કેરળ બોમ્બ વિસ્ફોટ: 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત, મૃત્યુઆંક ત્રણ થયો
કેરળના એર્નાકુલમમાં રવિવારે સવારે થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને ૩ થયો છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘવાયેલી 12 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સોમવારે સવારે કલામાસેરી સરકારી મેડિકલ કોલેજની હોસ્પિટલમાં બાળકીનું મોત નીપજ્યું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ રવિવારે થયેલા વિસ્ફોટમાં એર્નાકુલમ જિલ્લાના મલયાતૂરની રહેવાસી લિબિના નામની 12 વર્ષની બાળકી પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાળકીને રવિવારે સવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યારે તેને દાખલ કરવામાં આવી ત્યારે તેના શરીરનો 95 ટકા ભાગ ગંભીર રીતે દાઝી ગયો હતો.
નિવેદનમ મુજબ કે બાળકીને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. આમ છતાં બાળકીની હાલત સતત બગડતી રહી હતી અને રાત્રે 12.40 વાગે તેનું મૃત્યુ થયું. કન્વેન્શન સેન્ટરમાં થયેલા વિસ્ફોટોમાં આ ત્રીજું મોત છે. રવિવારે આ સભામાં હાજર બે મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો.
એર્નાકુલમ કલેક્ટરના જણાવ્યા અનુસાર આ ઘટનામાં 52 લોકો ઘાયલ થયા છે. ગંભીર રીતે દાઝી ગયેલા 10 લોકોની કલામાસેરી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.