જે મિસાઇલથી અભિનંદને PAK F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું, તે હવે ભારતમાં બનશે
2019ની વાત છે. પાકિસ્તાની F-16 ફાઇટર જેટ ભારતની સરહદ પાસે ઉડતા જોવા મળ્યા. વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને પોતાના મિગ-21 બાઇસન ફાઇટર જેટ વડે R-73 એર-ટુ-એર મિસાઇલો છોડીને પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું. હવે આ જ મિસાઇલ ભારતમાં બનાવવાની હિલચાલ થઇ રહી છે. હાલમાં તેને રશિયાનું ટેકનિકલ મિસાઇલ કોર્પોરેશન બનાવે છે.
ભારતીય વાયુસેના ઇચ્છે છે કે તેના ફાઇટર જેટમાં આ મિસાઇલનું લેટેસ્ટ વર્ઝન R-73E હોય. આત્મનિર્ભર ભારતની મુહિમ હેઠળ મેક-3 પ્રોજેક્ટમાં તેનું નિર્માણ થશે. લેટેસ્ટ વર્ઝનની રેન્જ 30 કિમી છે. સાથે જ તેમાં RVV-MD ટેકનોલોજી લાગેલી છે. જે તેની રેન્જ વધારીને 40 કિલોમીટર કરી શકે છે.
આ મિસાઇલ આરામથી કોઇપણ દિશાએથી ટાર્ગેટને ખતમ કરી શકે છે. દિવસ હોય કે રાત તે સહેલાઇથી દુશ્મનોના હુમલાને ખાળી શકે છે. ઇલેક્ટ્રોનિક કાઉન્ટરમેઝર્સવાળા માહોલમાં પણ આ મિસાઇલ દુશ્મનો પર સચોટ નિશાન લગાવે છે. આ મિસાઇલને ફાઇટર જેટ, એટેક હેલિકોપ્ટર પર લગાવી શકાય છે.
આ મિસાઇલમાં કોમ્બાઇન્ડ ગેસ એરોડાયનેમિક કંટ્રોલ સિસ્ટમ લગાવાયેલી છે. જે લાઇન ઓફ સાઇટ પર 60 ડિગ્રી સુધીની તાકાત આપે છે. એટલે કે દુશ્મનો પર હુમલો કરતા સમયે સીધી રેખામાં જતી મિસાઇલ અચાનક પલટી પણ શકે છે. તેની ગતિ વધુમાં વધુ 2500 કિમી પ્રતિ કલાક હોઇ શકે છે. તે 2 મીટરની ઉંચાઇથી લઇને વધુમાં વધુ 30 કિમીની ઉંચાઇ સુધી જઇ શકે છે.
વિંગ કમાન્ડર અભિનંદને આ મિસાઇલ વડે પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડી ખતમ કરી દીધું હતું. જો કે તેમને આ કાર્યવાહી દરમિયાન પાકિસ્તાની સેનાએ ઝડપી લીધા હતા. ત્યારબાદ એક ઓપરેશન વડે તેમને સહીસલામત ભારત પરત લાવી દેવામાં આવ્યા હતા. આ મિસાઇલની તાકાતનો પરચો જોઇને તે ભારતમાં જ બને તેવો નિર્ણય લેવામાં આવ્યો.