જુવારનો દ્રવ ગોળ મૂલ્યવાન છે
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા
ભારતીય સંસ્કૃતિમાં આદર્શ જીવન માટે ઋષિઓએ જીવન જીવવાની રીત-ભાત અને સ્વાસ્થપ્રદ ખોરાક સમન્વય કરી નિરામય આરોગ્ય અને સુખી જીવન માટે જગતને હંમેશાં માર્ગદર્શન આપ્યું છે. વર્ષો પહેલા આપણી થાળીમાં વૈવિધ્ય સભર અનાજની વાનગીઓ પીરસાતી. ઋતુઓ મુજબ ઉજવાતા તહેવારોની એક ચોક્કસ વાનગી સાથે જોડી માનવના સ્વાસ્થ્ય અને આરોગ્યનો ખ્યાલ રાખવામાં આવતો. લોકો સશક્ત અને નિરોગી હતા. એનું કારણ સ્વાસ્થપ્રદ ખોરાક હતું. આજના યુગ જેવું જંકફૂડ, કેમિકલ વાપરેલો ખોરાક ન હતો.
તહેવારોની અત્યારે હારમાળ ચાલું છે. વિવિધ મીઠાઇઓથી બજાર ભરેલી છે. પણ તે સ્વાસ્થ્યપ્રદ હોતા નથી. સારા સ્વાસ્થ્ય માટે મીઠાઇ ઉચ્ચ ગુણવત્તાની હોવી જરૂરી છે.
હાલમાં મિલેટનું વર્ષ જાહેર થયું છે. બરછટ અનાજ એટલે કે જાડા ધાન્ય જેવા કે બાજરી, જુવાર, મકાઇ, નાગલી વગેરે આપણા વડા પ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઇ મોદીએ જગતને પરંપરાગત બરછટ અનાજનો ખોરાક તરીકે ઉપયોગ કરી સ્વસ્થ જીવન માટે સંદેશ આપ્યો. જાડા ધાન્ય પોષક તત્ત્વોથી ભરપૂર છે. અનાજનો તો આપણે ઘણી વાનગીઓ બનાવવા ઉપયોગ કરીએ છીએ.
આજે આપણે આ અનાજના દાંડા (શેરડી જેવા દાંડા) વિશે જાણીશું. આ દાંડા ખૂબ જ મોટા પ્રમાણ રસથી ભરેલા હોય છે. જેમ શેરડીનો રસ નીકળે છે તેમ આ જુવારના દાંડાના રસનો લિકવિડ (દ્રવ ગોળ) બને છે. આ ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાનો મીઠાશથી ભરેલો છે.
આ દ્રવ ગોળ એક સ્વીટનર તરીકે વાપરી શકાય છે. વિદેશોમાં ખાસ કરીને સાઉથ અમેરિકા અને આફ્રિકામાં મોટા પ્રમાણમાં બને છે. ભારતમાં જુવારનું ખૂબ જ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. આનો દ્રવ ગોળ હાલમાં ક્યાંય બનતો નથી. અને બનતો હશે તો આનો ઉપયોગ જરૂરથી કરવા જેવો છે.
એન્ટિ ઓકિસડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશ્યિમ વિટામિન બી-૩ કોપરથી ભરપૂર છે. ડાયટરી ફાઇબર ખૂબ જ સારું છે પચવામાં ભારે નથી.
સાકરમાં કાર્બોહાઇડ્રેડ સરળ શર્કરામાં તૂટી જાય અને શરીરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય ત્યારે ડાયાબિટીસની સમસ્યા પેદા થાય છે. જુવારના દ્રવ ગોળમાં ટેનિન હોય છે. આ એક પ્રકારનું એન્ઝાઇન (પાચકરસ) છે જે શરીર દ્વારા સ્ટાર્ચના અવશોષણને રોકે છે. જે શરીરમાં ઇન્સ્યુલીન અને ગ્લુકોઝના સ્તરને નિયમિત કરવામાં સમસ્યા પેદા કરે છે. આ દ્રવગોળથી ડાયાબિટીસની સમસ્યાને રોકી શકાય છે.
વધુ ગ્લુકોઝ બનાવવાવાળા ખોરાકથી સીલી એક રોગ (જે એક પ્રકારની ગંભીર એલર્જી છે). જેમાં શરીરમાં સોજા આવે છે. તે સમસ્યાથી બચી શકાય છે. આ જુવારના દ્રવગોળથી બનતી મીઠાઇઓ કે અન્ય વસ્તુઓ પોષક છે.
મેગ્નેશિયમ દ્રવગોળમાં ભરપૂર છે જે કેલ્શિયમના સ્તરને જાળવી રાખે છે. જે વૃદ્ધા અવસ્થામાં થતી હાડકાની કમજોરી કે ત્વચાની કરચલીઓને રોકે છે. કોપર અને આયરન કારણે કોશિકાઓના વિકાસ અને રક્ત પરિસંચણનું કાર્ય સરળ રહે છે. નિયાસીન કે વિટામિન બી-૩ને કારણે ભોજનને ઊર્જામાં સરળતાથી બદલે છે. દ્રવગોળમાં ડાયટરી ફાઇબર અને ગ્લુકોઝના નીચા પ્રમાણને લીધે વજન વધવાની સમસ્યા રહેતી નથી.
બજારૂ મીઠાઇઓમાં ઉચ્ચ ગ્લુકોઝનું સ્તર તેમ જ રસાયણો, રાસાયણિક રંગોથી બનતી મીઠાઇઓથી સાવધાન રહેવું જરૂરી છે. જુવારના ઉચ્ચ પ્રકારના દ્રવગોળથી મીઠાઇ સરળતાથી ઘરે બનાવી શકાય છે.
આજના યુવાનો સ્ટાર્ટઅપ માટે આ દ્રવગોળ બનાવવાનો ઉદ્યોગ ખૂબ જ કારગર છે. જુવારના દાંડાનો ઉપયોગ કરી નવો ઉદ્યોગ ચાલુ કરી શકાય છે. પ્રાકૃતિક રીતે બનાવી શકાય છે. આમાં કોઇ મોટાં સાધનોની જરૂર નથી. ફકત રસને ઉકાળવાનો છે. દાંડાઓને બાળી નાખે છે તેનો ઉપયોગ થતો નથી તો પ્રકૃતિના રક્ષણ માટે પણ જરૂરી છે. સારું સ્વાસ્થ્ય અને આર્થિક ઉપાજન થઇ શકે છે.
જુવારનો દ્રવગોળ આલ્બમા, જયોર્જિયા, લોવા, મિસીસીપી, નોર્થ કેરોલીના જેવા સાઉથ અમેરિકાનાં રાજ્યોમાં બને છે. ભારતના લગભગ બધાં રાજ્યોમાં જુવારનો પાક લેવાય છે. જુવારની પોંક તો પ્રસિદ્ધ છે. લોકો તેનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જુવારની પોંકનો સ્વાદ મીઠો છે. તેવો જ સ્વાદ આ દ્રવગોળનો છે. દોડભાગવાળી જિંદગીમાં સ્વાસ્થ્યના ઠેકાણા રહેતા નથી. અને બજારૂ વસ્તુઓ વાપરીને સ્વાસ્થ્યનો કચરઘાણ વળે છે. આવી પ્રાકૃતિક વસ્તુઓ બજારમાં મળતી થાય માટે આનો મોટા પાયા પર પ્રચાર થવો જોઇએ. ખેડૂતોને પ્રેરણા આપવી જોઇએ ફકત ઉપરનું અનાજ વેચવા કરતાં આ ડાંડાનો ઉપયોગ કરી ઉપાર્જન વધારવું જોઇએ.
ફકત જુવારના ડાંડાનો જ નહીં મકાઇના દાંડા, બાજરીના દાંડા, નાગલીના દાંડાનો પણ ઉપયોગ થવો જોઇએ. આ દાંડાનો રસ પીવાથી ડાયાબિટીસમાં આવતી નબળાઇ, એનિમીયા જેવી બીમારી, અસ્થમા, આંતરડાની નબળાઇ દૂર કરી શકાય છે. આ રસ તાજો હોવો જરૂરી છે. આ રસમાં પોટેશિયમનું પ્રમાણ ઉચ્ચું છે તેથી ગર્ભ ન રહેતો તે સમસ્યા પણ દૂર કરી શકાય છે.
આપણી પાસે અનાજ અને તેના દાંડા જેવી ઉચ્ચસ્તરીય વનસ્પતિઓ હાજર છે. પીઝા, બર્ગર, ચીપ્સ, ચોકલેટ જેવી નકામી વસ્તુઓ બંધ કરી પ્રાકૃતિક વસ્તુઓના સંશાધનોનો ઉપયોગ માટે જાગૃતિ લાવવી અતિ આવશ્યક છે. સમાજ પણ આના વિશે વિચાર કરશે એવી આશા!