છાપીમાં પેલેસ્ટાઇનના સ્ટીકરો પછી જામનગરમાં ઈદની રેલીમાં પેલેસ્ટાઇનના ઝંડા દેખાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગરમાં ઇદની રેલીમાં બે વાહનો પર પેલેસ્ટાઇનના મોટા ઝંડા દેખાતા બન્ને વાહન ડિટેઇન કરી વધુ તપાસ ચાલુ કરી છે. હાલ ઇઝરાયલ અને આતંકી સંગઠન હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે જામનગરમાં ઈદની રેલીમાં પેલેસ્ટાઇનના ઝંડા દેખાયા હતા. પોલીસે આ અંગે કાર્યવાહી કરતા બે વાહનો ડિટેઇન કર્યા છે.
જામનગર પોલીસે દરબારગઢ વિસ્તારમાં ઈદ-એ-ગૌસિયાના ઝુલુસમાં પેલેસ્ટાઈનના ઝંડા સાથેના બે વાહનો ડિટેઈન કર્યા હતા. ખુલ્લા વાહનોમાં સ્પીકરો પણ લગાવવામાં આવ્યા હતા જેમાં અરબી ભાષામાં ગીતો વાગી રહ્યા હતા. મોટા અવાજ અને મોટા પેલેસ્ટાઈન ઝંડા સાથે સાંજે ડીકેવી સર્કલ-અંબર રોડ પરથી રેલી પસાર થઈ હતી. રેલીમાં એક ડઝનથી વધુ વાહનો હતા. શહેર પોલીસ બી ડિવિઝનના ઇન્સ્પેક્ટર એચ.પી.ઝાલા અને સ્ટાફે આ અંગે કાર્યવાહી કરી રેલીમાંથી બે વાહનો ડિટેઇન કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે જ બનાસકાંઠા જિલ્લાના વડગામના છાપી પંથકમાં ઈઝરાયલના બોયકોટના સ્ટીકર જોવા મળ્યા હતા. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે છાપી પંથકમાં લાગેલા બોયકોટ ઈઝરાયલના પોસ્ટરો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યા હતા. અજાણ્યા શખ્સોએ ઈઝરાયલ- હમાસના યુદ્ધ વચ્ચે વિવાદિત પોસ્ટરો લગાવી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે છાપી પોલીસે પોસ્ટરો દૂર કર્યા હતા. પોલીસે પોસ્ટરો લાગ્યાની આસપાસના સીસીટીવી તપાસી પોસ્ટરો લગાવનાર શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.