ધર્મતેજ

કેરોલિના રીપર – પ્રકરણ-43

મારી બહેન મોના આતંકવાદી નહોતી એ મારે સાબિત કરવું છે

વૃંદા ગભરાઈ ગઈ, ઓહ માય ગોડ પ્રસાદનો જીવ તો જોખમમાં નહીં હોય ને?

પ્રફુલ શાહ
કિરણ અને વિકાસ અંધેરીના વર્સોવા સ્થિત સોસાયટીમાં પહોંચ્યા. વિકાસે એકદમ રોબદાર અવાજમાં વૉચમેનને બોલાવ્યો એ નજીક આવ્યો એટલે ધીમા પણ સખત અવાજમાં બોલ્યો, “સરકારી પૂછતાછ હૈ જો ભી જાનતા હૈ વહ બતા દેના. બાદ મેં કિસી સે બાત મત કરના. ક્યાં સમજા?”
“જી સાબ. સેક્રેટરી કો બુલાઉ?”
“બાદ મેં. સબ કા નંબર આયેગા.”
વિકાસે મોબાઈલ ફોનમાં આકાશ મહાજનના ચાર-પાંચ ફોટા એને બતાવ્યા. “જોયા છે આમને?”
“હા. હા. ઘણીવાર આવે છે કોઈ લંડનવાળા સાહેબના કેરટેકટ છે.”
“અચ્છા કેવા માણસ છે?”
કિરણને આ સવાલ ન સમજાયો. પણ વૉચમેન બોલ્યો, “ખૂબ સારા માણસ છે. કોઈ ખટપટ નહીં. મારા જેવા વૉચમેનને પણ ખુશ રાખે.”
“હમમ… બહુત અચ્છા” કહીને વિકાસે મોનાના ફોટા બતાવ્યા. જોતાવેંત વૉચમેન બોલ્યો, “આ ે સાહેબના વાઈફ છે. બન્ને કાયમ સાથે જ આવતા. મેડમ ક્યારેય કંઈ બોલતા નહીં.”
“મહિનામાં કેટલીવાર આવતા હતા?”
“બે-ત્રણ વાર સવારે આવે અને રાતે જતા રહે. ક્યારેક રાત પણ રોકાયા હતા.”
“એમને કોઈ મળવા આવતું હતું?”
“ના ક્યારેય નહીં.”
“પોતાની કારમાં આવતા હતા?”
“ના, ટેક્સીમાં.”
“હવે ધ્યાનથી સાંભળ. અમે પાછા ન આવીએ ત્યાં સુધી આ વાત કોઈને કરતો નહીં. જો જેલની મુલાકાત લેવી હોય તો બિન્દાસ બોલજે સમજ્યો કે નહીં?”
પાછા ફરતી વખતે વિકાસે કિરણને સમજાવ્યું, “એ બન્ને પહેલીવાર ક્યાં મળ્યાં, પછી ક્યાં-ક્યાં મળ્યાં, કેટલોક સમય સાથે રહ્યાં અને કેટલો સમય વાત કરી એ બધી વિગતો છે મારી પાસે.”
“પોતાની બહેન વિશે આટલી સહજતાથી વાત કેવી રીતે કરી શકો છો તમે?”
“બહેન ખરી પણ એ સામાન્ય માનવી હતી, બધાની જેમ એની નબળાઈઓ હતી એ સ્વીકારવું જ પડે. હૈયું બહેનને ગુમાવીને ફાટફાટ થાય છે પણ મગજ કહે છે કે હવે કંઈ ન થઈ શકે. હા, એ આતંકવાદી નહોતી એ સાબિત કરવું છે મારે તમે હેલ્પ કરશો મને?”


`મહાજન મસાલા’ના હરીફ કરણ રસ્તોગી મોંઘા રીમલેસ ચશ્માના કાચ પર હળવેકથી ફૂંક મારી સામે બેઠેલા બિઝનેસ અને ફાઈનાન્સિયલ એડવાઈઝર સમીર પટેલની ઓફર એને માનવામાં નહોતી આવતી.
કરણે કૉફીનો કપ મોઢે લગાડીને એક સિપ લીધી. “મિ. પટેલ, પ્લીઝ ફરીથી સમજાવશો તમારો પ્લાન.”
“યસ મિ. રસ્તોગી, બટ લાસ્ટટાઈમ. ભારતની નંબર વન મસાલા કંપની મહાજન મસાલાના માલિક માંદગીને બિછાને છે. મોટો દીકરો ભેદી હાલતમાં ગાયબ છે. એની વહુને કંપનીનું સુકાન સોંપાયું જે નાના દીકરા અને એની વહુને ગમ્યું નથી. આ દીકરો અને વહુ જીવલેણ મહત્ત્વાકાંક્ષા ધરાવે છે. મહાજન મસાલામાં ઘૂસવાનો બેસ્ટ મોકો છે.”
“મારે મહાજન મસાલામાં ઘૂસવું નથી. એને ખતમ કરવી છે.”
“મિ. મહાજન, નંબર વન કંપની ખતમ કરીને તમે બીજા કેટલાંય હરીફને મદદ કરશો.”
“વ્હૉટ ડુ યુ મીન?”
“નંબર વન કંપની ખતમ થઈ જાય. એટલે બધા હરીફને ફાયદો થઈ શકે. એમાંથી કોઈ થોડા સમયમાં નંબર વન થઈ જાય તો તમને શું ફાયદો? પાછા નંબર બે પર આવી જશો.”
“તો તમે શું સૂચન કરો છો?”
“નંબર વન કંપની આખે આખી પ્લેટરવ મળી જાય તો કેવું?”


જમણા કાન પર ભરાવેલી ઘર બનાવટની બીડી છતાં ઉતાવળે પગલે શંભુભાઉ મુરુડ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો-એની પાછળ એક માણસ ચાલતો હતો. કેબિનની બહાર કોઈ સાથે વાત કરતા પ્રશાંત ગોડબોલેએ શંભુભાઉને જોયા એટલે એક હવાલદારને સૂચના આપી કે પેલા મહેમાનને લઈને અંદર આવ.
ગોડબોલેને શંભુભાઉનું આગમન ગમ્યું: એ ક્યારેય અમસ્તા ન આવે. ત્યાં જ `રામરામ ગોડબોલે સાહેબ’ કરતા શંભુભાઉ અંદર આવ્યો. ગોડબોલેના કીધા વગર એ સામે બેસી ગયો. સાથે આવેલા માણસને ઈશારો કર્યો બેસવાનો.
“ગોડબોલેને નવાઈ લાગી પણ કંઈ બોલ્યા નહીં. ઈન્ટરકોમ પર બે ચા અને મસાલા દૂધનો ઓર્ડર આપી દીધો. શંભુભાઉ ખુરશી થોડી પાછળ ખેંચી અને પછી પલાઠી વાળીને બેસી ગયા. તેમણે સાથેના માણસને ઈશારો કર્યો.”
“નમસ્તે સર. હું કિશનરાવ ગાયતોંડે ઘર, દુકાન અને ખાસ તો જમીનની દલાલી કરું છું. થોડા વરસ અગાઉ મુરુડની પ્યૉર લવ હોટલના મેનેજર એનડીસાબ મને મળ્યા હતા. તેમને હોટલ માટે જમીન જોઈતી હતી. મેં ત્રણ-ચાર પ્લોટ બતાવ્યા પણ એમને ન જામ્યા. મેં કેટલીયવાર કીધું કે કોને પ્લોટ લેવો છે તો કંઈ ન બોલ્યા. અંતે આ મુરુડની હોટલવાળો પ્લોટ એમને ખૂબ ગમી ગયો, પરંતુ સોદો કરતા અગાઉ તેમણે વિચિત્ર શરત મૂકી?”
“દલાલીમાં ભાગીદારી માગી? કે જમીનનો ભાવ વધારે કરાવ્યો?”
“મને એવી જ ધારણા હતી પણ એવું કંઈ નહોતું. તેમણે પૂછ્યું કે તારી સવા લાખની દલાલીને બદલે દોઢ લાખ આપીશ, પરંતુ તારે એટલું જ કહેવાનું કે આ જમીનનો દલાલ હું છું. આ જમીન મારા હસ્તક છે. ફાયદો થતો હોવાથી એવું કહેવામાં શું વાંધો હોય.”
“એટલે વધુ દલાલી મેળવવા તમે પડદા પાછળ આવી ગયા. એવું શું કામ કર્યું હોય એનડીએ?”
જવાબ અગાઉ ચા-દૂધ આવી ગયા. શંભુભાઉએ બીડી એશટે્રમાં કચડી નાખી. જમણા હાથની આંગળીથી ઊંચકીને મલાઈ મોઢામાં મૂકી દીધી. પછી એક જ શ્વાસે ગરમાગરમ દૂધ ગટગટાવી ગયો ડાબે હાથેથી હોઠ લૂછતા ગોડબોલે સામે જોયું:
“કદાચ એનડીને એના માલિકો સામે મોટાભા થવું હોય કે વિશ્વાસ જીતી લેવો હોય. એવું બની શકે. તમે વિચારજો નિરાંતે… ચાલો તો નીકળું હવે સાહેબ?”
શંભુભાઉ ઊભો થયો અને ગોડબોલે સામે જોયા વગર ચાલવા માંડ્યો.


દીપક અને રોમા ચૂપચાપ કેબિનમાં બેઠા હતા. બન્નેને સમજાતું નહોતું કે મહાજન મસાલામાં ધાક જમાવવી કંઈ રીતે? ત્યાં જ મોબાઈલ ફોનની રિંગ વાગી. `અજય જીજાનું નામ જોઈને દીપકને આશ્ચર્ય થયું. કે પોતાને પહેલીવાર કોલ કેમ કર્યો?’
“હલ્લો જીજાજી. વ્હૉટ અ સરપ્રાઈઝ. કેમ છો આપ?”
“હું મજામાં છું. સાળાજી. સાંભળ્યું છે કે કંપનીનો બોજ તમારા પર આવી ગયો. જરૂર પડે તો યાદ કરજો. કોઈપણ જાતની જરૂર…”
“થૅન્ક યુ જીજાજી.”
“નો ફોર્માલિટી. બહુ બિઝી છો?”
“ના, ના. રોમા સાથે બિઝનેસની ચર્ચા…”
“બિઝનેસ, બિઝનેસ,… કંટાળી જતા હશોને? એક કામ કરો રિલેક્સ થવા આવો બન્ને.”
“અરે, એમ દિલ્હી અચાનક કેવી રીતે અવાય?”
“દિલ્હી ન અવાય. તો મુંબઈ આવી જાઓ…”
“વ્હૉટ તમે મુંબઈમાં છો?”
“ટૉપ સિક્રેટ રાખજો. મમતાને પણ કહેવાનું નથી. કફ પરેડમાં એક ફલેટમાં છું. લોકેશનની લિન્ક મોક્લું છું. બન્ને જલ્દી આવો. પાર્ટી ઈઝ ઓન મી.”


સબ-ઈન્સ્પેક્ટર વૃંદા સ્વામી ક્યારની પ્રસાદરાવને ફોન કરી રહી હતી. એનો ફોન સ્વીચ ઑફ આવતો હતો. આજે મળવા આવવાનું વચન આપ્યું પણ હવે ફોન સ્વીચ-ઑફ! એને ડર લાગવા માંડ્યો કે પ્રસાદ સલામત તો હશે ને? ત્યાં જ લેડી હવાલદારે આવીને કીધું કે ગોડબોલે સર બોલાવે છે.
વૃંદા ઊભી થઈ એટલે હવાલદાર બબડી, “આવ્યાને જુમ્મા-જુમ્મા સાત દિવસ થયા ને સાહેબની લાડકી થઈ ગઈ. કેવી રીતે કરતી હશે આ બધું?”
વૃંદા અંદર ગઈ. નહોતી એની ચાલમાં સ્ફુર્તિ કે નહોતી ચહેરા પર રોજની ચમક. પરાણે સલામ કરતી હોય એમ હાથ ઊંચો કર્યો. ગોડબોલેએ બેસવાનો ઈશારો કર્યો.
“વૃંદા, તમારી તબિયત ઠીક છે ને?”
અચાનક વૃંદા ઢીલી પડી ગઈ. એની આંખમાં આંસુ આવી ગયા. ગોડબોલેએ પાણીનો ગ્લાસ એની સામે મૂક્યો. થોડું પાણી પીને વૃંદાએ ગોડબોલે સામે જોયું.
“સ્વસ્થ થઈને કહો કે શું થયું?”
“સર, પ્રસાદ રાવ…”
“કોણ પ્રસાદ… ઑહ હા… તમારો ફ્રેન્ડને?”
“એનો ફોન બંધ આવે છે?”
“હોય ક્યારેક ફોન બંધ…”
“એ તો આવે છે ને મળવા. ફોન લાગે તો ખુદ પૂછી લે જો.”
“સર, કાલે સુધી કહેતો હતો મળવાનું. પણ સાંજે ફોન ન ઉપાડ્યો અત્યારે ફોન બંધ.”
“ઓહ. તો હું થોડું વધુ ઉમેરવા માગું છું.”
“વ્હૉટ સર?”
“પ્રસાદ રાવે ભલે તમને કીધું કે હું આવું છું. પરંતુ પિંટ્યાના મોત બાદ એના ઘરે પર તાળું છે. પાડોશીએ કીધા પ્રમાણે પછી એ આવ્યો જ નથી.” વૃંદા ગભરાઈ ગઈ, “ઓહ માય ગૉડ. સર, પ્રસાદનો જીવ તો જોખમમાં નહીં હોય ને?”
“અમે એના દોસ્તારોની શોધખોળ શરૂ કરી દીધી છે. એક હવાલદાર એના ઘર પર નજર રાખે છે. એની બાઈક માટે બધે એલર્ટની સૂચના આપી દીધી છે.”
(ક્રમશ:)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button