મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં શુદ્ધ સોનાએ ₹ ૪૧૩ની તેજી સાથે ₹ ૬૧,૦૦૦ની સપાટી કુદાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત શુક્રવારે ઈઝરાયલે ગાઝા પરનું આક્રમણ ઉગ્ર બનાવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની આક્રમક લેવાલી નીકળતાં ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષિયક બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ ગત શુક્રવારના વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં સુધારાતરફી વલણ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૨થી ૪૧૩ વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૬૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૦૨૫નો ચમકારો આવ્યો હતો અને ભાવ રૂ. ૭૨,૦૦૦ની લગોલગ પહોંચ્યા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૨૫ વધીને રૂ. ૭૧,૯૩૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ ગત શુક્રવારનાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૧૨ વધીને રૂ. ૬૦,૯૯૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૧૩ વધીને રૂ. ૬૧,૨૩૮ના મથાળે રહ્યા હતા, પરંતુ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. એકંદરે ગત શુક્રવારે ઈઝરાયલે ગાઝા પર હુમલાઓ વધાર્યા હોવાના નિર્દેશો સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવીને ૨૦૦૯ ડૉલર સુધી પહોંચી ગયા હતા.