![Indian cricket fans singing Vande Mataram after India's victory over England in the ICC Cricket World Cup 2023](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/whatsapp-image-2023-10-28-at-09-08-28_573x321xt.webp)
લખનઊઃ ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની એક મહત્વપૂર્ણ મેચમાં રવિવારે ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીના શાનદાર પ્રદર્શને જીતનો માર્ગ મોકળો કર્યો હતો. ભારતની જીત બાદ મેચ જોવા આવેલા લોકોએ વંદે માતરમ ગીત ગાયું હતું અને એક શાનદાર લાઇટ શો કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર સ્ટેડિયમ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ટૂર્નામેન્ટમાં ભારતની આ સતત છઠ્ઠી જીત છે.
ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી, જેના કારણે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારતે ઝડપી શરૂઆત કરી, પરંતુ વિકેટો પડતી રહી. પડકારજનક પીચ પર રોહિત શર્માની 87 રનની શાનદાર ઇનિંગ, સૂર્યકુમાર યાદવની 49 રનની ઇનિંગ અને કેએલ રાહુલની 39 રનની ઇનિંગને કારણે ભારત 50 ઓવરમાં 9 વિકેટના ભોગે સન્માનજનક 229 રન બનાવી શક્યું હતું. ઈંગ્લેન્ડના બેટ્સમેનો 34.5 ઓવરમાં માત્ર 129 રન જ બનાવી શક્યા હતા અને ઓલઆઉટ થઈ ગયા હતા.
આ હાર સાથે ઈંગ્લેન્ડની સેમિફાઈનલમાં પહોંચવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. આ સાથે જ ભારત પોઈન્ટ ટેબલમાં 12 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયું છે.
ભારતની જીત બાદ સ્ટેડિયમમાં શાનદાર લાઈટ શો કરવામાં આવ્યો હતો. અને ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા, જેણે ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.