ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્યપ્રવાહ, માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં નીકળેલી લેવાલી, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો અને મધ્યપૂર્વમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી એકંદરે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની જ ૮૩.૨૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૬ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૭ અને ઉપરમાં ૮૩.૨૫ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલની જ ૮૩.૨૬ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ફોરેક્સ માર્કેટમાં તેલ આયાતકારોની ડૉલરમાં નીકળેલી લેવાલી, વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા વધીને બેરલદીઠ ૮૮.૨૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના નિર્દેશો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૭.૭૨ પૉઈન્ટનો અને ૬૧.૩૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૭૬૧.૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા ઘટીને ૧૦૬.૦૪ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હતો.