જન્મદિવસ, પ્રિ-વેડિંગ/ફિલ્મોનું શૂટિંગ હવેથી મેટ્રોમાં કરી શકાશે, આ રાજ્યમાં કરાઈ જાહેરાત
લખનૌ: ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશને ‘ટ્રેનમાં ઉજવણી’ નામથી એક અનોખી પહેલ કરવા જઇ રહી છે જે અંતર્ગત લખનૌ અને કાનપુર શહેરમાં દોડતી મેટ્રોમાં લોકોને જન્મદિવસ, પ્રિ-વેડીંગ સહિત ફિલ્મોના શૂટિંગની પણ મંજૂરી આપવામાં આવશે. આ માટે ચોક્કસ ચાર્જ લોકો પાસેથી વસૂલવામાં આવશે.
દિલ્હીમાં યોજાયેલા અર્બન મોબિલીટી ઇન્ડિયા સંમેલન-2023માં લખનૌ મેટ્રોને ‘સાર્વજિનક પરિવહનમાં ઉત્કૃષ્ટતા’નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જેને પગલે મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ વિશેષ આયોજનો કરી રહી છે. મેટ્રો કોચમાં જન્મદિવસ ઉજવણીની લોકોને મંજૂરી આપવાની પહેલ ગત વર્ષે જ કરવામાં આવી હતી જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
જો કે મેટ્રોની અંદર ખાવાપીવાની અનુમતિ નથી. પરિવારના સભ્યો તથા મિત્રો સાથે કેક કટિંગની તસવીરો ખેંચી શકાય છે. મેટ્રો સ્ટેશન પર ચોક્ક્સ સ્થળોએ લોકો ફોટો તથા વીડિયો લઇ શકશે. આ ઉપરાંત પ્રિ-વેડિંગ માટે મેટ્રો કોચ અને પરિસરનો ઉપયોગ કરી શકાશે પરંતુ તેના માટે રૂ.10,000નો ચાર્જ લેવામાં આવશે. લખનૌ તથા કાનપુર મેટ્રોમાં 6થી 8 કલાકનું પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે.
ફિલ્મો તથા ડોક્યુમેન્ટરી માટે 75,000 રૂપિયાથી 2 લાખ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલવામાં આવશે. સાનિયા મલ્હોત્રાની ફિલ્મ ‘પગલૈટ’નું શૂટિંગ લખનૌ મેટ્રોમાં થયું હતું. ઘણીવાર મેટ્રોમાં દિવસો સુધી શૂટિંગ ચાલતું હોય છે.