મનોરંજન

આ તે કેવો યોગાનુયોગ… મેથ્યુ પેરી અને શ્રીદેવીના મોતની સમાનતાએ ફેન્સને ચોંકાવ્યા

રવિવારે હોલીવુડની લોકપ્રિય સિરિયલ F.R.I.E.N.D.Sના સ્ટાર મેથ્યુ પેરીનું વિચિત્ર સંજોગોમાં અવસાન થયું હતું. જેવા તેમના બાથ ટબમાં થયેલા મોતના સમાચાર બહાર આવ્યા કે હિન્દી ફિલ્મોના ફેન્સને અભિનેત્રી શ્રીદેવી અને તેનું દુબઈમાં આ જ રીતે થયેલા મૃત્યુના સમાચાર યાદ આવી ગયા. 24મી ફેબ્રુઆરીએ મોડી રાત્રે શ્રીદેવીના લાખો ફેન્સને પણ આવો જ ઝટકો લાગ્યો હતો. જોકે હવે ફેન્સ બન્નેના મોતની ઘણી સામન્યાતાઓ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તેમને આ વાતો ચોંકાવી પણ રહી છે.

મેથ્યુ લોસ એન્જલસમાં તેના ઘરે સ્નાન કરી રહ્યો હતો ત્યારે અણધારી રીતે બાથ ટબમાં મૃત્યુ પામ્યો. એવું કહેવાય છે કે અભિનેતાએ તેના સ્ટાફને કોઈ કામ માટે મોકલ્યો હતો અને જ્યારે તે ઘરે પરત ફર્યો ત્યારે અભિનેતાનો મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. આ બાબતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

શ્રીદેવીનું પણ 2018માં વીકએન્ડમાં બાથટબમાં ડૂબી જવાથી મોત થયું હતું. જોકે, શ્રીદેવી તેના છેલ્લા દિવસોમાં દુબઈમાં હતી. 2018માં દુબઈની એક હોટલમાં તેનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. શરૂઆતમાં તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી મળી હતી. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે હોટલના રૂમના બાથરૂમમાં બાથટબમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. તે સમયે શ્રીદેવી લગ્નમાં હાજરી આપવા પરિવાર સાથે દુબઈ ગઈ હતી.

માત્ર બન્નેના મોત એક રીતે થયા છે તેમ નથી, પરંતુ બન્ને 54 વર્ષની ઉંમરે મર્યા છે. બન્નેના મોત શનિવાર થયા હતા. મોત સાથે જન્મદિવસની વાત કરીએ તો બંનેનો જન્મદિવસ પણ એક જ મહિનામાં છે એટલે કે બંનેનો જન્મ ઓગસ્ટમાં થયો છે. મેથ્યુનો જન્મ 19 ઓગસ્ટ 1969ના રોજ થયો હતો જ્યારે શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ થયો હતો.

તાજેતરમાં જ બોની કપૂરે કહ્યું હતું કે સ્ક્રીન પર સ્લિમ ને ફીટ દેખાવા માટે શ્રીદેવી ભૂખ્યા રહેતી હતી અને ક્રેશ ડાયટ કરતી હતી. તેણે એમ પણ કહ્યું હતું કે તેના અંતિમ સંસ્કારમાં આવેલા નાગાર્જુને કહ્યું હતું કે એકવાર શ્રીદેવી એક ફિલ્મના શૂટિંગ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી. જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર તપાસ અધિકારીઓને મેથ્યુના મૃત્યુ કેસમાં ડિપ્રેશન સામે લડવા માટે દવાઓ મળી આવી હોવાનું જાણવા મળે છે.

જોકે બન્નેની અણધારી વિદાય તેમના ફેન્સને ખૂબ જ દુઃખી કરી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button