પોલીસ વિભાગના વડાનો આ એક આદેશ નાગરિકોને આપશે રાહત
મુંબઈ: મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં વધી રહેલા ગુના અને એના પછી ગુનાઓની નોંધણી મુદ્દે પોલીસ પ્રશાસનવતીથી આંખ આડા કાન કરતા હોવાની ફરિયાદો વધ્યા પછી મહારાષ્ટ્ર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેની ગંભીર નોંધ લીધી છે. આ મુદ્દે મહારાષ્ટ્ર પોલીસના વડા દ્વારા એક આદેશમાં જણાવ્યું છે કે ઝીરો એફઆઈઆર દાખલ કરવાની જોગવાઈ હોવા છતાં પોલીસ તેને ટાળી રહી છે, તેથી આ મુદ્દે તેની ગંભીર નોંધ લઇ કોઈ પણ ફરિયાદ તાત્કાલિક નોંધવા માટે રાજ્યના તમામ પોલીસને આદેશ આપ્યો છે.
તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઓ તો ઘણી વખત એવું બને છે કે પોલીસ કેસ દાખલ કરવાનું ટાળે છે અને આ માટે મુખ્યત્વે વિસ્તારનું બહાનું કાઢવામાં આવે છે. પણ હવે આવું કરનારા સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.
ગુનો ગમે ત્યાં થાય, ફરિયાદી ખાસ કરીને મહિલા પોલીસ સ્ટેશને આવે તો ઝીરો નંબરથી કેસ નોંધીને સંબંધિત પોલીસ સ્ટેશને જાણ કરવાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈ માત્ર કાગળ પર જ હોય એવું લાગે છે વાસ્તવમાં તેનું અમલીકરણ થતું નથી.
આ જોગવાઈ માત્ર કાગળ પર છે. પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાની સામાન્ય નાગરિકોની ઘણા વર્ષોથી ફરિયાદ છે. વિશેષ પોલીસ મહાનિરીક્ષક (કાયદો અને વ્યવસ્થા) સુહાસ વર્કેએ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને આદેશો જારી કર્યો છે કે ફરિયાદીઓ ખાસ કરીને મહિલા ફરિયાદીઓ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન આવે તો સત્તાવાળાઓ વિસ્તાર અંગે કારણ આગળ ધરે નહીં અને કોઇ પ્રકારનો વિલંબ કર્યા વિના કેસ દાખલ કરવો જોઇએ. કેસ નોંધ્યા બાદ તેને આગળની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે.
આ આદેશમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો સીમા (સૂચિત વિસ્તારોની હદ)નું કારણ ઝીરો નંબરે કેસ નોંધ્યા વગર આગળ વધ્યું હોવાનું જણાશે અથવા તો આ અંગે આપવામાં આવેલી સૂચનાઓની અવગણના કરવામાં આવશે તો સંબંધિત પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓનું વિસ્તારનું બહાનું કરી ગુનાઓની ફરિયાદ ન નોંધતા હોવાની મુદ્દો જન પ્રતિનિધિઓએ આ વર્ષના બજેટ સત્રમાં સત્રમાં ઉઠાવ્યો હતો. આ અંગં તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને પોલીસ દળને આ બાબતને ગંભીરતાથી જોવાના આદેશો આપવામાં આવ્યા હતા. સંમેલનમાં આ ચર્ચાના કારણે પોલીસનું ધ્યાન આ તરફ દોરવામાં આવ્યું છે.