ટેક્નોલોજી કંપની એપલે વિપક્ષના કેટલાક નેતાઓ અને કેટલાક પત્રકારોને સ્ટેટ સ્પોન્સર્ડ સાઈબર એટેકની ચેતવણી આપતા ઈમેઈલ મોકલ્યા હતા. એપલે આપેલી ચેતવણી મુજબ કંપનીના આઈફોન્સમાં સરકાર પ્રાયોજિત સાઈબર અટેક થઇ શકે છે. ઈમેઈલમાં યુઝર્સને સાવધાન રહેવા જણાવ્યું હતું.
તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ મોઈત્રા, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા શશિ થરૂર, કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્ય પવન ખેરા, કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી સુપ્રિયા શ્રીનાતે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેમને એપલ તરફથી અલર્ટ ઈ-મેઈલ મળ્યો છે.
એ મેઈલમાં ચેતવણી આપવામાં આવી હતી કે, જો તમારા ડિવાઈસમાં સરકાર-પ્રાયોજિત સાઈબર અટેક દ્વારા ચેડા કરવામાં આવે, તો તેઓ તમારા સંવેદનશીલ ડેટા, કમ્યુનિકેશન અથવા કેમેરા અને માઇક્રોફોનને પણ દૂરથી ઍક્સેસ કરી શકાશે. મેસેજમાં એમ પણ કહેવામાં આવ્યું કે શક્ય છે કે આ એલાર્મ ખોટો પણ હોય, તો પણ આ ચેતવણીને ગંભીરતાથી લેવી.
એપલની વેબસાઇટ મુજબ, સામાન્ય સાયબર અટેકર્સથી વિપરીત, રાજ્ય દ્વારા પ્રાયોજિત અટેકર્સ ખૂબ જ ઓછી સંખ્યામાં ચોક્કસ વ્યક્તિઓ અને તેમના ઉપકરણોને લક્ષ્ય બનાવવા માટે અસાધારણ સંસાધનોનો ઉપયોગ કરે છે, જે આ અટેકને ઓળખવા અને અટકાવવા ખૂબ મુશ્કેલ બનાવે છે. રાજ્ય-પ્રાયોજિત હુમલાઓ અત્યંત જટિલ હોય છે, તેને માટે લાખો ડોલરનો ખર્ચ થાય છે અને ઘણી વખત ટૂંકી શેલ્ફ લાઇફ હોય છે.
કેન્દ્ર સરકારે હજુ સુધી આરોપો પર કોઈ ટિપ્પણી કરી નથી. એપલે પણ આ અંગે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી.
એક અહેવાલ મુજબ ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ સમીર સરન અને ડેક્કન ક્રોનિકલના એડિટર શ્રીરામ કારીએને આવું અલર્ટ મળ્યું હતું. આ ઉપરાંત વરિષ્ઠ પત્રકાર સંપાદક સિદ્ધાર્થ વરદરાજન, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) નેતા સીતારામ યેચુરી, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાને પણ ચેતવણીઓ મળી હોવાના અહેવાલ છે. ઈન્ડીપેન્ડન્ટ પત્રકાર રેવતીને પણ અલર્ટ મળ્યું છે. રેવતીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી ફોનની બેટરી ખતમ થઈ રહી હતી અને તે વિચિત્ર એક્ટીવીટી થઇ રહી હતી.
ઓવૈસીને બાદ કરતા તામામ રાજકીય નેતાઓ ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા છે. આ તમામે મોદી સરકારની ટીકા કરી છે. એલર્ટ મળ્યું છે એવા તમામ પત્રકારો પણ કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે.