મરાઠા અનામત આંદોલનને લઈને આજે સર્વપક્ષી બેઠક
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે રાજ્યમાં ચાલી રહેલું આંદોલન હિંસક બની રહ્યું છે. આ બાબતને ધ્યાનમાં લેતાં બુધવારે સવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સર્વપક્ષી બેઠક બોલાવવામાં આવી છે.
આ બેઠકમાં વિપક્ષી રાજકીય નેતાઓને પરિસ્થિતિને હાથ ધરવા અંગેની સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવશે અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તેમનો સહકાર માગવામાં આવશે, એમ મુખ્ય પ્રધાનની કચેરી દ્વારા સત્તાવાર રીતે આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.
મરાઠા અનામત આંદોલનકર્તા મનોજ જરાંગેના ઉપવાસ સાતમા દિવસમાં પહોંચ્યા છે. હિસાના બનાવો છેલ્લા બે દિવસમાં વધી રહ્યા છે. મરાઠવાડા વિસ્તારના પાંચ જિલ્લામાં એસટી બસ બંધ કરી દેવામાં આવી છે અને બાકીના ત્રણ જિલ્લામાં પણ તેને ઘટાડી નાખવામાં આવી છે. મરાઠવાડાના કેટલાક જિલ્લામાં જ્યાં ઈમારતોને આગ ચાંપવામાં આવી હતી ત્યાં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે અને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ લોકોને અપીલ કરી છે કે તેમણે હિંસાનો માર્ગ ન અપનાવવો. તેમણે રાજકીય પાર્ટીઓની પણ અપીલ કરી છે કે પરિસ્થિતિ કથળે એવી પ્રવૃત્તિમાં સહભાગી થવું નહીં.