ગાંધીનગર

ગુજરાતમાં શાસન સુધારણાનો ‘માસ્ટર પ્લાન’: ‘એક વિદ્યાર્થી-એક ID’ થી લઈને ઓટોમેટેડ પેન્શન સુધી, અઢીયા પંચની 10 મોટી ભલામણો

ગાંધીનગર: ગુજરાત સરકારના શાસનમાં સુધારા અને ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ માટે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન (GARC) ના અધ્યક્ષ અને મુખ્ય પ્રધાનના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયાના દિશાનિર્દેશનમાં તૈયાર કરાયેલો ત્રીજો ભલામણ અહેવાલ આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં રાજ્ય સરકારને વિવિધ ક્ષેત્રોમાં સુધારા માટે 10 મહત્વપૂર્ણ ભલામણો કરવામાં આવી છે.

આ અહેવાલમાં રાજ્ય સરકારને શું ભલામણો કરવામાં આવી?

(1)“એક વિદ્યાર્થી – એક આઈડી – એક પોર્ટલ” માળખાના આધારે, સરકાર વિવિધ વિભાગો દ્વારા ઓફર કરવામાં આવતી તમામ શિષ્યવૃત્તિ યોજનાઓના અસરકારક સંકલન માટે એક એકીકૃત, પારદર્શક અને ટેકનોલોજી-આધારિત શિષ્યવૃત્તિ પ્લેટફોર્મ (ગુજરાત યુનિફાઇડ સ્કોલરશિપ પોર્ટલ) વિકસાવશે. આ પોર્ટલથી શિષ્યવૃત્તિ સંદર્ભેનુ કામ ઝડપથી થશે, કામની પુનરાવૃત્તિ ટળશે અને કર્મચારીઓ પરનુ ભારણ પણ ઘટશે.

(2) સરકાર નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શન વિતરણ માટે એક સંપૂર્ણ ઓટોમેટેડ સિસ્ટમ વિકસાવશે– જેમાં પેન્શન પેમેન્ટ ઓર્ડર જનરેટ થવો, સેવા રેકોર્ડ્સની ડિજિટલ ચકાસણી થવી અને નિવૃત્ત થનારા કર્મચારીઓની નિવૃત્તિના બીજા જ દિવસે બેંક ખાતામાં પેન્શનની રકમ સીધી જમા કરાવવા જેવી બાબતોનો સમાવેશ થશે.

(3) સરકાર દરેક વિભાગમાં તમામ મુખ્ય વિષયોના સરકારી ઠરાવો (GRs) ને સંકલિત કરવા માટે વિશિષ્ટ ટાસ્ક ફોર્સની રચના કરશે અને સાથે સાથે ઉક્ત ઠરાવો પોર્ટલના માધ્યમથી વિષયવાર સરળ ફોર્મેટમા ઉપલબ્ધ થશે. આ પગલાથી વિવિધ ઠરાવોને સમજવામાં ઉપસ્થિત થતી વિસંગતતાઓ દૂર થશે.

(4) સરકાર, નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, ગુજરાતના તાલુકાઓ અને ગામડાઓમાં સ્થિત તમામ સરકારી સંપત્તિઓ અને સેવાઓની એક મજબૂત અને વ્યાપક, GIS-આધારિત એક સિસ્ટમ વિકસાવશે જેમાં કોઇ પણ પ્રોજેક્ટના ઇન્સેપેક્શનથી લઇને યુટીસી સુધીની તમામ બાબતોનો સમાવેશ થઇ જશે. આ સિસ્ટમના કારણે બજેટની ફાળવણી વધુ યોગ્ય અને કાર્યક્ષમ રીતે શક્ય બનશે તેમજ કામની પુનરાવૃત્તિની શક્યતાઓ પણ ઘટશે.

(5) સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓના સહયોગથી, વધારે ફૂટપ્રિંટ ધરાવતી નાગરિક સેવાઓનું ગવર્નન્મેટ પ્રોસેસ રિ-એન્જીનીયરિંગ કરીને ‘અરજી પરની કામગીરી શરૂ થઈ’, ‘અરજી સબમિટ થઈ’, ‘દસ્તાવેજો ચકાસાઇ ગયા’, ‘અરજી પ્રક્રિયા હેઠળ’, ‘મંજૂરી હેઠળ છે’, ‘અરજી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, વગેરે જેવા તબક્કાઓએ નાગરિકોને SMS/WhatsApp દ્વારા ઓટોમેટેડ અપડેટ મળી રહે તે મુજબની વ્યવસ્થાઓ વિકસાવશે અને સરકારી દસ્તાવેજો નાગરિકોને સુરક્ષિત રીતે પ્રાપ્ત થઇ શકે તે માટે વિશ્વસનીય કુરિયર સેવાઓ સાથે ભાગીદારી કરશે.

(6) જાહેર પરિવહનમાં યુઝર એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે તમામ સરકારી બસોમાં ટિકિટની ખરીદી એડવાન્સ કે જરૂરિયાત અનુસાર QR કોડ અને UPI ના માધ્યમથી થઇ શકે અને બસના સમયપત્રક તેમજ જગ્યાની ઉપલબ્ધતા અને બસનુ લોકેશન રિયલ ટાઇમ બેઝિસ પર ઉપલબ્ધ થાય તે મુજબની વ્યવસ્થા વિકસાવશે. આ ઉપરાંત, સેવામાં સતત સુધારણા માટે QR કોડ-આધારિત મુસાફરોનો પ્રતિભાવ મેળવવાની વ્યવસ્થા પણ વિકસાવશે.

(7) નાગરિકોને તેમના સત્તાવાર દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે માટે સરકાર નિષ્ણાંત વ્યવસાયિક એજન્સીઓની મદદથી ડિજી-લોકર સાથે દરેક સરકારી સેવા વિતરણ પ્રણાલી (તમામ અરજીઓ, ફોર્મ્સ અને સેવાઓ)ને લિન્ક કરશે. આનાથી, સરકાર દ્વારા ઇસ્યૂ થતા મહત્વના અધિકૃત દસ્તાવેજો/પ્રમાણપત્રો સીધા નાગરિકના ડિજી-લોકરમા ઉપલબ્ધ થશે. (8) સરકાર માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)માં તમામ કર્મચારીની સેવાપોથી ડિજીટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવશે અને કર્મચારીનુ શિક્ષણ, કઇ ટ્રેનિગ લીધેલ છે, ક્યા ક્યા પોસ્ટિંગ થયુ છે, વગેરે જેવી જૂની વિગતો માટે હાલની સેવાપોથીનુ ડિજિટાઇઝેશન પણ હાથ ધરશે.

(9) સરકાર રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે એક ડાયનેમિક, વ્યાપક ઇ-સિવિલ લિસ્ટ અને ઓટોમેટિક કામચલાઉ સિનિયોરિટી લિસ્ટ (પ્રવરતા યાદી) પ્રસિદ્ધ થાય એવી સિસ્ટમ વિકસાવશે. (10) સરકાર ડિજિટલ સર્વેક્ષણ હાથ ધરીને ગુજરાત સરકારના વર્ગ 1 અને 2ના અધિકારીઓમાં કાર્ય વિતરણ, કાર્યભારની ધારણા અને સંતોષનું વ્યાપક મૂલ્યાંકન હાથ ધરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button