પાર્ટ-ટાઈમ જોબના નામે કલાકાર સાથે બિગ-ટાઈમ ઠગી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
એક ભ્રમને મનમાંથી તગેડી મૂકવાની તાતી જરૂર છે કે માત્ર અભણ કે ઓછા ભણેલા જ સાયબર ઠગીનો ભોગ બને. અહીં હકીકત વિપરીત છે, કદાચ.
મુંબઈના જોગેશ્ર્વરીમાં રહેતો એક યુવાન ફિલ્મમાં નાના-નાના રોલ કરે. સાથોસાથ ખારની એક કંપનીમાં નોકરી ય કરે, પરંતુ આજની મોંઘવારી અને એમાંય મુંબઈમાં રહેવાનું એટલે બધાને વધુ આવકમાં રસ હોય ને હોય જ.
પોતાની નોકરીની સાથોસાથ સાવ નજીવા કામથી સારી આવક થાય એવા પાર્ટ-ટાઈમ જોબમાં સૌને રસ પડે ને પડે. આ માનસિકતાનો સાયબર ઠગબાજો છાશવારે ફાયદો ઉઠાવતા રહે છે. આવું જ આપણા કલાકાર-જીવ સાથે થયું: એમને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો જેમાં પાર્ટ-ટાઈમ થકી સારી ઈન્કમ મેળવવાની લલચામણી ઓફર હતી.
તેણે કુતૂહલવશ પાર્ટ-ટાઈમ જોબમાં દિલચસ્પી બતાવી. જાણે આ યુવાનના જોડાવાની રાહ જોઈને જ બેઠા હોય એમ તેને એક ટાસ્ક અપાયું: એ સાથે એના બૅન્ક ખાતામાં રકમ જમા થઈ ગઈ. બીજું ટાસ્ક અપાયું અને કલાકારે ફટાફટ પૂરું કરી દેતા વધુ રકમ જમા કરી દેવાઈ.
આમાં ટાસ્ટકમાં ખરેખર તો ટાસ્ક જેવું કંઈ હોતું નથી. કોઈ હોટલ કે વેબસાઈટને રેટિંગ આપો કાં કોઈ વીડિયોને લાઈક કરવા જેવી કામગીરી સોંપાય. હકીકતમાં સામે બેઠેલો અદ્રશ્ય ચીટર ઈચ્છે છે કે તમે ધડાધડ ટાસ્ક પૂરો કરો, તમને ઈનામ મળે અને તમને એનામાં વિશ્ર્વાસ બેસે.
આપણા કલાકારે જોયું કે બે ટાસ્ક બાદ એના બૅન્ક એકાઉન્ટમાં નોંધપાત્ર રકમ જમા થઈ ગઈ હતી. બંદા એકદમ ખુશખુશાલ. એમાં એને મેસેજ મળ્યો કે તમારે વધુ રકમ મેળવવી હોય તો અમુક ટકા જમા કરાવવા પડશે. આનાથી અમને ખાતરી થાય કે તમે આ કામ પ્રત્યે ખરેખર ગંભીર છો. સાથોસાથ ભાવિ ડિસ્કાઉન્ટની રકમ જમા કરાવવા માટે કંપનીના નિયમ મુજબ એક વર્ચ્યુઅલ એકાઉન્ટ ખોલી દેવામાં આવ્યું:
આ તરફ એ કામ કરતો રહે રોકડ રકમ જમા કરાવતો રહે અને વર્ચ્યુઅલ એકાઉન્ટમાં સતત વધતા કમિશનથી ખુશ થાય. લગભગ છ લાખ જમા કરાવ્યા બાદ પોતાના વર્ચ્યુઅલ એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે આંચકો લાગ્યો. ગમે તેટલી જહેમત છતાં રકમ વિથડ્રો થઈ જ ન શકે. ઊલ્ટાનું રકમ કઢાવવા માટે શરત મુકાઈ કે વધુ ટાસ્ક પૂરા કરવા પડશે. ખૂબ લમણાઝીંક છતાંય નિષ્ફળતા મળ્યા બાદ તેને શંકા ગઈ. એ સીધો ખાર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો અને ફરિયાદ લખાવી દીધી.
અને હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે એમ સાયબર ક્રાઈમના કેસમાં ખૂબ કડાકૂટ હોય છે. આપણી પોલીસ યંત્રણામાં એક તો સ્ટાફ ઓછો, સાયબર ક્રાઈમ ડિટેક્શનની તકનીક જાણનારા એનાથીય ઓછાં. તો કરવું શું? સાવધાન રહો, સતર્ક રહો.
A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
“વીડિયો લાઈક કરો, હોટલને રેટિંગ આપો અને ટાસ્ક પૂરા કરો એવી જાળથી દૂર રહો, બાર-પંદર જોજન છેટા રહો.