આપણું ગુજરાત

ગુજરાત સરકારનો ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ જાહેર કરાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સરકારે સરદાર સાહેબની જન્મજયંતીએ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ જાહેર કરી છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કરેલી આ જાહેરાત અનુસાર વિશ્ર્વ પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થાન આઇઆઇએમ- અમદાવાદ ‘સી.એમ. ફેલોશિપ’ માટે ઉમેદવારોની પ્રારંભિક પસંદગીથી લઈને મેન્ટરશિપ-ફોલોઅપ સહિત એકેડેમિક પાર્ટનર બનશે. રાજ્ય સરકારની વહીવટી વ્યવસ્થા, પ્રશાસન વ્યવસ્થા, જનસેવા અને જનકલ્યાણ કાર્યક્રમો, પ્રજાકીય પ્રશ્ર્નોના સમાધાન સહિત ગુડ ગવર્નન્સ અને પ્રો-એક્ટિવ પ્રો-પીપલ ગવર્નન્સ માટે યુવા શક્તિનું યોગદાન આ ફેલોશિપ દ્વારા મળતું થશે. આ ‘સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સી.એમ. ફેલોશિપ પ્રોગ્રામ’ માટે યુવાઓ પાસેથી આવેલી અરજીઓની યોગ્યતાના ધોરણે પસંદગી કરાશે.

આ ફેલોશિપની સમયાવધિ એક વર્ષની રાખવામાં આવી છે તેમજ આ સમય દરમિયાન ફેલો યુવાઓને માસિક રૂ. એક લાખનું મહેનતાણું પણ સરકાર આપશે. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટસમાં મુખ્યત્વે પી.એમ. પોષણ યોજના, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બ્લોક્સમાં આ યોજના અન્વયે અપાતા ભોજન-પોષણયુક્ત પદાર્થોનો વ્યય અટકાવવો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એનરોલમેન્ટ સુધારણા તથા વિજ્ઞાન અને ગણિત જેવા ગહન વિષયો પ્રત્યે રુચી કેળવવા જેવી બાબતો આવરી લેવાઇ છે. આ ઉપરાંત રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવો, નર્મદાના જળનો સિંચાઈ હેતુ માટે વ્યાપક અને મહત્તમ ઉપયોગ, હેરિટેજ, વાઇલ્ડ લાઇફ, બિચ ટૂરિઝમને પ્રમોટ કરવા અને શહેરી તથા ઔદ્યોગિક પ્રદૂષણ નિયંત્રણ તેમજ શહેરોમાં ઘન અને પ્રવાહી કચરાના રિસાઈક્લિગંના આયામો જેવા સેક્ટર્સ પણ ફેલો પ્રોગ્રામ અન્વયે આવરી લેવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button