એકસ્ટ્રા અફેર

મરાઠા અનામત આંદોલન, યુવાનોના આપઘાત રોકવા જોઈએ

એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ

મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની માગ સાથેનું આંદોલન ફરી ભડક્યું છે અને મરાઠા સમુદાયનાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. રાજકીય રીતે પણ આ મુદ્દો ઉગ્ર બન્યો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના સહિતના વિપક્ષો શિવસેના-ભાજપ-એનસીપીની એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની સરકાર મરાઠા સમુદાયને ઉઠાં ભણાવી રહી હોવાના આક્ષેપો સાથે આ મુદ્દાનો રાજકીય લાભ ઉઠાવવા કૂદી પડી છે ત્યારે બીજી તરફ મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પણ સરકારની વિરુદ્ધ બોલી રહ્યાં છે. જરાંગે જાહેર કર્યું છે કે, મહારાષ્ટ્રમાં લાંબા સમયથી મરાઠા અનામતની માગ કરવામાં આવી રહી છે પણ રાજ્ય સરકાર અનામત આપવાની વિરુદ્ધ છે તેથી કશું કરતી નથી.

વિપક્ષો અને આંદોલનના નેતા એમ બે મોરચે થઈ રહેલા પ્રહારોથી બચાવની સ્થિતીમાં આવી ગઈ છે. એકનાથ શિંદે સરકારે સાત સપ્ટેમ્બરે મરાઠા અનામત અંગે નિર્ણય લેવા માટે નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ સંદીપ શિંદેના વડપણ હેઠળ સમિતિની રચના કરી હતી. સરકારનું કહેવું છે કે, આ સમિતિ તેનો રિપોર્ટ આપે કે તરત જ મરાઠા અનામત માટે વિધાનસભામાં ખરડો લવાશે. આ સમિતિની સરકારને રિપોર્ટ સબમિટ કરવાની અંતિમ તારીખ ૨૪ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે એ જોતાં હજુ લગભગ બે મહિના જેટલો સમય નિર્ણય લેવામાં લાગી શકે છે એ સ્પષ્ટ છે પણ આંદોલનના નેતાઓમાં જ નહીં પણ સત્તાધારી પક્ષના નેતાઓમાં પણ એટલી ધીરજ નથી.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને હજુ એક વરસની વાર છે ને લોકસભાની ચૂંટણીને પણ છ મહિનાની વાર છે. આ કારણે સરકારને કદાચ મરાઠા અનામત આંદોલનની બહુ ચિંતા ના હોય પણ સત્તાધારી પક્ષના નેતા ઊંચાનીચા થઈ રહ્યા છે તેમાં બેમત નથી. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે તો મરાઠા અનમાતના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. હેમંત પાટીલનું રાજીનામું લોકસભાના સ્પીકર સુધી પહોંચ્યું નથી પણ સોશિયલ મીડિયા પર રાજીનામાનો પત્ર વાઇરલ થઈ રહ્યો છે.

હેમંત પાટીલ કદાચ સાચે જ રાજીનામું આપવા ના માગતા હોય ને સરકારને ડરાવવા રાજીનામાનો પત્ર મોકલ્યો હોય એવું બને પણ તેનાથી બહુ ફરક પડતો નથી. મરાઠા અનામત આંદોલનની અસર સત્તાધારી પાર્ટીના નેતાઓ પર પણ પડી છે એ સ્પષ્ટ છે. હેમંત પાટીલની જેમ બીજા નેતા પણ મેદાનમાં આવે એવું બની શકે.

મરાઠા અનામતનો મુદ્દો સંવેદનશીલ છે પણ કાનૂની દાવપેચમાં ફસાયેલો છે તેથી મરાઠાઓને અનામત આપવા અંગે ગૂંચવાડો છે. મરાઠા અનામતની જોગવાઈ પહેલાં પણ કરાઈ છે પણ સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધી હતી. છેલ્લે ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત રદ કરી નાંખેલી. મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયનાં લોકો માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૬ ટકા અનામતની જોગવાઈ ૨૦૧૮માં દેવેન્દ્ર ફડણવીસની ભાજપ સરકારે કરી હતી. મરાઠાઓ માટે ૧૬ ટકા અનામતની જોગવાઈને હાઈ કોર્ટે માન્ય રાખી હતી. ૨૦૧૯ના જૂન મહિનામાં બોમ્બે હાઈ કોર્ટે મરાઠા અનામતને કાયદેસર ગણાવતાં ભાજપ ને મરાઠા સમુદાય બંનેને હાશકારો થયો હતો પણ બે વર્ષ પછી સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના ચુકાદાને રદબાતલ કરીને મરાઠાઓને અપાયેલી ૧૬ ટકા અનામતને ગેરકાયદેસર ગણાવીને રદ કરી નાંખી હતી. ફડણવીસ સરકારે પહેલી વાર ૨૦૧૫માં મરાઠા સમુદાય માટે અનામતની જોગવાઈ કરી ત્યારે પણ એ જ હાલ થયા હતા.

આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અનામતને લગતા બે સૌથી મહત્ત્વના મુદ્દા અંગે બંધારણ શું કહે છે તેની સ્પષ્ટતા કરી હતી. પહેલો મુદ્દો એ કે, રાજ્ય સરકારોને કોઈ જ્ઞાતિ કે સમુદાયને અનામત આપવાનો અધિકાર નથી. રાજ્યો પાસે સામાજિક આર્થિક પછાત જ્ઞાતિ (સોશિયલી ઈકોનોમિકલી બેકવર્ડ ક્લાસ-એસઈબીસી)ની યાદીમાં કોઈ જ્ઞાતિ કે સમુદાયનો ઉમેરો કરવાનો અધિકાર નથી તેથી મહારાષ્ટ્ર સરકાર મરાઠાઓને અનામત ના આપી શકે. બીજો મુદ્દો એ કે, જ્ઞાતિ આધારિત અનામતનું પ્રમાણ પચાસ ટકાથી વધવું જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટે મંડલ પંચના ઓબીસી અનામતની જોગવાઈ વખતે અનામતની ૫૦ ટકાની મર્યાદા બાંધતો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાની સમીક્ષા કરવાનો પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને પગલે દેશમાં બધે જ્ઞાતિ આધારિત અનામત આપવી અઘરી થઈ ગઈ છે. મરાઠા અનામતમાં પણ આ ગૂંચ સૌથી વધારે નડી રહી છે. ફડણવીસ સરકારે આ ગૂંચ કઈ રીતે ઉકેલાશે એ જોવાનું રહે છે પણ ત્યાં સુધીમાં મરાઠા અનામત આંદોલનના નેતાઓએ એક કામ તાત્કાલિક કરવું જોઈએ. મરાઠા અનામત આંદોલન ચલાવી રહેલા નેતાઓને આંદોલનનો અધિકાર છે તેથી તેની સામે બોલી ના શકાય પણ એ લોકોએ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, અનામતની માગણીના સમર્થનમાં યુવકો આપઘાત ના કરે. મરાઠા અનામતની માગણી બુલંદ થઈ પછી તેના સમર્થનમાં એક પછી એક યુવાનો આપઘાત કરી રહ્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં ભાગ્યે જ કોઈ દિવસ એવો ગયો હશે કે જ્યારે મરાઠા અનામતના સમર્થનમાં કોઈએ આપઘાત ના કર્યો હોય.

રવિવારે પરલી તાલુકાના ગંગાભીષણ રામરાવ નામના યુવકે આપઘાત કર્યો એ સાથે આ યાદીમાં વધારે એક નામ ઉમેરાઈ ગયું. આ પહેલા શનિવારે મહેશ કદમ નામના અહેમદનગરના ધલેગાંવ તહસીલના પંચાયત સભ્યે આપઘાત કરી લીધો હતો. એ પહેલાં શુક્રવારે બીડ જિલ્લાના શત્રુઘ્ન કાશીદ અને ઉસ્માનાબાદ જિલ્લાના બલીરામ દેવીદાસ સાબલે આત્મહત્યા કરી લીધી હતી. રાજ્યમાં ૧૧ દિવસમાં ૧૩ લોકોએ મરાઠા અનામતના સમર્થનમાં આત્મહત્યા કરી છે એ જોતાં એક ખતરનાક ટ્રેન્ડ સ્થાપિત થઈ
રહ્યો છે.

આપઘાતનો આ સિલસિલો કમનસીબ છે ને તેને રોકવો જરૂરી છે કેમ કે કોઈ પણ માગણીના સમર્થનમાં આપઘાત કરવો એ ઉપાય નથી. તેમાં પણ યુવાનો આપઘાત કરે ત્યારે તો તેની અસર સમગ્ર પરિવાર પર પડતી હોય છે. આખો પરિવાર હમચમી જતો હોય છે ને મોટા ભાગના કિસ્સામાં વિખેરાઈ જતો હોય છે. મરાઠા સમુદાયનું ભલું કરવા નીકળેલા નેતાઓએ આ સ્થિતિને ટાળવી જોઈએ, યુવકોને આપઘાત કરતા રોકવા જોઈએ અને તેમના પરિવારોને વિખેરાતા અટકાવવા જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button