ચૂંટણી ટાણે નકારાત્મક રાજનીતિ કરતાં રાજકીય સંગઠનોથી સાવચેત રહેજો: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશના કેટલાક રાજકીય સંગઠનો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે. આવા રાજકીય સંગઠનો દેશ અને સમાજ વિરોધી હથકંડા અપનાવી દેશની એકતા તોડવાના પ્રયાસ કરી સ્વાર્થની રાજનીતિ કરી રહ્યાં છે. દેશ સામેના આ પડકાર સામે દેશની જનતા જનાર્દનની ભૂમિકા મહત્ત્વની છે, એવું જણાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આવાં સંગઠનોથી સચેત રહેવાની અપીલ કરી હતી.
ગુજરાતમાં કેવડિયા કોલોની એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે બોલતા વડા પ્રધાને વધુમાં કહ્યું હતું કે, દેશના વિકાસમાં તૃષ્ટિકરણની રાજનીતિ બાધારૂપ બની રહી છે. તૃષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને આતંકવાદની ભયાનકતા, વિકરાળતા દેખાતી નથી. માનવજાતના દુશ્મનો સાથે ઊભા રહેવામાં
તેમને સહેજ પણ સંકોચ નથી. આવા લોકો આતંકવાદીઓ અને દેશ વિરોધી તત્વોને બચાવવાના પ્રયાસો અદાલતો સુધી કરી ચૂક્યાં છે જેનાથી દેશ કે સમાજનું કદી ભલું થવાનું નથી. આવા લોકો દેશની એકતાને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે દેશવાસીઓએ આવા તત્ત્વોથી સાવધાન રહેવાનું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દેશવાસીઓએ ભીડભાડવાળા સ્થળો, તહેવારો, જાહેર સ્થળો અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્રોને નિશાના બનાવી દેશના વિકાસને રોકવાના પ્રયાસો થતાં જોયા છે અને તે સમયની સરકારો પણ તપાસમાં સુસ્તી દાખવતી હતી. હવે આપને દેશને આ દોરમાં જવા દેવાનો નથી. દેશની એકતા પર હુમલા કરનારા તત્ત્વોથી દેશવાસીઓને સતર્ક રહેવા તેમણે જણાવ્યું હતું.
તેમણે એવું પણ કહ્યું હતું કે, ૧૫ મી ઑગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાતો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ, ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસનો પરેડ કાર્યક્રમ યોજાય છે તેમ હવે ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમના સમન્વય થકી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિશક્તિ તરીકે પ્રસ્થાપિત થયા છે.
વડા પ્રધાન મોદીએ એવું પણ કહ્યું હતું કે, આવનારા ૨૫ વર્ષ ભારત માટે આ સદીના સૌથી મહત્ત્વપૂર્ણ ૨૫ વર્ષ છે. આ ૨૫ વર્ષમાં આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ અને વિકસિત દેશ બનાવવાની દિશામાં મક્કમ આયોજન કરવાના છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ.
મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે, પ્રવર્તમાન અનેક વૈશ્ર્વિક સંકટો વચ્ચે આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે. ગર્વ છે કે આપણો દેશ આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે. ગર્વ છે કે ભારત દેશ ચંદ્રની એ ધરી પર પહોંચ્યો છે જ્યાં આજ સુધી કોઈ દેશ હજુ પહોંચી શક્યો નથી. ગર્વ છે કે આત્મનિર્ભર ભારતમાં તેજસ ફાઇટર એરક્રાફટ અને ભારતીય નૌ સેના માટે વિક્રાંત પણ પોતાના દેશમાં તૈયાર થયુ છે. ગર્વ છે કે સ્પોર્ટ્સથી માંડીને વિશ્ર્વમાં ટોચના સ્થાન પર ભારતીય છે.
તેમણે કહ્યું હતું કે, દેશની જનશક્તિના પુરુષાર્થથી દેશ અને દુનિયામાં ભારતનો વિશ્ર્વાસ વધ્યો છે. કોરોના અને તે બાદ વૈશ્વિક અસ્થિરતામાં પણ ભારત દેશ સતત પ્રગતિ કરતો રહ્યો છે. વિશ્ર્વના અનેક દેશો બેરોજગારી તથા મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતે જન શક્તિના સખત અને સતત પરિશ્રમથી વિકાસના નવા સોપાન સર કર્યા છે અને સમગ્ર વિશ્ર્વમાં પરચમ લહેરાવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫ કરોડ ગરીબો ઘટ્યા છે. હવે આ સ્થિરતા ઉપર આંચ ના આવવી જોઈએ. તો જ આપણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશુ.