ચાય અને છાસનું ચલણ અને વલણ
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
છાસ! બોલતાં કે લખતાં પણ હૈયે ટાઢક થાય તેવું એ અમૃતમય પીણું છે! કચ્છ કે કાઠિયાવાડમાં આજે પણ જમણમાં છાસનું ભારોભાર મહત્ત્વ છે, પણ હવે છાસ કરતાં ચાયનું ચલણ અને વલણ વધી ગયું છે. કચ્છીમાં “ચાય અને છાય પર કવિશ્રી દુલેરાય કારાણીએ બહુ સરસ “સંઘર પ્રકારનું મોટું કાવ્ય લખ્યું છે. ચાયનું ચલણ વધી જતાં એક ચોવક પણ પ્રચલિત બની છે: “છાયજા પીંધલ વ્યા, ને ચાયજા પીંધલ રયા આમતો ચોવકનો સરળ અર્થ એ થાય છે કે, ગુણવત્તાનો ઘટાડો થવો… પણ શબ્દાર્થ એ જ છે કે, છાસ પીવાવાળા ગયા અને હવે ચા પીવાવાળા રહ્યા!
પરંતુ જેમ કચ્છી પ્રજામાં છાસનું ચલણ અને મહત્ત્વ જળવાઈ રહ્યું છે તેજ રીતે ચોવકોમાં પણ જળવાઈ રહ્યું છે. છાસ પર લખાયેલી કેટલીક રસપ્રદ ચોવકો અહીં માણીએં: “છેલો ઓસડ છાય જોકે છાસ ભાગ્યે જ-ઓસડનું સ્થાન લઈ શકે! પરંતુ એટલું ખરું કે, છાસ એક શક્તિદાયક પ્રવાહી પદાર્થ છે. તેમ છતાં અહીં ‘ઓસડ’ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તે પણ અમસ્તો નથી જ! જ્યારે ભૂખ મિટાવવા માટે કાંઈ ખાવાનું ઉપલબ્ધ ન હોય ત્યારે છાસ ગટગટાવી જવાથી ઘણી રાહત થાય છે.
“છાય જો માઈતર પાણી એ પણ એક ચોવક છે. “છાય એટલે છાસ. ‘જો’ અહીં ‘નોકેના’ના અર્થ માટે વપરાયેલો શબ્દ છે. ‘માઈતર’ એટલે માવતર. જ્યારે છાસ ઓછી કે અપૂરતી જણાય તો તરત જ તેમાં પાણી નાખીને તેનું પ્રમાણ વધારી શકાય છે! એ અર્થમાં પાણી એ છાસના માવતર સમાન બની રહે છે. છાસ શબ્દનો અન્યથા અર્થમાં પણ પ્રયોગ કરવામાં આવ્યો છે: “છાયમેં મખણ વિંઝે ને રન ફૂવડ ચોવાજે શબ્દાર્થ છે: છાસમાં માખણ જાય અને ‘રન’ એ સ્ત્રીના બદલે વપરાયેલો થોડો હલકી કોટીનો શબ્દ છે. ‘રન’ ફૂવડ ગણાય! ‘ફૂવડ’નો અર્થ થાય છે, આવડત વગરની. પણ તેનો અભિભૂત અર્થ એ થાય છે કે, કોઈની લાગણીનો અવળો અર્થ કરવો! સામાન્ય રીતે આવી ચોવક ઘરની અણઆવડત વાળી વહુઆરુઓ માટે થતો હોય તેવું લાગે છે.
ઘાસમાં પાણી ઉમેરવાની વાત આવતાં ‘પાણી’શબ્દના પ્રયોગ સાથે બનેલી કેટલીક ચોવકોનું સ્મરણ થાય છે. ચોવક છે: “નોં જો પાણી ઉતર્યો ત ન ચડે. ઘરની વહુવારુનું જો એક વખત ‘પાણી’ ઉતરે તો પછી પાછું ન ચઢે! અહીં ‘પાણી’ શબ્દ સતત મહેણાં ટોણાંથી સૂનમૂન બની ગયેલી ઘરની વહુ માટે પણ વપરાયો છે, અને બીજા અર્થમાં ઘરમાં તેનું માન ઘટી જાય પછી સૌના પ્રિય થવામાં મુશ્કેલી પડે છે. પાણી શબ્દ વહુએ ન સાચવેલી આબરુ કે ઈજ્જત અર્થમાં પણ થતો હોવાનું અનુમાન થઈ શકે!
કોઈ કાર્ય પૂરું થવામાં હોય ત્યારે એમ કહેવાય છે કે, “પાણી આયો છેલે કીયારે મતલબ કે પાણી હવે છેલ્લા ક્યારામાં પહોંચવામાં છે. એટલે કે આદરેલાં કાર્યોનો અંત હવે નજીક જ છે.
પાણીના શબ્દપ્રયોગવાળી બીજી પણ એક ચોવક છે: ‘પાણી ગારે પીયાજે’ મતલબ કે પાણી ગાળીને જ પીવાય. ‘ગારે’ એટલે ગાળીને અને ‘પીયાજે’નો અર્થ થાય છે પીવાય. ગૂઢાર્થ એવો થાય છે કે, ‘વિચારીને આગળ વધવું! આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએં કે, ‘સાત ગળણે ગાળીને…’
એક વિશેષ ચોવક પણ માણી લઈએ. ‘પાણી જંઘેસે કીં ન વરે’ અહીં ‘જંઘે સે’ શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘જંઘવાથી’ એટલે કે વલોવવાથી. વલોણાં તો છાસનાં હોય પાણીનાં ન હોય! છાસનું વલોણું કરવાથી માખણ મળે, પાણીનાં વલોણાથી પાણી જ મળે! મતલબ કે ફોગટની મહેનત… અર્થહીન પરિશ્રમ!