ચેતજોઃ તહેવારો ટાણે ડેન્ગ્યુ ચીકનગુનિયા, શરદી-ઉધરસ-તાવ જેવા રોગોએ લીધો ભરડો
એકબાજુ દિવાળીના તહેવારોની તૈયારીઓમાં લોકો લાગ્યા છે અને બજારમાં તહેવારની રોનક પણ જોવા મળે છે ત્યારે રાજકોટમાં રોગચાળાનો કહેર યથાવત રહ્યો છે. ડેન્ગ્યુનાં નવ, મેલેરિયા એક અને ચીકનગુનિયાનાં વધુ આઠ કેસ, શરદી-ઉધરસ-તાવ સહિત લગભગ 1074 દર્દીઓ નોંધાયા હતાં.
છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. સતત વધતા રોગચાળાને લઈને આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને પોરાનાશક તેમજ ફોગીંગની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
સતત નવમાં સપ્તાહે ડેન્ગ્યુનાં નવ અને મેલેરિયાનો વધુ એક કેસ નોંધાયો છે. ચીકનગુનિયાએ માજા મૂકી હોય તેમ સપ્તાહમાં વધુ આઠ કેસ નોંધાયા છે. જ્યારે શરદી-ઉધરસ-તાવના 876 ઉપરાંત ઝાડા-ઉલટીનાં વધુ 180 સહિત કુલ 1074 દર્દીઓ મનપાનાં ચોપડે નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં આવતા દર્દીઓનો રેકોર્ડ ગણીએ તો આ સંખ્યા ત્રણ ગણાથી વધુ હોવાની શક્યતા છે. રાજકોટ મનપા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. સ્વચ્છતા રહે અને મચ્છરોનો ઉપદ્રવ ઘટે તે માટે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, પરંતુ લોકોએ પણ સાવતેચી રાખવાની જરૂર છે.