કેબીસીના સેટ પર પહોંચ્યા IT ઓફિસર, બિગ બીએ જોડ્યા હાથ?
હેડિંગ વાંચીને તમે કંઈ પણ ગફલત કરી બેસો એ પહેલાં તમને અહીં સ્પષ્ટતા કરી દઈએ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોઈ મુસીબતમાં નથી ફસાયા કે ન તો એમણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નથી કરી કે જેને કારણે IT ઓફિસર સીધા કેબીસીના સેટ પર પહોંચા ગયા હોય. હવે તમને થશે કે ભાઈ તો પછી કયા કારણે કેબીસીના સેટ પર IT ઓફિસર પહોંચી ગયા? ભાઈ થોડી ધીરજ રાખો, અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.
વાત જાણે એમ છે કે બિગ બી ટીવી પર ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને આ શોમાં સવાલોના સાચા જવાબ આપવા પર સ્પર્ધકને પૈસા મળે છે. દેશભરમાંથી લોકો આ શો પર પોતાનું ભાગ્ય અજમાવવા આવે છે અને આ જ અનુસંધાનમાં આ વખતના એપિસોડમાં શો પર બે ઈન્કમટેક્સ ઓફિસર પહોંચ્યા હતા.
કેબીસીના સેટ પર આ વખતે હોટસીટના દાવેદાર બની છે દિલ્હીની જાખર ફેમિલી. જાખર ફેમિલીનું કનેક્શન ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે છે. હોટસીટ પર બેઠેલા વિકાસ જાખરે જણાવ્યું હતું કે તેઓ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડિપ્ટી કમિશનરના પદ પર ફરજ બજાવે છે. એટલું જ નહી સાથે આવેલી ગરિમા પણ એ જ વિભાગમાં આઈટી કમિશ્નર છે. જ્યારે પરિવારની અન્ય એક મેમ્બર છે નેહા કે જે લો કરી રહી છે. આ બધી માહિતી સાંભળીને બિગ બીએ ચોંકી ગયા અને તે પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા અને જાખર ફેમિલીને બે વખત હાથ જોડ્યા હતા.
વાત આટલેથી જ અટકી નહીં. બિગ બીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે પૂરું ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જ અહીં બેઠેલું છે. જો કોઈએ પણ નિયમ ઉલ્લંઘન કરવાનો પ્રયાસ કર્યો તો એમની પાસે લોયર પણ છે. ભાઈ મને તો આઈટીવાળાઓથી ખૂબ જ ડર લાગે છે અને સાથે સાથે જ કન્ટેસ્ટન્ટને એવું પણ કહ્યું હતું કે એમને ડરાવવાનો પ્રયાસ ના કરવામાં આવે.
ભાઈસાબ બિગ બીને જોઈને જ બધાની સિટ્ટીપીટ્ટી ગુલ થઈ જતી હોય છે, પણ આ કદાચ પહેલી વખત થયું હશે કે બિગ બીએ આ રીતે કોઈને હાથ જોડ્યા હોય અને નહીં ડરાવવાની વિનંતી કરી હતી.