તરોતાઝા

માઈગ્રેનથી રહો સાવધાન

આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’

મોટાભાગે માથાનાં અડધા ભાગને અસર કરતો હોવાંથી આધાશીશી તરીકે ઓળખાતો માઈગ્રેન એ વિશ્વમાં સૌથી વધુ માનવકલાકોનો વ્યય કરતાં રોગોમાંથી એક છે. માઈગ્રેન એ બાળકોથી લઈને યુવાન, આધેડ તમામ વયજૂથમાં જોવાં મળતો રોગ છે. એક સર્વે મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓમાં માઈગ્રેનનું પ્રમાણ વધુ જોવાં મળે છે.

માઈગ્રેન થવાનાં કારણોની વાત કરીએ તો માઈગ્રેનને ઇડીઓપેથીક રોગોની શ્રેણીમાં મૂકવામાં આવે છે. એટલે કે માઈગ્રેન થવાનું કોઈ એક કારણ હજુ સુધી નિશ્ર્ચિત નથી પકડાયું. જો કે માઈગ્રેનનો એટેક ચાલુ કરનારાં કારણો કે જેને ટ્રીગર ફેક્ટર્સ તરીકે ઓળખાય છે. તેમાંનાં ઘણાં કારણો સુસ્પષ્ટ છે.

સૌ પ્રથમ તો આધાશીશી કે માઈગ્રેનની સાદી વ્યાખ્યા કરીએ તો આધાશીશી એટલે લમણાંમાં કે માથાંમાં મોટાભાગે એક તરફ અથવા કોઈપણ જગ્યાએ થતો એવો દુખાવો કે જે મહદ અંશે ઉબકા, ઉલ્ટી સાથે હોય અને દર્દી પ્રકાશ કે અવાજ સહન ન કરી શકે.
માઈગ્રેન લક્ષણો દ્વારા જ નિદાન થઈ શકે એવો રોગ હોઈ તેમાં મોટાભાગે લેબોરેટરી તપાસની કે રેડીઓલોજિકલ તપાસની જરૂર નથી પડતી.

આગળ કહ્યું તેમ માઈગ્રેનની તાસીર હોય એવાં દર્દીઓમાં અમુક જે ખાસ કારણોનાં સંપર્કમાં આવતાં માઈગ્રેનનો એટેક ચાલુ થાય છે તેવાં ફેક્ટરને ટ્રીગર ફ્રેકટર તરીકે ઓળખવામાં આવે છે.

આવાં મુખ્ય ટ્રીગર ફેક્ટર્સ નીચે મુજબ છે.

જમવાનાં કે સૂવાનાં સમયમાં ફેરફાર થવો.

કાચા કાંદા, લસણ, કાકડી, મૂળાનું સેવન ખૂબ ભૂખ્યું રહેવું.

ઉજાગરા કરવાં વધુ પડતું ચા -કોફીનું સેવન
પ્રખર સૂર્યતાપ (બ્રાઈટ સનલાઇટ)માં બહાર નીકળવું.

મોબાઈલ, કમ્પ્યુટર, ટીવીનો વધુ પડતો ઉપયોગ.

કોઈપણ તીવ્ર કે અણગમતી સુગંધનાં સંપર્કમાં આવવું.

વધુ પડતી ઈમોશનલ કે મેન્ટલ સ્ટ્રેસવાળી પરિસ્થિતિ.

આમાંથી કોઈપણ કારણ આધાશીશીનો દુખાવો ચાલુ કરવાં માટે સક્ષમ છે.

આધાશીશી કે માઈગ્રેનનો દુખાવો ડલ હેડેકથી લઈને હથોડાં વાગતા હોય તેવાં થ્રોબિંગ પેઈન જેવો હોઈ શકે છે. માઈગ્રેનનાં લગભગ તમામ દર્દીઓમાં પ્રકાશ અને ઘોંઘાટ સહન ન થઈ શકવા એ લક્ષણ કોમન જોવાં મળે છે. મોટાંભાગે હેડેક ફુલફલેજ ચાલુ થતાં આવાં દર્દીઓ કોઈપણ કામ કરી શકવા સક્ષમ ન રહી શકતાં હોવાંથી પોતાનું કામ કરવાનું પડતું મૂકી અંધારા શાંત ઓરડામાં સુઈ જવાનું પસંદ કરે છે. જે લોકો કામ મૂકી શકે એવી સ્થિતિમાં નથી હોતાં એવાં લોકોમાં એટેક વધુ એગ્રેસીવલી આગળ વધતાં ઉલ્ટી થવાની સંભાવનાઓ વધી જાય છે.

“દરદને અને દુશ્મનને ઉગતાં જ ડામવા સારાં !” – આ કહેવત આધાશીશીનાં દરદ માટે જ બની હોય તેવું લાગે છે. કેમ કે એક વાર હેડએઇક સંપૂર્ણ એસ્ટેબ્લિશ થઈ જાય પછી તેને કંટ્રોલ કરવું ખૂબ મુશ્કેલ બને છે. અનટ્રીટેડ હેડએઇકમાં અંતે ઉલટીઓ થઈ દર્દી લોથપોથ થઈને સુઈ જાય છે. એ ઊંઘ જ હીલિંગનું કામ કરે છે. મહદંશે સાઉન્ડ સ્લીપ થયાં પછી માથાનો દુ:ખાવો શમી જાય છે. દર્દી જ્યારે ઊઠે ત્યારે નબળાઈ અને સુસ્તી અનુભવે છે.

આધશીશીની સારવાર મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય.

(૧) એટેક ચાલુ હોય ત્યારે દર્દશામક ચિકિત્સા અને

(૨) લાંબા ગાળાની એટલે કે પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટ. જે સારવારથી માઈગ્રેનનાં બે એટેક વચ્ચેનો ગાળો લંબાવી શકાય એટલે કે ફ્રિકવન્સી ઘટાડી શકાય અને જ્યારે એટેક આવે ત્યારે તેની તીવ્રતા પણ ક્રમશ: ઘટાડી શકાય તેવી ટ્રીટમેન્ટને પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટ કહે છે. દા. ત. કોઈ દર્દીને માઈગ્રેન છે અને તેને અઠવાડિયામાં ૩ થી ૪ વાર માથાનો સિવિયર દુ:ખાવો થાય છે થાય છે તો પ્રોફાઈલેક્ટિક ટ્રીટમેન્ટથી શરૂઆતમાં આ દુ:ખાવો અઠવાડિયામાં બે-ત્રણ વાર થશે, પછી અઠવાડિયામાં એકાદ વાર, પછી દસ -પંદર દિવસે એકવાર, પછી મહિને દિવસે એકવાર આ રીતે ફ્રિકવન્સી ઓછી થતી જશે. આ મુખ્ય દવાઓ તબિબનાં માર્ગદર્શન હેઠળ લેવી હિતાવહ છે.

જ્યારે હેડેક ચાલુ હોય ત્યારે પેરાસીટામોલની ગોળી માફક આવતી ઉલ્ટી અને એસિડ પરની દવા સાથે જરૂર મુજબ લઈ શકાય. પણ, જરા અમસ્તું માથું દુખે ત્યાં જ સાવધ થઈને તબીબે આપેલ ડોઝ લઈ લેવાંમાં આવે તો કામને ડિસ્ટર્બ કરે તેવો એટેક રોકી શકાય છે.

આધાશીશી માટે ઉપયોગી સૂચનો :-

શક્ય હોય ત્યાં સુધી નિયમિત જીવન જીવવું. જમવાના અને સુવાનાં સમય જાળવી રાખવા.

ખોરાક અને તેમાં પણ સવારનો નાસ્તો ક્યારેય સ્કિપ ન કરવો.

કાચા કાંદા -લસણ -મૂળા – કાકડીનું સેવન ટાળવું.

જમવામાં તીખા -તળેલાં -ખાટાં -ગરમ પદાર્થો ન લેવાં.

પરાણે જાગીને કોઈ કામ ન કરવું.

માનસિક તણાવ ઘટાડવા માટે નિયમિત થોડી શારીરિક કસરત, યોગ, ધ્યાન (મેડિટેશન) કરવું.

પ્રખર સૂર્યતાપમાં જવાનું ટાળવું અથવા કેપ, ગોગલ્સ, છત્રીનો ઉપયોગ કરવો.

દિવસમાં એક બે વારથી વધુ ચા કોફી ન લેવાં અને ખાસ તો ભૂખ્યા પેટે કે ભોજનનાં બદલે ચા કોફી ન લેવાં.

ચેતતા નર સદા સુખી એ કહેવત અનુસાર આટલી સજાગતા રાખીને આધાશીશીનો દુ:ખાવો ચાલુ થતો જ અટકાવી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button