મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને સુપ્રીમ કોર્ટે ફરી ફટકાર્યા
વિધાનસભ્ય અપાત્રતા પિટિશન * અપાત્રતા પિટિશન પર ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું * સ્પીકર દ્વારા રજૂ કરવામાં આવેલા સમયપત્રકને નકારી કાઢ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બંધારણના ૧૦મા શિડ્યુલની અલંઘ્યતા અને પવિત્રતા જળવાવી જોઈએ એમ જણાવતાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને શિવસેનાના બે પક્ષો દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી અપાત્રતા પિટિશન અંગે ૩૧મી ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો, આવી જ રીતે એનસીપીના નવ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની પિટિશન પર ૩૧મી જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે સળંગ ત્રીજી વખત મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરને સુપ્રીમ
કોર્ટની ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે અપાત્રતા પિટિશન પર ચુકાદો આપવામાં વિલંબ કરવા માટે પ્રક્રિયાગત ઝઘડા ચલાવી લેવામાં આવશે નહીં એમ જણાવ્યું હતું.
અમે બંધારણની ૧૦મા શિડ્યુલની અલંઘ્યતા અને પવિત્રતા જાળવી રાખવા માટે ચિંતીત છીએ. અન્યથા અમે આ બધી જોગવાઈઓને હવામાં ઉડાવી દઈશું, એમ પણ ચંદ્રચુડે કહ્યું હતું.
બંધારણનું ૧૦મું શિડ્યુલ સંસદ અને રાજ્ય વિધાનમંડળમાં ચૂંટાયેલા અને નિયુક્ત સભ્યોના પક્ષપલટાને રોકવાના હેતુથી બનાવવામાં આવ્યો છે.
પ્રક્રિયાદત્ત ઝઘડાને કારણે પિટિશનના વિલંબને સાંખી લેવામાં આવશે નહીં. અમે એવો નિર્દેશ આપી રહ્યા છીએ કે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેની અપાત્રતા પિટિશન પરની સુનાવણી પૂરી કરીને નિર્ણય લેવો.
આ પહેલાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પીકર દ્વારા આપવામાં આવેલા સમયપત્રક મુજબ અપાત્રતા પિટિશન પર નિર્ણય લેવા માટે ૨૯ ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીનો સમય માગ્યો હતો.
મહેતાએ એવી રજૂઆત કરી હતી કે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ પહેલાં નિર્ણયની અપેક્ષા રાખવી અવાસ્તવિક છે કેમ કે દિવાળીની રજાઓ આવશે અને વિધાનસભાનું શિયાળુ સત્ર પણ આવશે.
આ પિટિશનની સુનાવણી જાન્યુઆરીમાં રાખો અને પ્રગતિ પર ધ્યાન આપો, એવી વિનંતી તેમણે ખંડપીઠને કરી હતી.
મિ. સોલિસિટર, અમારે આ પ્રક્રિયાના ઝઘડા ચૂંટણીની જાહેરાત થાય ત્યાં સુધી લંબાવવા નથી, એમ ખંડપીઠે કહ્યું હતું.
મહેતાએ કહ્યું હતું કે દિવાળી અને વિધાનસભાના શિયાળુ સત્રના કામકાજને છોડીને પિટિશનની સુનાવણી કરવામાં કોઈ વાંધો નથી.
અજિત પવાર જૂથની બાજુ માંડવા આવેલા સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ એનસીપીની પિટિશનની સુનાવણી કરવા માટે ડેડલાઈન નક્કી કરવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ પિટિશન આ વર્ષના જુલાઈ અને સપ્ટેમ્બર મહિનામાં દાખલ કરવામાં આવી છે.
શરદ પવાર જૂથ તરફથી હાજર રહેલા સિનિયર એડવોકેટ કપિલ સિબલે કહ્યું હતું કે આ વર્ષના જુલાઈ મહિનામાં નવ એનસીપીના વિધાનસભ્યો સામે દાખલ કરવામાં આવેલી અપાત્રતાની પિટિશનને અત્યારે ધ્યાનમાં લેવામાં આવે.
ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું હતું કે અમારે થોડો વાજબી સમય આપવો જોઈએ. અમે સ્પીકરને ગ્રુુપ એ (શિવસેના) માટે ડિસેમ્બર સુધીનો સમય આપીએ છીએ અને એનસીપી માટે ૩૧ જાન્યુઆરી સુધીનો.
અત્યારે સુપ્રીમ કોર્ટ ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી બે અપાત્રતા પિટિશન અને શરદ પવાર જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અપાત્રતા પિટિશનની સુનાવણી કરી રહી છે.
એનસીપીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું
મુંબઈ: લોકસભાના સંસદસભ્ય સુનિલ તટકરેએ સોમવારે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે એનસીપીના નવ વિધાનસભ્યો સામેની અપાત્રતા પિટિશનની સુનાવણી કરવા માટે ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૪ સુધીની સમયમર્યાદા આપવામાં આવી છે, પરંતુ શિવસેનાના બળવા કરતાં અમારો કેસ અલગ છે. અમને સંતોષ છે કે અમારી સામે દાખલ કરવામાં આવેલી પિટિશનની સુનાવણી અલગથી હાથ ધરવા માટે સુપ્રીમ કોર્ટ માન્ય રહી છે. અમારો કેસ શિવસેના કરતાં અલગ છે.
રાહુલ નાર્વેકરે શું કહ્યું?
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે સોમવારે મુંબઈ સમાચારને જણાવ્યું હતું કે મને હજી સુધી સુપ્રીમ કોર્ટના આદેશની નકલ મળી નથી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું છે તે જોયા સિવાય હું કશું બોલી શકીશ નહીં. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. અમે આદેશની નકલની માગણી કરી છે. આદેશમાં શું કહેવામાં આવ્યું છે તે જોયા પછી જ આગામી નિર્ણય લેવામાં આવશે.