યોગી સરકારે આ ટ્રસ્ટને આપ્યો મોટો ઝટકો…
લખનઊ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ પ્રસ્તાવોને લીલી ઝંડી આપવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વનો નિર્ણય માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા રામપુરમાં મૌલાના મોહમ્મદ જોહર ટ્રસ્ટને લીઝ પર આપવામાં આવેલી મુર્તઝા હાયર સેકન્ડરી સ્કૂલની ઇમારત અને જમીન પરત લેવા સંબંધિત હતો યોગી સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
2007માં સપા સરકારે આ જમીન જોહર ટ્રસ્ટને માત્ર 100 રૂપિયા પ્રતિ વર્ષ ભાડે આપી હતી. જેમાં ટ્રસ્ટ દ્વારા સરકાર પાસેથી 30 વર્ષ માટે લીઝ પર લેવામાં આવેલી જમીનની શરતોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આવી સ્થિતિમાં યોગી સરકારે ટ્રસ્ટ પાસેથી જમીન પરત લેવાનો નિર્ણય લીધો છે.
કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા નાણા પ્રધાન સુરેશ ખન્નાએ કહ્યું કે રામપુરમાં આ જમીન મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટને 30 વર્ષ માટે લીઝ પર આપવામાં આવી હતી. પરંતુ લીઝ દરમિયાન નક્કી કરાયેલા નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું આથી જિલ્લા મેજિસ્ટ્રેટ રામપુરે જૌહર ટ્રસ્ટને આપવામાં આવેલી જમીન સંબંધિત લીઝ ડીડની શરતોના ઉલ્લંઘનના સંદર્ભમાં 4 સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી. આ કમિટીએ તપાસ બાદ સરકારને મોકલેલા રિપોર્ટને ધ્યાનમાં લીધા બાદ જમીન અને મકાન પરત લેવાનો નિર્ણય લેવાયો છે. 41181 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતી આ જમીનની માલિકી રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે.