
દિલ્હી: તહેવારોની સિઝનમાં પહેલા જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે. આજે પહેલી નવેમ્બરથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ભાવ વધારાની સીધી અસર ફૂડ ઈન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટ બિઝનેસ પર થશે. જયારે તહેવારોની સીઝનમાં લોકો માટે રેસ્ટોરન્ટમાં જમવાનું અને મીઠાઈ-ફરસાણ મોંઘા થઈ શકે છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડની વેબસાઈટ અનુસાર, આજથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1,833 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જે પહેલા 1731 રૂપિયામાં મળતો હતો. મુંબઈમાં સિલિન્ડરની કિંમત વધીને 1785.50 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1684 રૂપિયા હતી. જ્યાં કોલકાતામાં સિલિન્ડર 1839.50 રૂપિયાના બદલે 1943.00 રૂપિયામાં વેચવામાં આવશે, જ્યારે ચેન્નાઈમાં તેની કિંમત 1999.50 રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી 1898 રૂપિયા હતી. કોલકાતામાં સિલિન્ડરની કિંમતમાં સૌથી વધુ 103.50 રૂપિયાનો વધારો થયો છે.
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતો યથાવત રાખી હતી. નોંધનીય છે કે 1લી ઓક્ટોબરે પણ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં લગભગ 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને એક મહિના પછી આજે 1 નવેમ્બરે તેમાં વધુ વધારો કરવામાં આવ્યો હતો. આમ એક મહિનામાં ફૂલ 312 રૂપિયાનો વધારો નોંધાયો છે.
જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ સરેરાશ આંતરરાષ્ટ્રીય ઓઈલના ભાવોના આધારે દર મહિનાની પ્રથમ તારીખે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. ઇઝરાયેલ-હમાસ સંઘર્ષને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો કારણ કે પેટ્રોલીયમ પેદાશોમાં ભવો વધી શકે છે.