મહારાષ્ટ્ર

મરાઠા આરક્ષણ: 11,000 જૂના દસ્તાવેજોમાં કુણબી જાતીનો ઉલ્લેખ, નવા પ્રમાણપત્રો અપાશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે 11,530 જૂના દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં કુણબી જાતીનો ઉલ્લેખ છે અને મંગળવારથી નવા પ્રમાણપત્રો આપવાનું ચાલુ કરવામાં આવશે.

મરાઠા સમાજ દ્વારા આરક્ષણની માગણી માટે આખા રાજ્યમાં જોરદાર અને હિંસક આંદોલન કરવામાં આવી રહ્યા છે.
કુણબી, ખેતી સાથે સંકળાયેલી જાતી છે. તેમને અન્ય પછાત વર્ગ (ઓબીસી) હેઠળ રાખવામાં આવ્યા છે અને તેમને મહારાષ્ટ્રમાં આરક્ષણનો લાભ આપવામાં આવે છે.

મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે નિષ્ણાતોની ત્રણ સભ્યોની સમિતિએ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટમાં મરાઠા આરક્ષણ સંબંધી ક્યુરેટિવ પિટિશન દાખલ કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્ર કેવી રીતે આપી શકાય તે બાબતે અહેવાલ રજૂ કરવા માટે જે જસ્ટિસ સંદીપ શિંદે (નિવૃત) હેઠળની સમિતિ ગઠિત કરવામાં આવી હતી તેઓ મંગળવારે પોતાનો અહેવાલ કેબિનેટની બેઠકમાં રજૂ કરશે.

મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલના ઉપવાસ છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યા હતા, તેમને સંબોધતાં મુખ્ય પ્રધાને કહ્યું હતું કે સરકારી પ્રતિનિધિ મંગળવારે તેમની સાથે ચર્ચા કરશે. રાજ્ય સરકારને થોડો સમય જોઈએ છે અને તેમણે આ સમય આપવો જોઈએ.

શિંદેએ એમ પણ કહ્યું હતું કે જરાંગેએ આંદોલન બાબતે થોડા સંયમિત રહેવું જોઈએ, તેમનો સંકેત રાજ્યમાં થઈ રહેલી હિંસા અંગે હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે નિષ્ણાતોની એક સમિતિ ગઠિત કરવામાં આવશે જે રાજ્ય સરકારને ક્યુરેટિવ પિટિશન અંગે સલાહ આપશે. નિષ્ણાતોની સમિતિમાં ત્રણ નિવૃત ન્યાયમૂર્તી હશે.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અગાઉની મહાવિકાસ આઘાડી સરકાર મરાઠા આરક્ષણને જાળવી રાખવામાં કેમ નિષ્ફળ ગઈ તે ભાબતે ઊંડા ઉતરવાની માગતા નથી.

શિંદેએ કહ્યું કે સમિતિ અત્યારે નિઝામના સમયના દસ્તાવેજોની ચકાસણી કરી રહી છે. આ ઉપરાંત વંશાવળી, શૈક્ષણિક અને મહેસુલી પુરાવા, નિઝામ કાળ દરમિયાન કરવામાં આવેલા કરાર અને અન્ય સંબંધિત દસ્તાવેજોની ચકાણી કરવામાં આવશે અને પછી મરાઠા સમાજને કુણબી પ્રમાણપત્રો આપવામાં આવશે.

આ સમિતિ મંગળવારે અહેવાલ રજૂ કરશે અને તેના પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે સમિતિએ 1.72 કરોડ સરકારી દસ્તાવેજોની ચકાસણી કરી હતી અને તેમાં તેમને 11,530 દસ્તાવેજો મળ્યા છે, જેમાં કુણબી જાતીનો ઉલ્લેખ જૂના દસ્તાવેજોમાં કરવામાં આવ્યો છે.

તેમને મંગળવારથી જ કુણબી પ્રમાણપત્ર આપવાનું શરૂ કરી દેવામાં આવશે. મેં સંબંધિત તહેસીલદારોને આની સૂચના આપી દીધી છે.

તેમણે મરાઠા સમાજના લોકોને અંતિમ પગલું લેવાથી દૂર રહેવાની અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે સરકાર અદાલતમાં ટકી શકે એવું આરક્ષણ આપવા માગે છે. તેમણે જરાંગે-પાટીલને તબીબી સારવાર લેવાની અપીલ પણ કરી હતી.

48 કલાકમાં 13 એસટી બસને નુકસાન: 30 ડેપો બંધ

રાજ્યમાં છેલ્લા 48 કલાકમાં એસટીની 13 બસને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેમાં સોમવારે ચાર બસને નુકસાન કરવામાં આવ્યું હતું. મરાઠા આરક્ષણ માટે થઈ રહેલા આંદોલનને પગલે એસટીની બસની કરવામાં આવેલી તોડફોડને ધ્યાનમાં લેતાં રાજ્ય પરિવહન નિગમે પોતાના 250માંથી 30 ડેપોને બંધ કરી નાખવાનો નિર્ણય લીધો છે.

છત્રપતિ સંભાજીનગર ડિવિઝનમાં આવતા બીડ, ધારાશિવ (ઉસ્માનાબાદ) અને છત્રપતિ સંભાજીનગર ઝોનને બાદ કરતાં આ ડિવિઝનના બાકીના બધા જ ડેપો બંધ કરી નાખવામાં આવ્યા છે, એમ રાજ્ય પરિવહન નિગમના એક અધિકારીએ સોમવારે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button