ધર્મતેજ

હા, ભગવાન પણ શિષ્ય બને અને ઉત્તમ શિષ્ય બને!

જીવનનું અમૃત – ભાણદેવ

(ગયા અંકથી ચાલુ)
ઉદ્ધવજી ભગવાનના લગભગ સમગ્ર જીવનના સાથી રહ્યા છે!
અને આ ગરીબ બ્રાહ્મણ સુદામા ઉજ્જૈનના સાંદીપનિજીના આશ્રમમાં ભગવાન સાથે વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા. તે વખતથી તેમની અલૌકિક મૈત્રી, સુદામાજી પોરબંદરથી એક વાર દ્વારિકા ભગવાનને મળવા આવે છે તે વખતનો ભગવાનનો સુદામાજી પ્રત્યેનો મિત્રભાવ જોઈને માત્ર અષ્ટપટ્ટરાણીઓ જ નહિ, પરંતુ સૌ દ્વારિકાવાસીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે!

ભગવાન શ્રીકૃષ્ણ આવા છે એક ઉત્તમ મિત્ર!

  1. ઉત્તમ શિષ્ય
    ભગવાન પણ શિષ્ય બને? હા, ભગવાન પણ શિષ્ય બને અને ઉત્તમ શિષ્ય બને! ભગવાન શ્રીરામ વસિષ્ઠ મહારાજના શિષ્ય બન્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ પણ સાંદીપનિ મહારાજના શિષ્ય બને છે. ઉજ્જૈન સાંદીપનિ ઋષિના આશ્રમમાં રહીને ભગવાને ગુરુમહારાજ પાસેથી વેદ, વેદાંત, વેદાંગ, ચોસઠ કળા, રાજનીતિ, સમાજવિદ્યા ચિકિત્સાશાસ્ત્ર આદિ અનેક અને અનેકવિધ વિદ્યાઓનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. એટલું જ નહિ, પરંતુ પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન ભગવાને ગુરુમહારાજ અને ગુરુમાતાની ખૂબ સેવા કરી છે. અરે! ગુરુમાતાની આજ્ઞા પ્રમાણે શ્રીકૃષ્ણ સુદામાજીની સાથે જંગલમાં લાકડાં કાપવા પણ ગયા છે!
    વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરીને ભગવાન ગુરુદક્ષિણારૂપે ગુરુમાતાની આજ્ઞા પ્રમાણે ગુરુપુત્રને લાવીને ગુરુમાતાને અર્પણ કરે છે.

આવા આદર્શ શિષ્ય છે – ભગવાન શ્રીકૃષ્ણ!
છાંદોગ્યોપનિષદમાં ‘आत्मयज्ञोपासना’નામની રહસ્યવિદ્યાનું કથન છે. ભગવાન શ્રીકૃષ્ણ ‘आत्मयज्ञोपासना’ ઘોર આંગિરસ નામના એક આત્માવિદ્ ઋષિ પાસેથી પામે છે, તેવું કથન પણ આ છાંદોગ્યોપનિષદના ‘आत्मयज्ञोपासना’ પ્રકરણમાં છે.

तद्धैतद्घोर आड्गिरसः कृष्णाय देवकी पुत्रायोकत्वोवाचापिपास एव स बभूव सोऽन्तवेलायामेतत्त्रयं प्रतिपद्ये ताक्षितमस्य च्युतमसि प्राणसँशितमसीति तत्रैते द्वै ऋचौ भवतः॥

  • छांदोग्योपनिषद्; 3-17-6
    “ઘોર આંગિરસઋષિએ દેવકીપુત્ર શ્રીકૃષ્ણને આ યજ્ઞદર્શન સંભળાવ્યું તેનાથી તેઓ અન્ય વિદ્યાઓ પ્રત્યે તૃષ્ણાહીન થઈ ગયા. ત્યાર પછી તેમને કહ્યું, અંતકાળમાં આ ત્રણ મંત્રોનો જપ કરવો જોઈએ - તું અક્ષિત (અક્ષય) છે, તું અચ્યુત છે અને તું અતિસૂક્ષ્મ પ્રાણ છે.' આ વિષયમાં બે ઋચાઓ છે.” આઅળટ્ટપ્રૂસળજ્ઞક્ષળલણળ’ પ્રકરણમાં મહર્ષિ ઘોર આંગિરસ યજ્ઞનું એક નવું અને સૂક્ષ્મદર્શન ભગવાન શ્રીકૃષ્ણને આપે છે.
    શ્રીમદ્ ભગવદ્ગીતામાં દ્રવ્યયજ્ઞનું જ્ઞાતયજ્ઞમાં પર્યંવસાન થાય છે.
    ગીતાના આ વિશિષ્ટ યજ્ઞદર્શનનું મૂળ છાંદોગ્યોપનિષદના આ ‘आत्मयज्ञोपासना’ પ્રકરણમાં છે. આ ‘आत्मयज्ञोपासना’ ભગવાન શ્રીકૃષ્ણ મહર્ષિ ઘોર આંગિરસ પાસેથી પામે છે. ભગવાન શ્રીકૃષ્ણના યજ્ઞદર્શનનું બીજ અહીં છે, જે વિકસીને ગીતામાં યજ્ઞનું સ્વરૂપ ધારણ કરે છે.
    આવા આદર્શ શિષ્ય છે – ભગવાન શ્રીકૃષ્ણ!
  1. ઉત્તમ ગુરુ
    યોગસૂત્રમાં ઈશ્વરના સ્વરૂપનું કથન કરતાં ભગવાન પતંજલિ કહે છે –
  2. पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात्
  3. योगसूत्र; 1-26

  • “તે (ઈશ્વર) સર્વ પૂર્વગુરુઓનો પણ ગુરુ અને કાલથી અવિચ્છિન્ન (કાલાતીત) છે.
    ભગવાન શ્રીકૃષ્ણ આવા કાલાતીત ગુરુ છે. સર્વે ગુરુ પરંપરાના આદિગુરુ છે. તેમના ગુરુપદ વિશે શું કહેવાનું હોય?
    ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પૃથ્વીલોક પરના લીલાકાળ દરમિયાન અનેકના ગુરુ પણ બન્યા જ હશે અને અનેક ભાગ્યવાન માનવોને ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન અને મદદ મળ્યાં જ હશે. આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણના બે શિષ્યો તો ઊડીને આંખે વળગે તેવા છે – અર્જુનજી અને ઉદ્ધવજી.

શ્રીમદ્ ભગવદ્ગીતાના પ્રારંભમાં જ અર્જુનજી ભગવાનને કહે છે –

शिष्यस्तेऽहं शाघि मां प्रपन्नम्॥

  • गीता; 2-7

  • “ભગવન્! હું આપનો શિષ્ય છું. હું આપને શરણે આવ્યો છું. આપ મને માર્ગદર્શન આપો.”
    અર્જુનની આ શરણાગતિ અને માર્ગદર્શન માટેની પ્રાર્થનાના ઉત્તરરૂપે ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનજીને શ્રીમદ્ ભગવદ્ગીતારૂપી દેવદુર્લભ અધ્યાત્મવિદ્યા આપે છે.ઉદ્ધવજી ભગવાનને કહે છે- (ક્રમશ:)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button