શાસને વ્યાપક રીતે વખોડી કાઢી છે.
પાકિસ્તાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે જેઓ દેશમાં ગેરકાયદેસર છે તેમને 31 ઓક્ટોબર પછી ધરપકડ અને દેશનિકાલનો સામનો કરવો પડશે. યુએન એજન્સીઓનું કહેવું છે કે પાકિસ્તાનમાં 20 લાખથી વધુ અફઘાન છે, જેમાંથી ઓછામાં ઓછા 600,000 અફઘાની 2021 માં તાલિબાન સત્તા પર આવ્યા પછી પાકિસ્તાનમાં ભાગીને આવી ગયા હતા. સરકાર ભારપૂર્વક કહે છે કે તે અફઘાનને નિશાન બનાવી રહી નથી, પરંતુ પાકિસ્તાન અને પડોશી અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ ઓપરેશન કરવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને